07 August, 2025 12:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઘાટકોપર-ઈસ્ટમાં ખોખાણી લેનમાં રહેતાં મહિલાના ઘરે કામ માગવા આવેલી એક હાઉસહેલ્પ ઘર જોવાના બહાને બે તોલાની સોનાની ચેઇન અને પેન્ડન્ટ તફડાવી ગઈ હોવાની ફરિયાદ ગઈ કાલે પંતનગર પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ હતી. શનિવારે સવારે નેહા નામની હાઉસહેલ્પે એક બિલ્ડિંગના વૉચમૅનને ઘરકામની જરૂર હોવાનું જણાવ્યું હતું. એ પછી વૉચમૅન તેને ફરિયાદી મહિલાના ઘરે લઈ ગયો હતો. એ સમયે ઘરકામના પૈસા પૂછતાં હાઉસહેલ્પે ઘર જોઈને પૈસા કહીશ એવું કહીને તે આખા ઘરમાં ફરી હતી. એ સમયે તેણે બે તોલાની ચેઇન અને પેન્ડન્ટ તફડાવી લીધાં હતાં એવો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. પ્રાથમિક માહિતીના આધારે પોલીસે નજીકના વિસ્તારમાં લાગેલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ તપાસીને વધુ તપાસ હાથ ધરી છે.