જલેબી ને ફાફડા ગુજરાતીઓ નહીં આપણા?

13 February, 2021 08:19 AM IST  |  Mumbai | Rohit Parikh

જલેબી ને ફાફડા ગુજરાતીઓ નહીં આપણા?

બોરીવલીમાં હેમેન્દ્ર મહેતાને શુભેચ્છાઓ આપતાં શિવસેનાનાં બૅનરો પર મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ લગાડેલાં ‘ગુજરાત નાહી હા મહારાષ્ટ્ર આહે’નાં સ્ટિકરો.

તાજેતરમાં બીજેપીને રામરામ કરીને શિવસેનામાં જોડાયેલા હેમેન્દ્ર મહેતાને તેમના ભાવિ રાજકીય પ્રવાસ માટે શુભેચ્છાઓ આપતાં બૅનરો અને હોર્ડિંગો ચાર દિવસ પહેલાં શિવસેનાના ધારાસભ્ય વિલાસ પોટનીસ અને નગરસેવિકા સંધ્યા વિપુલ દોશી તરફથી ગુજરાતીમાં લગાવવામાં આવ્યાં હતાં. જોકે ગુજરાતીમાં લગાવવામાં આવેલાં આ બૅનરો અને હોર્ડિંગો પર ગઈ કાલે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકરો દ્વારા ‘ગુજરાત નાહી હા મહારાષ્ટ્ર આહે! મરાઠી’ (આ મહારાષ્ટ્ર છે, ગુજરાત નથી) એવાં સ્ટિકરો લગાડીને નવો વિવાદ ઊભો કરવામાં આવ્યો છે. જોકે ગઈ કાલે બપોરે એક વાગ્યા પછી બોરીવલી પોલીસે આ મામલો વધુ બીચકે નહીં એ ઉદ્દેશથી ગુજરાતીમાં હેમેન્દ્ર મહેતાને શુભેચ્છાઓ આપતાં બૅનરોને મહાનગરપાલિકા પાસે ઊતરાવી લેવડાવ્યાં હતાં. જોકે નવાઈની વાત એ છે કે હેમેન્દ્ર મહેતાને મરાઠીમાં શુભેચ્છા આપતા હોર્ડિંગને હાથ લગાવવામાં નહોતો આવ્યો.

ગુજરાતીઓને પોતાની તરફ આકર્ષવા માટે શિવસેનાની ગુજરાતી પાંખે ‘જલેબી ને ફાફડા, ઉદ્ધવ ઠાકરે આપણા’ ટૅગલાઇન હેઠળ બે ગુજરાતી મેળાવડા પણ તાજેતરમાં કર્યા છે.

બોરીવલીમાં ગુજરાતી બૅનરોનો વિવાદ

આ વિવાદ કોઈની મસ્તી છે એમ જણાવતાં હેમેન્દ્ર મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ બૅનરો શિવસેનાના સ્થાનિક નેતાઓ તરફથી જ લગાવવામાં આવ્યાં છે. મને આ બાબતની જાણકારી પણ ‘મિડ-ડે’ તરફથી જ મળી રહી છે. એના પર સ્ટિકર લગાડીને ગુજરાતી-મરાઠીનો વિવાદ કરવો સહેજ પણ યોગ્ય નથી. મુંબઈ અને મહારાષ્ટ્રમાં બધા રાજકીય પક્ષો પચરંગી પ્રજા અને કાર્યકરોથી બનેલા છે. એમાં પણ ગુજરાતીઓ તો મહારાષ્ટ્રમાં દૂધમાં સાકર ભળે એમ ભળી ગયા છે. તેમના હૃદયમાં ક્યારેય આવા ભેદભાવો રહ્યા નથી. શિવસેના-સુપ્રીમો બાળાસાહેબ ઠાકરે જ્યારે મુંબઈ પર ટેરરિસ્ટ અટૅક થયા ત્યારે ગુજરાતી વેપારીઓના પડખે રહ્યા હતા. તેમણે સમગ્ર મુંબઈને રક્ષણ આપ્યું હતું. તેઓ તો મહારાષ્ટ્રિયનો અને ગુજરાતીઓ બન્ને ભાઈઓ છે એમ જ કહેતા હતા. આવાં સ્ટિકરો લગાડીને આ ભાઈચારો મિટાવવાનું કોઈનું ષડયંત્ર છે જે ટીકાપાત્ર છે.’

જેણે ‘આ ગુજરાત નહીં મહારાષ્ટ્ર છે’ એવાં હેમેન્દ્ર મહેતાને શુભેચ્છાઓ આપતાં બૅનરો પર સ્ટિકરો લગાડ્યાં છે તેમને અમે ઓળખીએ છીએ એમ જણાવતાં શિવસેનાના વિભાગ પ્રમુખ વિલાસ પોટનીસે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બોરીવલીમાં બહુમતી વસ્તી ગુજરાતીઓની છે એટલે અમે ગુજરાતીમાં બૅનરો લગાડ્યાં છે. આમાં અચરજ પામવા જેવું કંઈ નથી. અમને કોઈએ એ શીખવવાની જરૂર નથી કે ક્યાં મહારાષ્ટ્ર છે અને ક્યાં ગુજરાત છે. અમને બધી જ ખબર છે. શું અમને આ શીખવવાની જરૂર કોઈને છે કે? સહેજ પણ નહીં. જેને આ સ્ટિકરો લગાડ્યાં છે એ છોકરાને બોલાવીને તેને ઇશારો આપીને અમે સમજાવી દીધું છે. અમારે તેના પર જે કાર્યવાહી કરવી હશે એ અમે કરીશું. આવી રહેલી ચૂંટણી જ તેને આ મહારાષ્ટ્ર છે કે ગુજરાત એનો જવાબ આપશે.’

બૅનરો કેમ ઊતરી ગયાં?

મહાનગરપાલિકા તરફથી ગઈ કાલે હેમેન્દ્ર મહેતાને શુભેચ્છાઓ આપતાં ગુજરાતી બૅનરો ગેરકાયદે છે એમ કહીને ઉતારી લેવાની કાર્યવાહીના સંદર્ભમાં હેમેન્દ્ર મહેતાએ કહ્યું હતું કે મહાનગરપાલિકાએ આ બૅનરો કદાચ તેમના પર ઉપરથી આદેશ આવવાથી ઉતારી લીધાં હશે.

ફક્ત ગુજરાતી બૅનરો જ ગેરકાયદે છે, મરાઠી નહીં એ સવાલનો જવાબ આપતાં વિલાસ પોટનીસે કહ્યું હતું કે ‘આ બૅનરો પર લગાવવામાં આવેલાં સ્ટિકરો બોરીવલીમાં કોઈ ગરબડ ઊભી ન કરે એ માટે થઈને કદાચ મહાનગરપાલિકાએ કોઈના આદેશથી બૅનરો ઉતારી લીધાં હશે. બાકી રાજકીય પક્ષોનાં બૅનરો ક્યારેય કાયદેસર હોતાં જ નથી. આ એક સામાન્ય વાત છે. એટલે અમુક બૅનરો ગેરકાયદે અને અમુક કાયદેસર એવું કંઈ જ હોતું નથી.’

મહાનગરપાલિકાનો ખુલાસો

ચાર દિવસથી લાગેલાં બૅનરો અચાનક ઉતારી લેવા બાબતમાં સ્પષ્ટતા આપતાં બોરીવલીના વિસ્તારોને આવરી લેતા ‘આર’ વૉર્ડના લાઇસન્સ વિભાગના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હેમેન્દ્ર મહેતાને શુભેચ્છાઓ આપતાં શિવસેનાનાં બૅનરો પર કોઈએ સ્ટિકરો લગાડીને વિવાદ ઊભો કરતી ફરિયાદ બોરીવલી પોલીસ-સ્ટેશનમાં કરવામાં આવી હતી. એને પગલે પોલીસે મહાનગરપાલિકાને આ વિવાદસ્પદ બૅનરો ઉતારી લેવાનો આદેશ આપ્યો હતો. પોલીસના આદેશથી અમે ફક્ત ગુજરાતી જ નહીં, બધાં જ બૅનરો જ્યાં-જ્યાં લાગ્યાં હતાં ત્યાંથી ઉતારી લીધાં હતાં.’

જોકે હકીકતમાં એવું નથી થયું. મરાઠી હોર્ડિંગ્સ અત્યારે પણ બોરીવલીમાં લાગેલાં છે.

પોલીસ શું કહે છે?

જોકે મહાનગરપાલિકાએ કરેલા ફરિયાદના દાવા વિશે બોરીવલી પોલીસ-સ્ટેશનના સ‌િનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર સુધીર કાળેકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી પાસે બૅનરો બાબતની કોઈ ફરિયાદ આવી નથી. જોકે અમારી નજરમાં કાયદો અને વ્યવસ્થા બગડે એવી કોઈ વસ્તુ આવી જાય તો અમે એના પર કાર્યવાહી કરવાનું ચૂકતા નથી.’

એમએનએસની સ્પષ્ટતા

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના બોરીવલીના નેતા નયન કદમે શિવસેનાની ઝાટકણી કાઢતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘‌શિવસેના એની સ્થાપનાના દિવસથી મરાઠી મુદ્દા પર આક્રમક બનીને મોટી થઈ છે. મહારાષ્ટ્રમાં શિવસેના ગુજરાતીમાં બૅનરો લગાડે એ કેવી રીતે ચાલે. અમારો ફક્ત એ જ આક્ષેપ છે. શિવસેનાના પદાધિકારી મરાઠી ભાષાનું મહત્ત્વ ભૂલી ગયા છે. એ જ શિવસેના વોટબૅન્ક માટે મરાઠીને બદલે ગુજરાતીમાં બૅનરો લગાડે એ યોગ્ય નથી. શિવસેનાએ વોટબૅન્ક માટે એના સિદ્ધાંતો સાથે સમાધાન ન કરવું જોઈએ. એ કારણે જ તેમણે લગાડેલાં ગુજરાતી બૅનરો પર સ્ટિકરો લગાવવામાં આવ્યાં હતાં કે ‘ગુજરાત નાહી હા મહારાષ્ટ્ર આહે’ (આ ગુજરાત નહીં મહારાષ્ટ્ર છે).

બીજેપીનું શું કહેવું છે?

છેલ્લા થોડા સમયથી બીજેપી અને એમએનએસ વચ્ચે ઇલુ-ઇલુ શરૂ થયું હોવાથી એમએનએસે ગુજરાતી હોર્ડિંગ્સ સામે વાંધો ઉઠાવ્યો હોવાથી આ બાબતે બીજેપીના નેતા આશિષ શેલારને પૂછતાં તેમણે ‘મિડ-ડે’ને કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું.

mumbai mumbai news shiv sena