09 July, 2023 05:58 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર
અહેવાલ છે કે શિવસેના (Shiv Sena) શિંદે જૂથ (Eknath Shinde)ના 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા અંગે ઠાકરે જૂથની અરજી પર સુપ્રીમ કોર્ટ (Suprem Court) 14 જુલાઈએ સુનાવણી કરશે. ગયા અઠવાડિયે ઠાકરે જૂથ વતી સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી કે વિધાનસભા અધ્યક્ષ આ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા અંગે તાત્કાલિક નિર્ણય લે. ઠાકરે જૂથના સુનીલ પ્રભુએ આ અરજી દાખલ કરીને દાવો કર્યો હતો કે બે મહિના પછી પણ રાષ્ટ્રપતિ તરફથી નિર્ણય અંગે કોઈ હિલચાલ નથી.
અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે રાહુલ નાર્વેકર જાણીજોઈને સુનાવણીમાં વિલંબ કરી રહ્યા છે, જ્યારે સુપ્રીમ કોર્ટે તેના 11 મેના ચુકાદામાં વિધાનસભા અધ્યક્ષને 16 ધારાસભ્યોના મામલામાં સમયમર્યાદામાં નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો હતો. હવે તેની સુનાવણી 14મી જુલાઈએ થવાની શક્યતા છે.
દરમિયાન, વિધાનસભાએ બે દિવસ પહેલા શિવસેનાના 40 ધારાસભ્યો અને ઠાકરે જૂથના 14 ધારાસભ્યોને નોટિસ પાઠવી છે. તેઓને અયોગ્યતાના કિસ્સામાં સાત દિવસમાં લેખિતમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. જો સાત દિવસમાં આ ધારાસભ્યો તરફથી કોઈ લેખિત જવાબ નહીં આવે તો વિધાનસભા કોઈ સીધી કાર્યવાહી કરશે નહીં. દરેક ધારાસભ્યને પોતાનો અભિપ્રાય રજૂ કરવાની તક આપવામાં આવશે.
ધારાસભ્યોએ ગેરલાયકાત સામે કાર્યવાહી ટાળવા માટે તમામ પુરાવા રજૂ કરવા પડશે. વિધાનસભાને ચૂંટણી પંચ પાસેથી શિવસેનાના બંધારણની નકલ મળી છે. વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકર શિવસેનાના બંધારણનો અભ્યાસ કરીને ટૂંક સમયમાં નિર્ણય લે તેવી શક્યતા છે.
મુખ્યપ્રધાન એકનાથ શિંદે સહિત 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા માટે ઠાકરે જૂથની અરજી વિધાનસભા અધ્યક્ષને સોંપવામાં આવી છે. આ માટે ઠાકરે જૂથે અવારનવાર રીમાઇન્ડર લેટર આપ્યા છે. સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો છે કે ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા અંગે વિધાનસભા અધ્યક્ષે નિર્ણય લેવો જોઈએ. આ કારણે રાહુલ નાર્વેકર હવે નોટિસ આપીને એકનાથ શિંદે અને અન્ય ધારાસભ્યો સામે કાર્યવાહી શરૂ કરવા જઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ વિધાનસભા અધ્યક્ષને નિર્ણય લેવા માટે 90 દિવસનો સમય આપવામાં આવ્યો છે.
વિધાનસભા અધ્યક્ષે શું કહ્યું?
મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે, ત્યારે વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. રાહુલ નાર્વેકરે શુક્રવારે (7 જુલાઈ) કહ્યું હતું કે તેમને કેન્દ્રીય ચૂંટણી પંચ પાસેથી શિવસેનાના બંધારણની નકલ મળી છે અને મુખ્યપ્રધાન એકનાથ શિંદે સહિત શિવસેનાના 16 ધારાસભ્યો સામેની ગેરલાયકાતની અરજીઓ પર સુનાવણી ટૂંક સમયમાં શરૂ થશે. રાહુલ નાર્વેકરે ચૂંટણી પંચ પાસે શિવસેનાના બંધારણની નકલ માગી હતી. આ નકલ ગયા અઠવાડિયે તેમની ઑફિસને મળી હતી. રાહુલ નાર્વેકરે કહ્યું છે કે, “હવે અમે સુનાવણી શરૂ કરીશું.” જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે આ પ્રક્રિયા ખરેખર ક્યારે શરૂ થશે, તો નાર્વેકરે `ટૂંક સમયમાં` એવું કહી આ અંગે વધુ કહેવાનું ટાળ્યું હતું.