મિડ-ડે ગુજરાતી ગૌરવ આઇકન્સ ૨૦૨૦

18 December, 2020 07:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મિડ-ડે ગુજરાતી ગૌરવ આઇકન્સ ૨૦૨૦

મિડ-ડે ગુજરાતી ગૌરવ આઇકન્સ અવૉર્ડ્સિ સમારંભમાં બૉલીવુડ-ઍક્ટર શર્મન જોશી, સંગીતકાર જિગર અને સચિન, મિડ-ડે ઇન્ફોમીડિયાના સીએફઓ નિલ્પેશ શાહ, મિડ-ડે ગ્રુપનાં આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડન્ટ (ર્કૉર્પારેટ) સંગીતા કબાડી, સંસદસભ્ય મનોજ કોટક, ઍક્ટર-ડિરેક્ટર સંજય ગોરડિયા, ગુજરાતી ફિલ્મના ઍક્ટર-ડિરેક્ટર સિદ્ધાર્થ રાંદેરિયા અને અવૉર્ડ્સિના ટાઇટલ-સ્પૉન્સર લી ક્લાસિકના યોગેશ જયસ્વાલ (તસવીરો: શાદાબ ખાન, બિપિન કોકાટે)

મિડ-ડે ગૌરવ આઇકન્સ અવૉર્ડ્‍‍સની ચોથી સીઝનનું આયોજન સાંતાક્રુઝની ગ્રૅન્ડ હયાત હોટેલમાં ગઈ કાલે કરવામાં આવ્યું હતું. અહીં મુખ્ય મહેમાનોમાં લોકપ્રિય સંસદસભ્ય મનોજ કોટક, ગુજરાતી ફિલ્મજગત અને રંગભૂમિમાંથી સંજય ગોરડિયા, સિદ્ધાર્થ રાંદેરિયા, બૉલીવુડ-ઍક્ટર શર્મન જોશી ઉપસ્થિત રહ્યા હતા. મુંબઈના ગુજરાતી અને મારવાડી સમાજના પ્રતિષ્ઠિત મહેમાનોએ હાજરી આપીને આ પ્રસંગને દીપાવ્યો હતો.

આ અવૉર્ડ્‍‍સ સમારંભની શરૂઆત ગુજરાતી ‘મિડ-ડે’ના તંત્રી બાદલ પંડ્યાએ ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરીને કરી હતી.

ગુજરાતી ફિલ્મજગતમાં ઉત્તમ અભિનયના માધ્યમથી જેમણે ગુજરાતીઓનાં હૃદયમાં આગવું સ્થાન મેળવ્યું છે એવા પ્રખ્યાત ઍક્ટર સિદ્ધાર્થ રાંદેરિયાએ સંસદસભ્ય મનોજ કોટકની વાત સાથે સહમત થતાં તથા ગુજરાતી મિડ-ડેની હિંમતને દાદ આપતાં આ પ્રસંગે કહ્યું હતું કે ‘વાસ્તવમાં ‘મિડ-ડે’એ ગુજરાતી ગૌરવ આઇકન્સ અવૉર્ડ્‍‍સના આયોજનની હિંમત કરી છે. કોવિડ કે નો-કોવિડ, ગુજરાતી ક્યારેય અટકતા નથી.’

સંસદસભ્ય મનોજ કોટકે ‘મિડ-ડે’નાં વખાણ કરતાં કહ્યું કે ‘એક તરફ કોવિડ-સંક્રમણના ભયથી જ્યાં લોકલ ટ્રેનો બધા માટે શરૂ નથી થઈ રહી ત્યાં ‘ગુજરાતી મિડ-ડે’ની રફ્તાર ફરી પાછી પહેલાં જેવી થઈ ગઈ છે એ ખુશીની વાત છે. મુંબઈમાં હિંમત માત્ર ગુજરાતી જ કરી શકે...હિંમત ન હારે એ ગુજરાતી અને એથી જ ફરી પાછા આજે આપણે બૅક-ટુ-નૉર્મલ થઈ ગયા છીએ.’ તેમણે સિદ્ધાર્થભાઈને જન્મદિવસનાં વધામણાં આપીને વક્તવ્યને વિરામ આપ્યો.  આ પ્રસંગે ફિલ્મ સંગીતકાર સચિન-જિગર અને ઍક્ટર જિમિત ત્રિવેદીએ પણ હાજરી આપી હતી. સચિને પોતાના મંત્રમુગ્ધ કરી દેનારા અવાજમાં ‘પ્રીતમને પ્રીત મળી જશે, રાધાને શ્યામ મળી જશે’ ગીત ગાઈને સમારંભને રોમાંચક બનાવી દીધો હતો.

‘હેલ્લારો’ અને ‘૧૦૨ નૉટઆઉટ’ ફેમ સૌમ્ય જોષી સમારંભમાં હાજરી આપી નહોતા શક્યા અને તેમના વતી બેસ્ટ રાઇટરનો અવૉર્ડ ‘૧૦૨ નૉટઆઉટ’ ફિલ્મમાં અદ્ભુત અભિનય કરનાર ઍક્ટર જિમિત ત્રિવેદીએ સ્વીકાર્યો હતો. આ અવસરે ‘અફરાતફરી’ ફેમ ખુશી શાહની પણ અવૉર્ડ આપીને નવાજેશ કરવામાં આવી હતી.

આ પ્રસંગે એક સુંદર સંયોગ સર્જાયો હતો. ‘મોસ્ટ વર્સેટાઇલ ઍક્ટર’ના અવૉર્ડથી નવાજવામાં આવેલા અને વેબ-સિરીઝ વિશ્વમાં હાલમાં અશ્વિન મહેતાના પાત્રમાં લોકપ્રિય બનેલા હેમંત ખેરનો તથા આઇકૉનિક ઍક્ટર સિદ્ધાર્થ રાંદેરિયાનો ગઈ કાલે જન્મદિવસ હતો, જેની  ઉજવણી પણ અહીં કેક કાપીને કરવામાં આવી હતી અને ત્યાર બાદ મિડ-ડે ગુજરાતી ગૌરવ આઇકન્સ અવૉર્ડ્‍‍સ સમારંભનો આ મધુર પળો સાથે વિરામ થયો હતો.  

મિડ-ડે ગુજરાતી ગૌરવ આઇકન્સ અવૉર્ડ્‍‍સના ટાઇટલ-સ્પૉન્સર લી ક્લાસિક હતા. કોવિડની મહામારીનું જોર ઓછું થતાં સમારંભમાં સોશ્યલ ડિસ્ટન્સિંગ અને અન્ય તમામ ગાઇડલાઇનનું સખતાઈપૂર્વક પાલન કરવામાં આવ્યું હતું.

નટસમ્રાટ સિદ્ધાર્થ રાંદેરિયા પણ કહે છે, કોવિડ કે નો-કોવિડ, અટકે નહીં એ ગુજરાતી

હેપી બર્થ-ડે: ગઈ કાલે અભિનેતા સિદ્ધાર્થ રાંદેરિયા અને હેમંત ખેરનો જન્મદિવસ હતો અને મિડ-ડે અવૉર્ડ સમારંભમાં બન્નેના બર્થ-ડે કેક કાપી ઉજવવામાં આવ્યા હતા. સિદ્ધાર્થભાઇ આ પ્રસંગે કહ્યું હતું, કોવિડ કે નો-કોવિડ અટકે નહીં એ ગુજરાતી.

mumbai mumbai news gujarati mid-day sharman joshi siddharth randeria sachin-jigar Sanjay Goradia