હાઉસિંગ સોસાયટીઓ બ્લડ ડોનેશન કૅમ્પ યોજો

10 January, 2022 10:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ત્રીજી લહેરમાં લોહીની અછતને પહોંચી વળવા સ્ટેટ બ્લડ ટ્રાન્સફ્યુઝન કાઉન્સિલે કહ્યું

ફાઈલ તસવીર

કોરોના વાઇરસની પ્રથમ અને બીજી લહેરમાં લોહીની અછતનો સામનો કર્યા બાદ શહેરમાં ત્રીજી લહેર આવી પહોંચી હોવાથી સ્ટેટ બ્લડ ટ્રાન્સફ્યુઝન કાઉન્સિલ (એસબીટીસી) એ શહેરની તમામ બ્લડ બૅન્કોને લોહીની અછતની સમસ્યા સામે લડવા માટે તૈયાર રહેવાનો અનુરોધ કરતાં હાઉસિંગ સોસાયટીઓમાં બ્લડ ડોનેશન કૅમ્પ યોજવા જણાવ્યું હતું. 
એસબીટીસીના ડિરેક્ટર ડૉક્ટર અરુણ થોરાટે કહ્યું હતું કે ‘મહામારીને કારણે બ્લડ ડોનેશન કૅમ્પ પર અસર પડી છે, જેની સીધી અસર રૂપે મોટા ભાગની હૉસ્પિટલો લોહીની અછતની સમસ્યા વેઠી રહી છે. પહેલી અને બીજી લહેરમાં શહેરે લોહીની અછતનો સામનો કર્યો હતો તે ધ્યાનમાં રાખીને જ અમે તમામ બ્લડ બૅન્કોને ત્રીજી લહેર માટે વધુ લોહી એકઠું કરી તૈયાર રહેવા જણાવ્યું છે.’
રાજ્યમાં રોજના ૩૦૦૦થી ૫૦૦૦ યુનિટ લોહીની જરૂરત રહે છે. એક પત્રમાં એસબીટીસીએ બ્લડ બૅન્કોને અત્યારથી જ લોહી તેમ જ લોહીનાં ઉત્પાદનો સ્ટૉક કરવાની સૂચના આપી છે. વધતા કેસ અને શહેર અને રાજ્યમાં કડક પ્રતિબંધોની સંભાવના સાથે, સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં અવરોધોનો સામનો કરવો પડી શકે છે એમ જણાવતાં ડૉ. થોરાટે વધુમાં ઉમેર્યું હતું કે અમે  સ્ટૉકની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે લોહીનો ઇન-હાઉસ સંગ્રહ કરવાનું કહ્યું છે.

coronavirus covid19 mumbai mumbai news