નિસર્ગ સાઇક્લોનમાં થયેલા નુકસાનની મદદ જાહેર કરાઈ

11 June, 2020 02:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નિસર્ગ સાઇક્લોનમાં થયેલા નુકસાનની મદદ જાહેર કરાઈ

મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે મહાવિકાસ આઘાડી સરકારના મંત્રીમંડળના સભ્યો સાથે આર્થિક પૅકેજની જાહેરાત કરી હતી

મુંબઈથી અંદાજે ૧૩૦ કિલોમીટરને અંતરે રાયગઢ જિલ્લાના શ્રીવર્ધન અને મુરુડના દરિયાકિનારે ‘નિસર્ગ’ સાઇક્લોન ૩ જૂને ત્રાટકતાં આ વિસ્તાર અને કોંકણમાં ભારે નુકસાન થયું હતું. સાઇક્લોન બાદ થયેલા નુકસાનનો અંદાજ મેળવવા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ થોડા દિવસ પહેલાં અલીબાગની મુલાકાત લીધી હતી અને ત્રણ દિવસમાં નુકસાનનો અંદાજ લઈને મદદ જાહેર કરવાનું કહ્યું હતું. આ વિશે ગઈ કાલે પત્રકાર-પરિષદ બોલાવીને મુખ્ય પ્રધાને આર્થિક મદદ જાહેર કરી હતી. ઘર પડી જવાથી લઈને બીજા નુકસાન પેટે દરેક પરિવારને ૩૫ હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી હતી.

૩ જૂને કોંકણના દરિયાકિનારાના વિસ્તાર ઉપરાંત રાયગઢ, થાણે, નાશિક, અહમદનગર અને રત્નાગિરિમાં નિસર્ગ સાઇક્લોને ત્રાટકીને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. સરકારે ત્રણ દિવસમાં જિલ્લાસ્તરે તપાસ કરાવીને આર્થિક મદદ કરવાની એ સમયે જાહેરાત કરી હતી. બાદમાં મુખ્ય પ્રધાનથી લઈને બીજા નેતાઓ વિવિધ સ્થળે મુલાકાતે ગયા હતા.

કોંકણ અને રાયગઢ તથા આસપાસના વિસ્તારમાંથી થયેલા નુકસાનનો રિપોર્ટ આવી ગયા બાદ ગઈ કાલે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આર્થિક મદદ માટેની માહિતી આપી હતી. આ સમયે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર સહિત મહાવિકાસ આઘાડી સરકારના મંત્રીમંડળના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્ય સરકાર પ્રત્યે પરિવારને પાંચ હજાર રૂપિયા કપડા માટે, પાંચ હજાર રૂપિયા અનાજ માટે, ૧૫ હજાર રૂપિયા આંશિક રીતે તૂટેલા ઘરના સમારકામ માટે, જેમનાં ઘર સંપૂર્ણ રીતે તૂટી ગયાં હોય તેમને ૯૫ હજાર અને ૧૦ હજાર રૂપિયા બીજા નુકસાન પેટે આપશે.

મુખ્ય પ્રધાન નવા ઉદ્યોગોના વિકેન્દ્રીકરણના આગ્રહી

કોરોના વાઇરસના રોગચાળાને કારણે સર્જાયેલી સ્થિતિમાં ઉદ્યોગોના વિકેન્દ્રીકરણની આવશ્યકતા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ દર્શાવી હતી. ગયા મંગળવારે સાંજે મુંબઈ-નાગપુર સમૃદ્ધિ કોરિડોરની સમીક્ષા માટેની બેઠકમાં ઠાકરેએ જણાવ્યું હતું કે ‘કોરિડોરમાં પ્રત્યેક ઉદ્યોગ માટે અલગ ઝોન બનાવવા જોઈએ અને એ દરેક ઉદ્યોગ માટે પૂરેપૂરી સુવિધાઓ આપવી જોઈએ. મુંબઈ અને પુણે વચ્ચે પ્રવાસનું અંતર ઘટાડવા માટે સમૃદ્ધિ કોરિડોર નામે ૭૦૧ કિલોમીટર લાંબો એક્સ્પ્રેસ-વે બંધાઈ રહ્યો છે.’

ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે ‘કોરોના રોગચાળા વિરોધી કાર્યવાહી દરમ્યાન અમારા ધ્યાનમાં આવ્યું છે કે ઔદ્યોગિક પટ્ટામાં વસાહતોમાં વધારે ગીચ વસ્તી છે. એથી એ વિસ્તારોમાં લૉકડાઉનનો સખતાઈથી અમલ કરવામાં આવ્યો હતો. એથી રાજ્યના ૨૪ જિલ્લાને જોડતી સમૃદ્ધિ કોરિડોરના બાંધકામ દરમ્યાન દરેક ઉદ્યોગ માટે અલગ જગ્યા ફાળવવી યોગ્ય ગણાશે. એક્સપ્રેસ-વે પર જુદા ઝોન પાડીને ત્યાં આવશ્યક સુવિધાઓ પૂરી પાડી શકાશે. એક્સ્પ્રેસ-વે પર અમુક અંતરે ટ્રોમા સેન્ટર્સ પણ સ્થાપવાની જરૂર છે.’

cyclone nisarga maharashtra mumbai mumbai news