હવે મહારાષ્ટ્રની સ્કૂલોમાં હિન્દી ફરજિયાત નહીં, ત્રીજી ભાષા તરીકે કોઈ પણ ભારતીય ભાષા ભણી શકાશે

19 June, 2025 09:37 AM IST  |  Pune | Gujarati Mid-day Correspondent

દેવેન્દ્ર ફડણવીસે ત્રીજી ભાષા તરીકે હિન્દીને ફરજિયાત કરવાના​ વિષય પર પૂર્ણવિરામ મૂક્યું, પણ રાજ ઠાકરેનો હજીયે વિરોધ

ગઈ કાલે પુણે જિલ્લાના ચિખલીમાં સંત તુકારામ મહારાજ સંતપીઠ ખાતે ઑડિટોરિયમ અને આર્ટ ગૅલરીનું ઉદ્ઘાટન કરવાના પ્રસંગે દેવેન્દ્ર ફડણવીસ.

હિન્દી ભાષાને મહારાષ્ટ્રની સ્કૂલોમાં ત્રીજી ભાષા તરીકે ફરજિયાત ભણાવવી કે નહીં એ વિશે અનેક મતભેદો થયા બાદ છેવટે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ભાષાના મુદ્દે વિવાદ કરવો બિનજરૂરી છે એમ જણાવીને ત્રીજી ભાષા તરીકે હિન્દી ફરજિયાત ભણાવવાના મુદ્દે પૂર્ણવિરામ મૂકી દીધું છે. બુધવારે દેવેન્દ્ર ફડણવીસે જાહેર કર્યું હતું કે મહારાષ્ટ્રની સ્કૂલોમાં ધોરણ એકથી પાંચમાં ત્રીજી ભાષા તરીકે હિન્દી ભણવું ફરજિયાત નથી, ત્રીજી ભાષા તરીકે કોઈ પણ ભારતીય ભાષાનો વિકલ્પ પસંદ કરી શકાશે.

રાજ્ય સરકારે મંગળવારે એક ઑર્ડર પાસ કર્યો હતો જેમાં જણાવાયું હતું કે મરાઠી અને ઇંગ્લિશ મીડિયમની સ્કૂલોમાં એકથી પાંચ ધોરણમાં ત્રીજી ભાષા તરીકે સામાન્ય રીતે હિન્દી ભણાવવામાં આવશે. આ ઑર્ડરમાં હવે સુધારો કરવામાં આવ્યો છે. એમાં જણાવાયું છે કે ફરજિયાતપણે નહીં પરંતુ સામાન્ય રીતે હિન્દી ત્રીજી ભાષા તરીકે ભણાવવામાં આવશે. જો એક ધોરણમાંથી ઓછામાં ઓછા વીસ વિદ્યાર્થીઓ હિન્દી સિવાયની કોઈ અન્ય ભારતીય ભાષા ભણવાની ઇચ્છા રાખે તો તેમને એ ભાષા ભણવાનો વિકલ્પ મળશે.

અગાઉ પણ હિન્દી ભાષાને ફરજિયાત કરતાં વિરોધ પક્ષે હોબાળો મચાવ્યો હતો. હવે જ્યારે હિન્દી ભાષા ફરજિયાત ન રાખવાની જાહેરાત થઈ છે ત્યારે અમુક મરાઠી પ્રતિનિધિઓએ જૂના નિર્ણયને નવા વાઘા પહેરાવીને પ્રસ્તુત કર્યો હોવાનું ગણાવ્યું છે. કૉન્ગ્રેસે પણ નિર્ણયની ટીકા કરતાં એને મરાઠી લોકોની છાતીમાં ખંજર ભોંકવા જેવું કહ્યું હતું.

નવી શિક્ષણનીતિમાં ત્રણ ભાષા ભણવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે જેમાંથી એક ભાષા ફરજિયાત રીતે માતૃભાષા હશે. અન્ય બેમાંથી એક ભાષા ભારતીય ભાષા હોવી જરૂરી છે. સામાન્ય રીતે મોટા ભાગના વિદ્યાર્થીઓ બેમાંથી એક ભાષા તરીકે ઇંગ્લિશ જ પસંદ કરશે એમ દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું.

હિન્દીને ત્રીજી ભાષા તરીકે ભણાવવાનો નિર્ણય અગાઉ એટલા માટે લેવાયો હતો કારણ કે આ ભાષાના શિક્ષકો સહેલાઈથી મળી રહે છે. બધા ઇં​ગ્લિશને મહત્ત્વ આપીને ભારતીય ભાષાને અવગણે છે, પણ હવે આ નિયમ બદલવામાં આવ્યો છે. ત્રીજી ભાષા તરીકે કોઈ પણ ભારતીય ભાષા પસંદ કરી શકાશે. જો ઓછામાં ઓછા વીસ વિદ્યાર્થી થશે તો એ વિષય માટે ટીચર આપવામાં આવશે. જો જરૂર પડી તો ઑનલાઇન ભણાવવાનો પણ વિકલ્પ રહેશે એમ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું.

સ્કૂલો હિન્દી ભણાવશે તો એને હું મહારાષ્ટ્ર-દ્રોહ સમજીશ : રાજ ઠાકરે

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરે પહેલેથી જ હિન્દી ભાષા ફરજિયાત રીતે ભણાવવાની વિરુદ્ધ છે. બુધવારે આવેલા નવા પરિપત્ર બાદ તેમણે આ આખો મામલો ઉત્તર ભારતના IAS ઑફિસરોનું કાવતરું ગણાવ્યું હતું. સ્કૂલો માટે હિન્દીની બુક્સ છપાવવાનું પણ ચાલુ કરી દીધું છે એમ કહેતાં રાજ ઠાકરેએ તેમના તીખા અંદાજમાં સરકારની ટીકા કરતાં પૂછ્યું હતું કે હિન્દી ભાષાને કેમ નાનાં વિદ્યાર્થીઓને લમણે મારવામાં આવે છે?

રાજ ઠાકરેએ સ્કૂલોને ઉદ્દેશીને કહ્યું હતું કે ‘ભાષાના મુદ્દે ભાગલા પાડવાનો સરકારનો આ છૂપો એજન્ડા નિષ્ફળ બનાવવો જોઈએ. સ્કૂલો હિન્દી ભણાવશે તો એને હું મહારાષ્ટ્ર-દ્રોહ સમજીશ. મહારાષ્ટ્રમાં જ્યાં મરાઠી ભાષા બોલાય છે ત્યાં ઉત્તર ભારતનાં રાજ્યોની હિન્દી ભાષા શું કામ ફરજિયાત બનાવવી જોઈએ? તામિલનાડુ, આંધ્ર પ્રદેશ અને ગુજરાતમાં પણ ત્રણ ભાષાની પૉલિસી જ નથી તો મહારાષ્ટ્રમાં કેમ માત્ર બે ભાષા જ ન ભણાવી શકાય?’

મેં રાજ ઠાકરેને સમજાવવાનો પ્રયાસ કર્યો છે : ફડણવીસ

દેવેન્દ્ર ફડણવીસે રાજ ઠાકરેના આક્ષેપ સામે વળતાં જવાબમાં કહ્યું હતું કે ‘મેં તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. સરકારી પરિપત્રમાં સ્પષ્ટ રીતે જણાવાયું છે કે મરાઠી વિષય ફરજિયાત છે અને હિન્દી વિષય વૈકલ્પિક છે. વિદ્યાર્થીઓ કોઈ પણ ભારતીય ભાષા ત્રીજી ભાષા તરીકે ભણવાનું પસંદ કરી શકે છે. અને હવે તો મહારાષ્ટ્રમાં એન્જિનિયરિંગ, MBBS અને MBA પણ મરાઠી ભાષામાં થાય છે. આખો દેશ ત્રણ ભાષાની નીતિ અપનાવતો હોય તો મહારાષ્ટ્ર કેમ નહીં?’

devendra fadnavis maharashtra Education maharashtra news news mumbai mumbai news