ભારે વરસાદને પગલે મહાબળેશ્વર ખાલીખમ

25 July, 2021 12:17 PM IST  |  Mumbai | Prakash Bambhrolia

ફસાઈ જવાના ડરથી મોટા ભાગના સહેલાણીઓ ગણતરીના કલાકોમાં જ નીકળી ગયા : વીક-એન્ડનાં તમામ બુકિંગ કૅન્સલ થયાં : ચારમાંથી ત્રણ મેઇન રોડ સંપૂર્ણપણે ધોવાઈ ગયા

પ્રતાપગઢ તરફનો રસ્તો ગુરુવારે ભારે વરસાદ પડવાને કારણે તૂટી ગયો હતો એટલે ફસાઈ ગયેલા કેટલાક લોકોએ પગપાળા પ્રવાસ કરવો પડ્યો હતો.

મુંબઈગરાઓના ફેવરિટ હિલ સ્ટેશન મહાબળેશ્વરમાં બુધવારે અને ગુરુવારે રેકૉર્ડ ૪૩ ઇંચ વરસાદ પડ્યો હતો. આ સમયે હવાખાવાના આ સ્થળે મોટી સંખ્યામાં ટૂરિસ્ટો હતા, પરંતુ ભારે વરસાદને પગલે પાવરકટ થઈ જવાની સાથે અહીં આગામી પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી હવામાન ખાતાએ કરી હોવાથી મોટા ભાગના ટૂરિસ્ટો અહીંથી નીકળી ગયા હતા. મહાબળેશ્વર પહાડ પર આવેલું હોવાથી અહીં પાણી ભરાવાની સમસ્યા નહોતી થઈ, પરંતુ અહીંથી નીચે ઊતરવાના તાપોલા, મેંઢા અને પ્રતાપગઢ તરફ જતા રસ્તાઓ સંપૂર્ણપણે ધોવાઈ ગયા હતા. એકમાત્ર પંચગીની-વાઇનો રસ્તો જ વાહનવ્યવહાર માટે ચાલુ હતો. હિલ સ્ટેશનની નીચેના ભાગમાં આવેલાં અસંખ્ય ગામો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયાં હોવાનું જાણવા મળ્યું હતું. અહીં વીક-એન્ડમાં બુકિંગ કરાવનારાઓમાંથી ૯૯ ટકા લોકોએ જવાનું માંડી વાળ્યું હોવાનું જાણવા મળ્યું હતું.

લૉકડાઉનને લીધે લાંબા સમયથી પ્રતિબંધ મુકાયા બાદ બે અઠવાડિયાં પહેલાં થોડી છૂટછાટ અપાઈ હોવાથી તેમ જ વરસાદ પણ સારો પડી રહ્યો છે એટલે એની મજા માણવા મહાબળેશ્વરમાં મોટી સંખ્યામાં ટૂરિસ્ટો પહોંચ્યા હતા. આ અઠવાડિયે ઈદની પણ રજા હોવાથી ટૂરિસ્ટો ત્રણ-ચાર દિવસનું પ્લાનિંગ કરીને મહાબળેશ્વર પહોંચ્યા હતા. જોકે અહીં બુધવારે અને ગુરુવારે પડેલા ૪૩ ઇંચ જેટલા રેકૉર્ડ વરસાદે તેમની મજા બગાડી હતી.

મુંબઈના ગિરગામમાં રહેતા મનીરામ શર્મા પોતાના અને ભાઈના પરિવાર સાથે બુધવારે ત્રણ દિવસ વરસાદની મજા માણવા માટે મહાબળેશ્વર પહોંચ્યા હતા. તેઓ હિલ સ્ટેશન નજીક પહોંચ્યા હતા ત્યારે જ અહીંની વેણ્ણા નદીમાં પૂર આવ્યું હોવાથી પાણી પુલની ઉપરથી વહી રહ્યું હતું. સ્થાનિક પોલીસ અને પ્રશાસનના કર્મચારીઓની મદદથી તેઓ જેમતેમ કરીને હોટેલ પહોંચ્યા હતા. મનીરામ શર્માએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે મહાબળેશ્વરમાં ત્રણ દિવસ ફ્રેશ થવા માટે ગયા હતા. જોકે ત્યાં ખૂબ જ વરસાદ પડી રહ્યો હતો એટલે અમે હોટેલની બહાર નીકળી નહોતા શક્યા. શુક્રવારે વરસાદ હળવો થતાં અમે એક દિવસ પહેલાં જ નીકળી ગયા હતા. ’

દાદરમાં રહેતાં શિખા સોનાર પણ તેમના પરિવાર સાથે બુધવારથી શુક્રવારનું પ્લાનિંગ કરીને મહાબળેશ્વર પહોંચ્યાં હતાં. ભારે વરસાદથી ડરી જવાને બદલે તેમણે અહીં વધુ એક દિવસ વિતાવીને વરસાદની મજા માણી હતી. શિખાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભારે વરસાદને કારણે વાતાવરણ ખૂબ જ સારું હોવાથી અમે વધુ એક દિવસ અહીં રોકાયા હતા. વધારે પડતો વરસાદ પડશે તો ફસાઈ જવાનો ડર હતો, પરંતુ એમાંથી કોઈક રીતે નીકળી જવાની આશા પણ હતી. આમ છતાં ખૂબ મજા આવી.’

મહાબળેશ્વરની મેઇન માર્કેટમાં ડ્રાયફ્રૂટ્સની દુકાન ધરાવતા ભીખુભાઈ અઢિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગયા અઠવાડિયાથી જ મહાબળેશ્વરને શનિવારે અને રવિવારે કામકાજ ચાલુ રાખવાની પરવાનગી મળવાથી અહીં મોટી સંખ્યામાં ટૂરિસ્ટો પહોંચ્યા હતા. જોકે રેકૉર્ડબ્રેક વરસાદે સહેલાણીઓની મજા બગાડી નાખી હતી. શુક્રવારે મોટા ભાગના લોકો મહાબળેશ્વર છોડી ગયા હતા.’

હોટેલ વ્યંકટેશના માલિક અને મહાબળેશ્વર હોટેલ ઓનર્સ અસોસિએશનના વાઇસ પ્રેસિડન્ટ રોહન કોમટીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અતિ ભારે વરસાદને લીધે બે દિવસ સુધી પાવર નહોતો અને કેટલીક હોટેલોમાં પાણી ભરાઈ જવાથી પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. અહીંની કેટલીક હોટેલોમાં જનરેટરની સુવિધા હતી ત્યાં બીજી હોટેલના ટૂરિસ્ટો શિફ્ટ થયા હતા. ખૂબ વરસાદ થવાની સાથે આગામી દિવસોમાં પણ આવી જ સ્થિતિની આગાહીથી પ્રવાસીઓ ગભરાઈ ગયા હોવાથી તેઓ ફટાફટ નીકળી ગયા હતા. આ વખતે કેટલીક હોટેલોમાં અમુક કલાક સુધી પાણી આવી ગયું હતું જેને લીધે ટૂરિસ્ટોને રહેવા અને જમવાની મુશ્કેલી પડી હતી.’

૧૩ જગ્યાએ વાદળ ફાટ્યાં

મહારાષ્ટ્રના મહાબળેશ્વર, તામ્હિણી ઘાટ અને ચિપલૂણ સહિત ૧૩ જગ્યાએ વાદળ ફાટ્યાં હોવાનું કહેવાય છે. અહીં એક કલાકમાં ૧૦૦ મિલીમીટરથી વધુ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગના નિષ્ણાતોના મતે ગ્રામીણ ભાગોમાં વરસાદ માપવાનાં યંત્રો ન હોવાથી ત્યાં કેટલો વરસાદ પડ્યો હતો એ જાણી નથી શકાયું, પરંતુ મહાબળેશ્વર, ચિપલૂણ, કોલ્હાપુર, રત્નાગિરિ અને કોંકણના કેટલાક વિસ્તારોમાં વાદળ ફાટવાથી અનરાધાર વરસાદ પડ્યો હતો. આ દરેક સ્થળે બેથી ત્રણ કલાકમાં ૪૦૦થી ૫૦૦ મિલીમીટર વરસાદ નોંધાયો હતો.

mumbai mumbai news mahabaleshwar prakash bambhrolia