માનવતા ધબકે છે

08 May, 2022 09:51 AM IST  |  Mumbai | Mehul Jethva

નિર્દયી માતા-પિતાએ પોતાના સંતાનને રસ્તા પર ફેંકી દીધું, પણ ગુજરાતી સફાઈ કામદારે મરીન ડ્રાઇવના બસ-સ્ટૉપ પાસેથી મળેલા આ બાળકને નવું જીવન આપ્યું

જિમખાના બસ-સ્ટૉપ પાસેથી મળેલા બાળકને હાથમાં લઈ ઊભેલો મહેશ જેઠવા

મુંબઈ સુધરાઈમાં સફાઈ કર્મચારી તરીકે કામ કરતો ગુજરાતી મહેશ જેઠવા મરીન ડ્રાઇવના એન. એસ. રોડ પર ફરજ બજાવી રહ્યો હતો ત્યારે તેને બસ-સ્ટૉપ પાસેથી કપડામાં લપેટાયેલું એક બાળક મળી આવ્યું હતું. એ જોઈને તેણે આસપાસના લોકોને ભેગા કર્યા હતા અને એની સાથે બાળકને પ્રાથમિક ઉપચાર આપવાની કોશિશ કરી હતી. ત્યાર બાદ તેણે સ્થાનિક પોલીસ સ્ટેશનને ફોન કરીને બાળકની માહિતી આપી હતી અને ઘટનાસ્થળે આવેલી પોલીસને બાળક સોંપ્યું હતું. મરીન ડ્રાઇવ પોલીસે બાળકનાં માતા-પિતા સામે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. હાલમાં બાળકને મહાલક્ષ્મીના ચાઇડ વેલ્ફેર સેન્ટરમાં રાખવામાં આવ્યું છે.

પોલીસે આપેલી માહિતી અનુસાર મસ્જિદ બંદરમાં છોટા સોનપુરામાં શુક્લાજી એસ્ટેટમાં રહેતો ‘સી’ વૉર્ડનો સફાઈ કર્મચારી ૪૦ વર્ષનો મહેશ જેઠવા રોજના ક્રમ પ્રમાણે મરીન ડ્રાઇવના એન. એસ. રોડ પર ફરજ બજાવી રહ્યો હતો ત્યારે મેઘદૂત બ્રિજની નીચે આવેલા જિમખાના બસ-સ્ટૉપ પાસે તેને કપડાનો ડૂચો દેખાયો હતો. એ ઉપાડવા જતાં એની અંદર બાળકના પગ દેખાયા હતા. તેણે તરત કપડું હટાવ્યું હતું અને બાળકને પોતાના હાથમાં લીધું હતું. જોકે એ સમયે બાળકે કોઈ પ્રકારનું રીઍક્ટ ન કરતાં મહેશે તેને પ્રાથમિક ઉપચાર આપવાનો પ્રયત્ન કર્યો હતો. એ પછી આજુબાજુમાં ભેગા થયેલા અન્ય લોકોની મદદ લઈને તેને દૂધ પીવડાવ્યું હતું અને પોલીસ કન્ટ્રોલમાં ફોન કર્યો હતો. ઘટનાસ્થળે આવેલા પોલીસ અધિકારીઓની સાથે મહેશ કામા હૉસ્પિટલમાં બાળકની સારવાર માટે ગયો હતો. ત્યાં બાળક એકદમ સારી રીતે હોવાની માહિતી મળ્યા પછી તેને ચાઇલ્ડ વેલ્ફેર સેન્ટરમાં મોકલવામાં આવ્યું હતું. બાળકના માતા-પિતા સામે મરીન ડ્રાઇવ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધી હતી.

મહેશ જેઠવાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે હું મારી ફરજ બજાવી રહ્યો હતો ત્યારે કપડામાં લપેટાયેલું એક બાળક મને દેખાયું હતું. એ બાળકને હાથમાં લેતાં તે કોઈ પ્રકારનું રીઍક્ટ નહોતું કરી રહ્યું. તેની આંખો પણ બંધ હતી એટલે મેં તેનો શ્વાસ ચાલે છે કે નહીં એ તપાસ્યું હતું. મેં તેની પીઠ અને છાતીમાં થોડી વાર હાથ ફેરવ્યો એ પછી તેણે પોતાની આંખો ખોલી હતી. હું તેને આવું કરી રહ્યો હતો ત્યારે આસપાસમાં લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી. એમાં મેં એક મહિલાને દૂધ લાવવા માટે કહ્યું હતું અને બાળકને દૂધ પીવડાવ્યું હતું. બાળકે દૂધ પીધું પણ હતું. એ પછી મેં પોલીસ કન્ટ્રોલમાં ફોન કરીને બાળકની માહિતી આપી હતી. ત્યાં આવેલા પોલીસ અધિકારીઓ બાળકને પ્રાથમિક ઉપચાર અને તપાસ માટે કામા હૉસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં હાજર ડૉક્ટર સોનલ પંડિતે બાળક એકદમ તંદુરસ્ત હોવાની માહિતી આપતાં મારા જીવમાં જીવ આવ્યો હતો.’

મરીન ડ્રાઇવ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર વિશ્વનાથ કોલેકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બાળકની મેડિકલ ટેસ્ટ કર્યા પછી અમે તેને હાલમાં એક ચાઇલ્ડ વેલ્ફેર સંસ્થાને સંભાળવા માટે આપ્યું છે. એ સાથે અમે બાળકના માતા-પિતા સામે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. સીસીટીવી કૅમેરાનાં ફુટેજના આધારે અમે બાળકનાં માતા-પિતાની શોધ કરવાની કોશિશ કરી રહ્યા છીએ.’
મહાલક્ષ્મીમાં આવેલા બાલ આશા ટ્રસ્ટનાં અધિકારી વૈશાલી ભક્તેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બાળક હાલમાં એકદમ સારી હાલતમાં છે. એ સમયસર પોતાની ઍક્ટિવિટી કરી રહ્યું છે. આવનારા દિવસોમાં અમે બાળકની વધુ મેડિકલ ટેસ્ટ કરવાના છીએ જેથી અમે તેને સારા પરિવારને દત્તક આપી શકીએ.’

 

mumbai mumbai news marine lines mehul jethva