સંજય રાઉતની મુશ્કેલી વધી

23 June, 2021 01:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાઈ કોર્ટે પોલીસ કમિશનરને આપ્યો મહિલાની ફરિયાદની તપાસ કરવાનો આદેશ

સંજય રાઉત

શિવસેનાના મુખ્ય પ્રવક્તા અને રાજ્યસભાના સંસદસભ્ય સંજય રાઉતની મુશ્કેલી વધી શકે છે. ગઈ કાલે બૉમ્બે હાઈ કોર્ટે ૩૬ વર્ષની એક મહિલાએ સંજય રાઉત અને પોતાના ભૂતપૂર્વ પતિના ઇશારે પીછો કરીને ત્રાસ આપવામાં આવતો હોવાની કરેલી ફરિયાદ બાબતે મુંબઈના પોલીસ કમિશનરને તપાસ કરીને બે દિવસમાં જવાબ નોંધાવવાનું કહ્યું હતું.

બૉમ્બે હાઈ કોર્ટના જસ્ટિસ એસ. એસ. શિંદે અને જસ્ટિસ એન. જે. જામદારની ખંડપીઠે ફરિયાદી મનોચિકિત્સક મહિલાએ ફેબ્રુઆરી મહિનામાં કરેલી અરજીની સુનાવણી દરમ્યાન મુંબઈના પોલીસ કમિશનર હેમંત નગરાળેને આ મામલાની તપાસ કરીને ૨૪ જૂને રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવાનો ગઈ કાલે આદેશ આપ્યો હતો.

અરજી દાખલ કરનારી મહિલાના વકીલ આભા સિંહે ગઈ કાલે અદાલતમાં કહ્યું હતું કે ‘અરજી દાખલ કર્યા બાદ મારા અસીલની પીએચડીની ડિગ્રી નકલી હોવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. તેઓ ૧૦ દિવસથી જેલમાં છે. જ્યારથી તેમણે હાઈ કોર્ટમાં અરજી દાખલ કરી છે ત્યારથી પોલીસની આખી મશીનરી તેમની પાછળ પડી ગઈ છે. આ દુર્ભાગ્યપૂર્ણ છે અને બદલાની ભાવનાથી કાર્યવાહી કરાઈ છે.’

ખંડપીઠે કહ્યું હતું કે ‘અરજી કરનારી મહિલા પોતાની ધરપકડને પડકારવા માટે બીજી અરજી દાખલ કરી શકે છે. અમે પોલીસ કમિશનરને નિર્દેશ આપીએ છીએ કે મહિલાએ અરજીમાં કરેલી ફરિયાદની તપાસ કરે અને યોગ્ય કાર્યવાહી કરે. પોલીસ કમિશનર ૨૪ જૂને આ મામલાનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરે.’

મહિલાએ અરજીમાં આરોપ કર્યો છે કે તેમણે ૨૦૧૩ અને ૨૦૧૮માં ત્રણ ફરિયાદ નોંધાવી હતી, પરંતુ આરોપીઓ સામે કોઈ કાર્યવાહી નહોતી કરાઈ. મહિલાની અરજી પર માર્ચ મહિનામાં સુનાવણી થઈ હતી ત્યારે સંજય રાઉતના વકીલ પ્રસાદ ઢાકેફદારે અરજીનો વિરોધ કરતાં કહ્યું હતું કે તેણે કરેલા તમામ આરોપ ખોટા છે અને તેઓ શિવસેનાના નેતાની પુત્રી સમાન છે.

mumbai mumbai news shiv sena sanjay raut mumbai high court