કોરોનાનો બૂસ્ટર ડોઝ તમે લેશો કે નહીં?

07 April, 2022 12:24 PM IST  |  Mumbai | Rohit Parikh

કોવિડને લગતાં મોટા ભાગનાં બધાં જ નિયંત્રણો હટાવી લેવામાં આવ્યાં છે ત્યારે ‘મિડ-ડે’એ મુંબઈના કેટલાક નાગરિકોને તેઓ બૂસ્ટર ડોઝ વિશે શું મંતવ્ય ધરાવે છે અને આ ડોઝ લેવા તૈયાર છે કે નહીં એવો સવાલ પૂછ્યો હતો. તેમનું આ બાબતે શું કહેવું છે એ જોઈએ...

પ્રતીકાત્મક તસવીર

ભારતીય તબીબી સંશોધન પરિષદની ટોચની વાઇરોલૉજી સંસ્થાએ કરેલા એક રિસર્ચ પ્રમાણે રસીના બે પ્રાથમિક ડોઝથી રોગપ્રતિકારકશક્તિ આઠ મહિના પછી નોંધપાત્ર રીતે ઓછી થઈ જાય છે. એની સામે ત્રીજો ડોઝ ઓમાઇક્રોન તેમ જ એના જેવા અન્ય પ્રકારના રોગો સામે રક્ષણ આપી શકે છે. આવા સંજોગોમાં કોવિડ રસીનો બૂસ્ટર ડોઝ પુખ્ત વયના તમામ લોકોને આપવો જોઈએ.

જોકે રસીની ઉપલબ્ધતા સહિત અન્ય વિવિધ પરિબળોને ધ્યાનમાં લીધા પછી ૬૦ વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે બૂસ્ટર પ્રોગ્રામના વિસ્તરણ અંગેની અંતિમ ભલામણ નૅશનલ ટેક્નિકલ ઍડ્વાઇઝરી ગ્રુપ ઑન ઇમ્યુનાઇઝેશન દ્વારા કરવામાં આવશે.

આઇસીએમઆર (ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ)નાં નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાયરોલૉજીનાં ડિરેક્ટર પ્રિયા અબ્રાહમે જણાવ્યું હતું કે ‘આખરે ભારતમાં તમામ પુખ્ત વયના લોકોને બૂસ્ટર ડોઝ મળી શકે છે, પરંતુ નિષ્ણાત જૂથો દ્વારા સંબંધિત ડેટાના મૂલ્યાંકન અને રસીની ઉપલબ્ધતા જેવા મુદ્દાઓને ધ્યાનમાં લીધા પછી નિર્ણય લેવામાં આવી શકે છે.’

આ સમાચાર પછી ‘મિડ-ડે’એ મુંબઈના નાગરિકોને તેઓ બૂસ્ટર ડોઝ વિશે શું મંતવ્ય ધરાવે છે અને તેઓ આ ડોઝ લેવા તૈયાર છે કે નહીં એવો સવાલ પૂછ્યો ત્યારે એના જવાબમાં ૬૦ ટકા નાગરિકોએ કહ્યું હતું કે ‘બૂસ્ટર ડોઝ જ કોવિડને ફરીથી ફેલાતો રોકવામાં અને હૉસ્પિટલનાં ચક્કરોમાંથી મુક્ત રાખવામાં આપણને મદદ કરી શકે એમ છે. એટલે બધા લોકોએ બૂસ્ટર ડોઝ લેવો જ જોઈએ. એમાં પણ જેમની ઉંમર ૬૦ વર્ષથી વધુ છે તેમના માટે બૂસ્ટર ડોઝ અતિ જરૂરી છે.’

વૈજ્ઞાનિકો પર ભરોસા કર્યો હતો અને હજી કરો : સુરેશ શાહ - એલઆઇસી એજન્ટ, મુલુંડ
પહેલી વૅક્સિન લેવાની વાત જ્યારે આવી ત્યારે લોકોએ વૈજ્ઞાનિકો પર ભરોસો મૂક્યો જ હતો. મને પણ બીજો ડોઝ લીધા પછી નવ મહિના બાદ કોવિનમાંથી એસએમએસ આવ્યો કે તમારો બૂસ્ટર ડોઝનો સમય થઈ ગયો છે. એટલે મેં તરત જ એ લઈ લીધો હતો. હું સિનિયર સિટિઝનોને વિનંતી કરું છું કે બૂસ્ટર ડોઝ સમયસર લઈ લેજો. આપણે વૅક્સિનને લીધે જ બચી શક્યા છીએ અને કોરાનાને હરાવી શક્યા છીએ.  

રોગપ્રતિકારકશક્તિ ટકાવી રાખવી જરૂરી છે : ડૉ. નીના ચંદ્રાણી - ગોરેગામ-ઈસ્ટ
એક સિનિયર ડૉક્ટર તરીકે હું લોકોને કહીશ કે બૂસ્ટર ડોઝ લેવો જરૂરી છે. કોવિડ વૅક્સિનનો બીજો ડોઝ લીધા બાદ બૂસ્ટર ડોઝ નવ મહિના પછી આપવામાં આવે છે. બે ડોઝ લીધા પછી આ સમય દરમ્યાન રોગપ્રતિકારકશક્તિ ઓછી થઈ જાય છે. એટલે એ પ્રતિકારકશક્તિને ટકાવી રાખવા લાંબા સમય સુધી બૂસ્ટર ડોઝ જરૂર મદદરૂપ થશે. તેથી સમય જતાં તમામ લોકોને બૂસ્ટર ડોઝ આપવાથી આ રોગચાળો સમાપ્ત થઈ જશે. 

વાઇરસ તમારી આવતી કાલ છીનવી લે એ પહેલાં જાગો : પાયલ દ્વિવેદી - અસિસ્ટન્ટ ટીચર, બોરીવલી (વેસ્ટ)
બૂસ્ટર ડોઝ ગંભીર રોગ, હૉસ્પિટલના ખર્ચા અને મોતના જોખમને ઘટાડવા માટે અસરકારક રહે છે. એક જવાબદાર નાગરિક તરીકે આપણે સરકારને સહકાર આપવો જોઈએ. નજીકના ભવિષ્યમાં કોરાના વાઇરસની કોઈ પણ પ્રકારની સાંકળને તોડવામાં આપણો મહત્ત્વનો રોલ હોવો જોઈએ. હું દૃઢપણે માનું છું કે કોઈ વાઇરસ તમારી આવતી કાલ છીનવી લે એ પહેલાં આજે જ બૂસ્ટર ડોઝ લઈ લો.

આ એપિસોડમાંથી હવે લોકોને બહાર આવવું છે : નિમેષ શાહ - બિઝનેસમૅન, સાયન
મારા હિસાબે બૂસ્ટર ડોઝની કોઈ જરૂર નથી. હવે વાતાવરણ નૉર્મલ થઈ રહ્યું છે. લોકો હવે આ એપિસોડમાંથી બહાર આવવા માગે છે. આમ છતાં કોઈની ઇચ્છા હોય તો એ લઈ શકે છે. અમુક લોકોને વૅક્સિનની સાઇડ ઇફેક્ટ પણ થાય છે અને ક્લૉટ્સ પણ થાય છે. 

બૂસ્ટર ડોઝ લેવામાં જરાય વિલંબ ન કરો : રોહિત શાહ - એપીએમસી મસાલા માર્કેટ, નવી મુંબઈ
વિદેશમાં કોરાનાની ત્રીજી અને ચોથી લહેર શરૂ થઈ ગઈ છે. આપણા દેશમાં આ પરિસ્થિતિનું નિર્માણ થાય નહીં એ માટે સરકાર દ્વારા બૂસ્ટર ડોઝ આપવાની શરૂઆત થઈ ગઈ છે. અનેક સમજદાર લોકોએ અત્યાર સુધીમાં આ ડોઝ લઈ પણ લીધો છે. આપણે પણ ગાફેલ રહ્યા વગર બૂસ્ટર ડોઝ લેવામાં વિલંબ કરવો ન જોઈએ. સરકારે ફરજિયાત માસ્ક પહેરવાના નિયમને પાછો ખેંચી લીધો છે ત્યારે સાવધાનીથી વર્તવું જરૂરી છે.  

દેશને કોરાનામુક્ત રાખવામાં મદદગાર થશે : ભૂપેન્દ્ર ઠક્કર - બિઝનેસમૅન, મુલુંડ-વેસ્ટ
વૅક્સિન વિશે આપણે ત્યાં ઘણા લોકો શંકાશીલ છે. હું વૅક્સિન વૉલન્ટિયર હોવાથી પહેલા ડોઝ વખતે ચાર વેબિનાર વર્તમાનપત્રો અને સોશ્યલ મીડિયાના માધ્યમથી યોજીને લોકોને વૅક્સિન વિશેનો ડર દૂર કરવા સમજાવ્યા હતા. આપણે ત્યાં મોટા ભાગના લોકોએ વૅક્સિનના બે ડોઝ લઈ લીધા હોવાથી ત્રીજી લહેરને આપણે કાબૂમાં રાખવામાં સફળ રહ્યા છીએ. આ લહેરમાં જાનહાનિ પણ ઓછી થઈ. અત્યારે આપણે ત્યાંથી કોરોના વિદાય લઈ આ રહ્યો છે, પણ દુનિયાના હજી ઘણા દેશોમાં કોરોનાનો અંત આવ્યો નથી. ફરીથી ત્યાં અન્ય સ્વરૂપે કોવિડ એની વિકરાળતા દેખાડી રહ્યો છે. આ પરિસ્થિતિમાં કોઈએ પણ લાપરવાહી રાખ્યા વગર બૂસ્ટર ડોઝ લેવો જોઈએ. એમ કરવાથી આપણા દેશને આપણે કોરાનામુક્ત રાખી શકીશું. 

ભૂતકાળમાં મેળવી એવી સફળતા ફરીથી મેળવીએ : ઍડ્વોકેટ પ્રીતિ ગડા - મુંબઈ સેન્ટ્રલ
બૂસ્ટર ડોઝ જરૂરી છે. ભૂતકાળમાં જેમ આપણે પોલિયોનો ડોઝ લઈને પોલિયોની સામે લડત આપી અને પોલિયોને મહાત કરવામાં સફળતા મેળવી એવી જ રીતે વિવિધ પ્રકારના વાઇરસ સામે લડવા માટે આપણે બૂસ્ટર ડોઝ લેવો જરૂરી છે. સરકારને આવા વાઇરસ સામે લડવા માટે આપણે સાથ-સહકાર આપવો જોઈએ. અમુક વર્ગ એમ વિચારે છે કે સરકાર કોઈ કંપનીના ફાયદા માટે કે એ કંપની એના નફા માટે બૂસ્ટર ડોઝનો પ્રચાર અને પ્રસાર કરે છે. જો એવો જ વિચાર પ્લેગ અને પોલિયોની વૅક્સિન લેતી વખતે કરવામાં આવ્યો હોત તો કદાચ આ રોગોમાંથી આપણે મુક્ત થવામાં સફળતા ન મેળવી હોત.

‍પહેલાં બૂસ્ટર ડોઝ વિશે જરૂરી માહિતી આપો : હિંમત ચાંદ્રા - બિઝનેસમૅન, ઘાટકોપર-વેસ્ટ
સૌપ્રથમ તો સાધારણપણે આપણે આગ લાગે ત્યારે જ કૂવો ખોદીએ એવી માનસિકતા ધરાવતા હોઈએ છીએ. એટલે હમણાં કોરોના લગભગ નહીંવત્ છે એટલે એની આવશ્યકતા નથી લાગતી. બીજું, બૂસ્ટર ડોઝની લોકોને વિશેષ માહિતી નથી કે એ લીધા પછી એની અસર ક્યાં સુધી રહેશે? અત્યારની પરિસ્થિતિ જોતાં આવતા છ મહિના સુધી ત્રીજી કે ચોથી વેવ્સ આવવાના ચાન્સિસ ઓછા લાગે છે. એને કારણે જનરલ પબ્લિક એમ જ માને છે કે બૂસ્ટર ડોઝની અસરકારકતા છ મહિના જ રહેતી હોય તો અત્યારે લેવાનું જરૂરી નથી લાગતું. આવી લગભગ બધા લોકોની અસમંજસની પરિસ્થિતિ છે. સરકાર તેમ જ સામાજિક સંસ્થાઓ તરફથી બૂસ્ટર ડોઝ વિશે સતત વધુ ને વધુ માહિતી અને માર્ગદર્શન આપવું ખૂબ જ જરૂરી છે એવું મારું માનવું છે.

mumbai mumbai news coronavirus covid19 vaccination drive covid vaccine