મમ્મી માટે આઇ ઍમ સૉરી કહેતો વિડિયો રેકૉર્ડ કરીને કૂવામાં ઝંપલાવ્યું ટીનેજરે

26 June, 2026 07:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

NEET-UGની રી-એક્ઝામનું પેપર અઘરું લાગ્યું એટલે હિંગોળીના વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું હોવાની આશંકા

આત્મહત્યા પહેલાં રેકૉર્ડ કરાયેલા વિડિયોમાં હાથ જોડીને માફી માગતો સુશીલ ઢગે.

તાજેતરમાં જ નૅશનલ એલિજિબિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-અન્ડરગ્રૅજ્યુએટ (NEET-UG)ની રી- એક્ઝામ આપનાર ૧૮ વર્ષના એક વિદ્યાર્થીએ પોતાના મોબાઇલ ફોન પર મમ્મીને સૉરી કહેતો વિડિયો રેકૉર્ડ કર્યા બાદ કૂવામાં કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. જોકે NEET-UGની પરીક્ષા સાથે સુશીલ ઢગે નામના આ વિદ્યાર્થીના અંતિમ પગલાનો કોઈ સંબંધ છે કે કેમ એ વિશે પોલીસ હાલ ઊંડી તપાસ કરી રહી છે. બીજી તરફ તેના પરિવારનો દાવો છે કે તેને આ રી-ટેસ્ટ ખૂબ જ અઘરી લાગી હતી જેના કારણે સુશીલ તાણમાં હતો.

પોલીસે આપેલી માહિતી મુજબ હિંગોલી શહેરના અષ્ટવિનાયકનગર વિસ્તારમાં રહેતા ૧૮ વર્ષના સુશીલે બુધવારે સવારે ૧૦.૩૦ વાગ્યે એક કૂવામાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ આત્મઘાતી પગલું ભરતાં પહેલાં સુશીલે પોતાના મોબાઇલમાં મમ્મી માટે ૩૩ સેકન્ડનો એક વિડિયો રેકૉર્ડ કર્યો હતો જેમાં કહ્યું હતું કે ‘હું આત્મહત્યા કરવા જઈ રહ્યો છું, તું કોઈ ટેન્શન ન લેતી. હું આગલા જન્મમાં પણ તારા જ સંતાન તરીકે જન્મવા માગું છું. સુમેધની સાથે રહેજે. આઇ અૅમ સૉરી.’

સુશીલે આ પગલું પરીક્ષાના ટેન્શનમાં ઉઠાવ્યું કે બીજું કોઈ કારણ જવાબદાર હતું એ જાણવા માટે પોલીસે આકસ્મિક મૃત્યુનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.  

mumbai news mumbai maharashtra news maharashtra suicide neet exam