ગુજરાતી આધેડે ભાઈંદર સ્ટેશન પર લોકલ ટ્રેનની નીચે ઝંપલાવીને કરી આત્મહત્યા

07 May, 2026 12:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રેલવે-સ્ટેશન પર લાગેલા CCTV કૅમેરાનાં ફુટેજની તપાસ કરતાં પ્રાથમિક દૃષ્ટિએ આ આત્મહત્યાનો મામલો હોવાનું જણાય છે.

ભાઇંદરના પ્લૅટફૉર્મ-નંબર ૬ પર ટ્રેનની નીચે આવીને મૃત્યુ પામેલી આધેડ વ્યક્તિ.

ભાઈંદર રેલવે-સ્ટેશનના પ્લૅટફૉર્મ-નંબર ૬ પર ગઈ કાલે બપોરે ૧૨ વાગ્યે એક હૃદયદ્રાવક ઘટના બની હતી, જેમાં ૫૦ વર્ષના જીવરાજ સોલંકીએ ટ્રેન સામે પડતું મૂકીને આત્મહત્યા કરી હતી. આ ઘટનાને પગલે પ્લૅટફૉર્મ પર હાજર મુસાફરોમાં ગભરાટ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ મામલે વસઈ ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP) દ્વારા હાલ આકસ્મિક મૃત્યુની નોંધ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. આ દુર્ઘટનાનાં દૃશ્યો સોશ્યલ મીડિયા પર પણ વાઇરલ થયાં હતાં, જેમાં મૃતદેહ ટ્રેન નીચે ફસાયેલો જોવા મળ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ લોકોનાં ટોળેટોળાં પ્લૅટફૉર્મ પર એકઠાં થઈ ગયાં હતાં અને રેલવે પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી.

વસઈ GRPના સિનિયર ઇન્સ્પેક્ટર ભગવાન ડાંગેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રેલવે-સ્ટેશન પર લાગેલા CCTV કૅમેરાનાં ફુટેજની તપાસ કરતાં પ્રાથમિક દૃષ્ટિએ આ આત્મહત્યાનો મામલો હોવાનું જણાય છે. CCTV ફુટેજમાં તે વ્યક્તિ ભાઈંદર રેલવે-સ્ટેશનના પ્લૅટફૉર્મ-નંબર ૬ પર ટ્રેન પ્લૅટફૉર્મ પર આવતાંની સાથે કૂદકો મારતી સ્પષ્ટ દેખાય છે. મૃત્યુ પામેલી વ્યક્તિની ઓળખ ભાઈંદર-ઈસ્ટના ચંદનનગરમાં આવેલા શાંતિ ગંગા બિલ્ડિંગમાં રહેતા જીવરાજ સોલંકી તરીકે થઈ છે. અમે આ મામલે ઍક્સિડેન્ટલ ડેથના કેસની નોંધ કરીને વધુ તપાસ શરૂ કરી છે. તેના ખિસ્સામાંથી મળી આવેલા મોબાઇલના આધારે તેની ઓળખ થઈ હતી આ કેસમાં તેણે શા માટે આવું પગલું ભર્યું એની તપાસ કરવામાં આવી રહી છે તેમ જ તેના પરિવારના મેમ્બરોનાં સ્ટેટમેન્ટ લેવામાં આવી રહ્યાં છે. જીવરાજ સોલંકીએ આપઘાત પહેલાં સુસાઇડ-નોટ લખી નહોતી એટલે હજી સુધી તેણે શું કામ આવું પગલું ભર્યું એ જાણી શકાયું નથી.’

mumbai news mumbai bhayander gujaratis of mumbai gujarati community news suicide