મા-બાપનું મંદિર

05 December, 2022 09:17 AM IST  |  Mumbai | Prakash Bambhrolia

પોતાના નહીં પણ નોધારા અને પથારીવશ લોકોને રહેવા માટે ભાઈંદરના ઉત્તનમાં અંદાજે ૧૧ કરોડ રૂપિયાના ખર્ચે આધુનિક શ્રવણ બનાવી રહ્યા છે આવું અનોખું મંદિર

ડૉ. ઉદય મોદી, ઉત્તનમાં આઠેક મહિનામાં તૈયાર થશે આવું મા-બાપનું મંદિર

ભક્તોએ ભગવાન, ફેવરિટ નેતા કે ફિલ્મસ્ટારનાં મંદિરો બનાવ્યાં હોય એવા સમાચાર અવારનવાર સાંભળવા મળે છે, પણ કોઈ મા-બાપનું મંદિર બનાવે એવું ભાગ્યે જ આપણે સાંભળ્યું હશે. પોતાના નહીં પણ નોધારા અને પથારીવશ હોય એવા વૃદ્ધો રહી શકે એ માટે ભાઈંદરના ઉત્તન વિસ્તારમાં ૨૫,૦૦૦ ચોરસ ફીટ જગ્યામાં મા-બાપનું મંદિર એટલે કે વૃદ્ધાશ્રમ આકાર લેશે, જેનું ખાતમુહૂર્ત શુક્રવારે છે. અહીં માત્ર ને માત્ર નિરાધાર અને બીમાર વૃદ્ધોને જ રાખવામાં આવશે અને તેમની પાસેથી એક પણ રૂપિયો ચાર્જ લેવામાં નહીં આવે. આ મંદિરમાં રહેવાની અને ખાવાની સગવડ હશે અને વિવિધ કાર્યક્રમો થઈ શકે એ માટે કમ્યુનિટી હૉલ હશે. એટલું જ નહીં, તમામ રૂમમાં ઍર-કન્ડિશનર, ટીવી અને ફ્રિજ સહિતની આધુનિક સુવિધા પણ ઊભી કરવામાં આવશે.

ભાઈંદર-પશ્ચિમમાં કુદરતી વાતાવરણથી આચ્છાદિત ઉત્તન વિલેજમાં જ્યુડિશ્યલ ઍકૅડૅમીની પાછળના ભાગમાં આવેલા પ્લૉટમાં સ્વ. હિંમતલાલ હરજીવનદાસ મોદી ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા મા-બાપનું મંદિર (વૃદ્ધાશ્રમ), ગૌશાળા અને શિવાલય બનાવવામાં આવી રહ્યું છે. મા-બાપના મંદિરમાં પહેલા તબક્કામાં નોધારા અને બીમાર હોય એવા ૭૦ સિનિયર સિટિઝનોને રાખવામાં આવશે. બાદમાં બીજા ૭૦ વૃદ્ધો માટે બાંધકામ કરવામાં આવશે.

૧૭ વર્ષે સપનું પૂરું થશે
સ્વ. હિંમતલાલ હરજીવનદાસ મોદી ચૅરિટેબલ ટ્રસ્ટના ફાઉન્ડર અને આધુનિક શ્રવણ તરીકે ઓળખાતા મૂળ અમરેલીના અને અત્યારે ભાઈંદરમાં રહેતા ડૉ. ઉદય મોદીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૧૭ વર્ષ પહેલાં મારા ક્લિનિકમાં સારવાર માટે આવેલા એક બીમાર દરદીને જમવાનું આપવાની શરૂઆત કરી હતી. બાદમાં ખ્યાલ આવ્યો કે આસપાસમાં એવા અનેક નોધારા અને બીમાર વૃદ્ધો રહે છે જેમનું આ દુનિયામાં કોઈ નથી. તેમને દવાની સાથે જમવાનું અને કપડાં આપવાની શરૂઆત કર્યા બાદ થયું કે આ લોકો માટે રહેવાનો આશરો હોય તો સારું. બસ, આ વિચાર મનમાં આવ્યા બાદ અમે દાતાઓની મદદથી ઉત્તન ગામમાં મા-બાપનું મંદિર (વૃદ્ધાશ્રમ) બનાવવા માટે એક પ્લૉટ ખરીદ્યો હતો, જ્યાં આ શુક્રવારે ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છીએ. વિવિધ સેવાભાવી સંસ્થાઓ અને દાતાઓની મદદથી મારું ૧૭ વર્ષ જૂનું સપનું સાકાર થવા જઈ રહ્યું છે એનો આનંદ છે.’

તમામ સુવિધાઓની સાથે કમ્યુનિટી હૉલ
આગામી આઠેક મહિનામાં તૈયાર થઈ જનારા બા-બાપના મંદિરમાં ઍર-કન્ડિશનર, ટીવી, ફ્રિજ જેવી આધુનિક સુવિધાની સાથે અહીં રહેનારા સિનિયર સિટિઝનો માટે મનોરંજન સહિતના કાર્યક્રમોનું આયોજન થઈ શકે એ માટે એક કમ્પ્યુનિટી હૉલ પણ બાંધવામાં આવશે. ઘણા દાતાઓ જન્મદિવસ, મૅરેજ ઍનિવર્સરી કે તહેવારોમાં વૃદ્ધાશ્રમમાં જઈને વિવિધ સેવા આપતા હોય છે એને ધ્યાનમાં રાખીને હૉલ બનાવવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. હૉલમાં સ્ટેજ પણ હશે જ્યાં એન્ટરટેઇનમેન્ટના કાર્યક્રમોની સાથે ડ્રામા પણ થઈ શકશે. એટલું જ નહીં, અહીં નાનકડી હૉસ્પિટલ શરૂ કરવામાં આવશે.

મહિને ૨૦થી ૨૨ લાખનો ખર્ચ
ડૉ. ઉદય મોદી અત્યારે દરરોજ ૩૨૫ બીમાર-નોધારા સિનિયર સિટિઝનોને ફ્રી ટિફિનસેવા આપે છે. આ સેવા માટે તેમને દર મહિને નવેક લાખ રૂપિયાનો ખર્ચ આવે છે તો મા-બાપના મંદિરમાં તો રહેવા, ખાવા-પીવાની સાથે કૅરટેકરના ખર્ચ અને મેઇન્ટેનન્સ માટે કેટલો ખર્ચ આવશે એ વિશે ડૉ. ઉદય મોદીએ કહ્યું હતું કે ‘એક અંદાજ મુજબ ૭૦ સિનિયર સિટિઝનોને મા-બાપના મંદિરમાં રાખીએ તો તેમની પાછળ મહિને ૨૦થી ૨૨ લાખ રૂપિયાનો ખર્ચ થશે. આથી ટિફિનસેવાની સાથે મા-બાપનું મંદિર મળીને મહિને કુલ ત્રીસેક લાખ રૂપિયાની જરૂર પડશે. કોઈની પાસેથી એકેય રૂપિયો નહીં લેવાય. અત્યારે ટિફિનસેવા માટે ત્રણ જગ્યાએ ભાડાની જગ્યામાં કિચન ચલાવીએ છીએ. એ કિચન બાદમાં મા-બાપના મંદિરમાં શિફ્ટ થઈ જશે એટલે મહિનાનો ૮૦ હજારનો ભાડાનો ખર્ચ બચી જશે. ટિચફિનસેવાથી શરૂઆત કરાયા બાદ કપડાં અને હવે મકાનની વ્યવસ્થા માટે ઈશ્વરે જ પ્રેરણા પૂરી પાડી છે એટલે તેઓ જ ભવિષ્યની વ્યવસ્થા પણ કરશે.’

માત્ર નોધારાને જ રખાશે
અત્યારે આપણે જોઈએ છીએ કે ઘરમાં મા-બાપને રાખવા ન માગતા લોકો તેમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે અને દર મહિને ખર્ચપેટે રકમ આપે છે. મા-બાપના મંદિર (વૃદ્ધાશ્રમ)માં પણ આવી વ્યવસ્થા હશે? જવાબમાં ડૉ. ઉદય મોદીએ કહ્યું હતું કે ‘જરાય નહીં. અમે અત્યારે જેમનું આ દુનિયામાં કોઈ જ નથી એવા ૩૨૫ સિનિયર સિટિઝનોને ડેઇલી ફ્રી ટિફિન આપીએ છીએ. અમારી સંસ્થા દ્વારા બાંધવામાં આવનારા મા-બાપના મંદિરમાં આમાંથી જ પહેલા ૭૦ લોકોને રહેવા દેવામાં આવશે. બીજા તબક્કામાં વધુ ૭૦ લોકોની વ્યવસ્થા કરાશે. બાકી પથારીવશ હોવા છતાં જેમના પરિવારજનો છે તેમને અહીં રાખવાનો કોઈ ઇરાદો નથી. માત્ર ને માત્ર નોધારા સિનિયર સિટિઝનોને જ અહીં પ્રવેશ આપવામાં આવશે.’

mumbai mumbai news bhayander prakash bambhrolia