21 December, 2025 07:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
થાણે-વેસ્ટના પોખરણ રોડ-નંબર એક પર આવેલી જાણીતી હોટેલમાં મૉડલો સાથે સંકળાયેલા વેશ્યાવૃત્તિ રૅકેટમાં હાઈ કોર્ટના એક વકીલ સહિત બે જણની વર્તકનગર પોલીસે ધરપકડ કરી હતી. આ દરોડા દરમ્યાન વેશ્યાવૃત્તિ માટે લાવવામાં આવેલી ૪ મહિલાઓને સુધારગૃહમાં મોકલવામાં આવી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓ થાણેની જાણીતી હોટેલમાં લાખો રૂપિયા લઈને હાઈ-પ્રોફાઇલ વેશ્યાવૃત્તિ ચલાવતા હોવાની માહિતી મળતાં પોલીસે બોગસ ગ્રાહક મોકલીને છટકું ગોઠવ્યું હતું. આ કેસમાં પોલીસે અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે એટલું જ નહીં, આ વેશ્યાવૃત્તિના કેસમાં ધરપકડ કરાયેલા આરોપીના મોબાઇલ કબજામાં લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
વર્તકનગર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર પ્રવીણ માનેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘થાણેની થ્રીસ્ટાર હોટેલમાં એક આરોપી મહિલા અને પુરુષ ભેગાં મળીને વેશ્યાવૃત્તિ ચલાવતાં હોવાની ગુપ્ત માહિતી અમને મળી હતી એના આધારે અમે છેલ્લા ઘણા સમયથી તપાસ કરી રહ્યા હતા. દરમ્યાન તાજેતરમાં અમને માહિતી મળી હતી કે આરોપી મૉડલો સાથે થાણેમાં આવવાના છે. એ પછી અમે બોગસ ગ્રાહક મોકલી છટકું ગોઠવીને શુક્રવારે સાંજે પોખરણ રોડ-નંબર એક પર આવેલી એક હોટેલમાં દરોડો પાડીને કાર્યવાહી કરી હતી. આરોપી એક મૉડલના એક કલાકના ૭૫,૦૦૦ રૂપિયા વસૂલતા હતા. આ કેસમાં વેશ્યાવૃત્તિ માટે લવાયેલી ચારેચાર યુવતીઓ અંધેરીના લોખંડવાલાની રહેવાસી છે.’