ગ્રાન્ટ રોડની ગુજરાતી ટીનેજર OLX પર ૩૫૦૦ રૂપિયામાં બુક્સ વેચવા ગઈ એમાં ૯૮,૦૦૦ રૂપિયા ગુમાવ્યા

24 September, 2025 10:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચર્ની રોડની હિન્દુજા કૉલેજમાં કૉમર્સના બીજા વર્ષમાં અભ્યાસ કરતી યુવતીએ ઘરમાં રદ્દી થઈ ગયેલી બુક્સ વેચવા માટે ૧૪ સપ્ટેમ્બરે OLX પર જાહેરાત પોસ્ટ કરી હતી

પ્રતીકાત્મક તસવીર

ગ્રાન્ટ રોડના ગોવાલિયા ટૅન્ક નજીક રહેતી ૧૯ વર્ષની ગુજરાતી ટીનેજરે OLX પર પોતાની કેટલીક બુક્સ ૩૫૦૦ રૂપિયામાં વેચવા જતાં સાઇબર છેતરપિંડીમાં ૯૮,૦૦૦ રૂપિયા ગુમાવ્યા હોવાની ફરિયાદ તાડદેવ પોલીસ-સ્ટેશનમાં ગઈ કાલે નોંધાઈ હતી. ચર્ની રોડની હિન્દુજા કૉલેજમાં કૉમર્સના બીજા વર્ષમાં અભ્યાસ કરતી યુવતીએ ઘરમાં રદ્દી થઈ ગયેલી બુક્સ વેચવા માટે ૧૪ સપ્ટેમ્બરે OLX પર જાહેરાત પોસ્ટ કરી હતી. આ જાહેરાત જોઈને એક સાઇબર ગઠિયાએ બુક્સ ખરીદવા માટે સંપર્ક કરીને પૈસા મોકલવાનું કહી ગૂગલપેથી ૧૦ રીફન્ડ-સ્કૅનર મોકલ્યાં હતાં જેના પર ક્લિક કરી પૈસા મેળવવા જતાં આશરે ૧૦ ટ્રાન્ઝૅક્શનમાં ટીનેજરના ખાતામાંથી પૈસા ઊપડી ગયા હતા.

શું હતો ઘટનાક્રમ?

ગોવાલિયા ટૅન્ક નજીક રહેતી યુવતીએ ૧૪ સપ્ટેમ્બરે રાતે સાડાદસ વાગ્યે બે વર્ષ પહેલાં ૩૬૭૫ રૂપિયામાં ખરીદેલી બુક્સ OLX પર ૩૫૦૦ રૂપિયામાં વેચવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત જોઈ બીજા દિવસે વિકાસ કુમાર નામના યુવકે ફોન પર થાણેથી બોલતો હોવાનું કહી યુવતીને બુક્સ ૩૫૦૦ રૂપિયામાં ખરીદવા તૈયાર હોવાનું જણાવ્યું હતું.

વિકાસે પેમેન્ટ ગૂગલપેના માધ્યમથી મોકલતો હોવાનું કહીને ગૂગલપેનાં ૧૦ રીફન્ડ-સ્કૅનર યુવતીના વૉટ્સઍપ પર મોકલ્યાં હતાં. આ રીફન્ડ-સ્કૅનર પર ક્લિક કરતાં દસથી વધારે ટ્રાન્ઝૅક્શનમાં યુવતીનાં ત્રણ બૅન્ક-અકાઉન્ટમાંથી ૯૮,૦૦૦ રૂપિયા ઊપડી ગયા હતા.

અકાઉન્ટમાંથી પૈસા નીકળી ગયા હોવાની માહિતી મળતાં યુવતીએ સાઇબર હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવી હતી. તાત્કાલિક પોલીસે કાર્યવાહી કરતાં થોડા પૈસા બચી ગયા હોવાની માહિતી પોલીસે આપી હતી. 

mumbai news mumbai grant road gujaratis of mumbai gujarati community news Crime News mumbai crime news mumbai police cyber crime social networking site charni road