તારીખ પે તારીખનો ક્યારે અંત આવશે?

29 August, 2023 10:36 AM IST  |  Mumbai | Prakash Bambhroliya

બોરીવલીનો ગુજરાતી જૈન પરિવાર જીતો જેએસી ઇન્ટરનૅશનલ ઑર્ગેનાઇઝેશનનો મેડિકલ વીમો લઈને પસ્તાઈ રહ્યો છે ઃ ડિ​સ્ટ્રિક્ટ કોર્ટમાં ન્યાય મળ્યા બાદ મહિનાઓથી સ્ટેટ કમિશનનો ચુકાદો અટવાયો

સચિન કામદારનાં મૃત્યુ પામનારાં માતા મીનાબહેન

જૈન પરિવારોને રાહતના દરે મેડિકલ વીમાનું કવચ પૂરું પાડવા માટે જીતો જેએસી ઇન્ટરનૅશનલ ઑર્ગેનાઇઝેશન દ્વારા સ્વાસ્થ્ય સુરક્ષા યોજના શરૂ કરવામાં આવી છે. જોકે બોરીવલીમાં રહેતો ગુજરાતી જૈન પરિવાર આ મેડિકલ વીમો લઈને પસ્તાઈ રહ્યો છે. પાંચ લાખ રૂપિયાનું મેડિકલ ઇન્શ્યૉરન્સ હોવા છતાં પત્નીની ડિલિવરી અને માતાને આવેલા હાર્ટ અટૅક વખતે ક્લેમ કર્યો ત્યારે કંપનીએ એ રિજેક્ટ કરી દીધો હતો. આથી જૈન પરિવારે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આ બાબતે કેસ દાખલ કરીને ન્યાય મેળવ્યો હતો. જોકે કંપનીએ સ્ટેટ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશનમાં અપીલ કરીને ડિસ્ટ્રિક્ટ કોર્ટના આદેશ પર સ્ટે મેળવ્યો છે. અહીં બન્ને પક્ષની સુનાવણી ગયા વર્ષે થઈ ગયા બાદ હવે કમિશનમાં ચુકાદા માટે તારીખ પે તારીખ મળી રહી છે. 
બોરીવલી-વેસ્ટમાં સાંઈબાબા નગરમાં સચિન કામદાર પત્ની પ્રીતિ, પુત્ર અને પિતા પ્રવીણભાઈ સાથે રહે છે. તેમણે ૨૦૧૪માં જીતો જૈન ઈન્ટરનૅશનલ ઑર્ગેનાઈઝેશન દ્વારા જૈન પરિવારોને રાહતદરે મેડિકલ વીમાનું કવચ પૂરું પાડવા માટે શરૂ કરવામાં આવેલી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનામાં પાંચ લાખ રૂપિયાની જિયો શ્રાવક આરોગ્યમ ગોલ્ડ પ્લાન ફેશ ૧ ફૅમિલી ફ્લોટર પૉલિસી લીધી હતી. દર વર્ષે સચિન કામદાર નિયમિત મેડિકલ વીમાનું પ્રીમિયમ ભરે છે.

૨૦૧૬ની ૨૦ ડિસેમ્બરે સચિન કામદારનાં પત્ની પ્રીતિને બોરીવલીમાં આવેલા નલિની મૅટરનિટી ઍન્ડ સર્જિકલ હોમમાં ઍડ્મિટ કરવામાં આવ્યાં હતાં, જ્યાં તેમણે પુત્રને જન્મ આપ્યો હતો. ઈન્ટરનૅશનલ ઑર્ગેનાઈઝેશન (જિયો) શ્રાવક આરોગ્યમ મેડિકલ ઇન્શ્યૉરન્સમાં ડિલિવરી કવર થતું હતું એટલે સચિન કામદારે ૨૦૧૭ની ૨૨ ડિસેમ્બરે પત્નીનું મૅટરનિટી બિલ અને સર્જિકલ ટ્રીટમેન્ટમાં ખર્ચ થયેલા રૂપિયા ૪૨,૧૫૦ વીમા કંપનીમાંથી મેળવવા માટે ક્લેમ દાખલ કર્યો હતો. જોકે એ સમયે ક્લેમ સેટલ કરવા માટે કંપની નક્કી ન થઈ હોવાથી થોડો સમય રાહ જોવાનું સચિન કામદારને કહેવામાં આવ્યું હતું. બાદમાં પણ ક્લેમ રીઇમ્બર્સ ન થતાં સચિન કામદારે એ રકમ માંડી વાળી હતી.

દરમ્યાન ૨૦૧૭ની ૩ માર્ચે સચિન કામદારનાં માતા મીનાબહેનને હાર્ટ અટૅક આવતાં તેમને બોરીવલીમાં આવેલા શ્રીજી કૃપા સર્જિકલ સેન્ટરમાં ઍડ્મિટ કરવામાં આવ્યાં હતાં. ૬૦ વર્ષનાં મીના કામદારને હાર્ટની સાથે કિડનીની તકલીફ શરૂ થતાં ડાયાલિસિસ શરૂ કરવામાં આવ્યા હતા. મીના કામદારની સારવાર ચાલુ હતી એ દરમ્યાન ૨૦૧૭માં ૧૩ જૂને તેમનું મૃત્યુ થયું હતું. બાદમાં સચિન કામદારે માતાની સારવારમાં ખર્ચ થયો હતો એ રીઇમ્બર્સમેન્ટ માટે જૈન ઈન્ટરનૅશનલ ઑર્ગેનાઈઝેશન જેએસી કંપનીમાં ક્લેમ દાખલ કર્યો હતો. નવાઈની વાત એ છે કે કંપની તરફથી કોઈ જ જવાબ નહોતો આપવામાં આવ્યો એટલે સચિન કામદારે ધ સાઉધ મુંબઈ ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ ફોરમ એટલે કે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જૈન ઈન્ટરનૅશનલ ઑર્ગેનાઈઝેશન જેએસી ઇન્ટરનૅશનલ ઑર્ગેનાઇઝેશન સામે સચિન કામદારે માતાની સારવાર પાછળ ખર્ચ થયેલા ૩,૭૦,૯૦૫ રૂપિયા અને પત્નીની ડિલિવરીમાં ખર્ચ થયેલા ૪૨,૧૫૦ રૂપિયા મળીને કુલ ૪,૧૩,૦૫૫ લાખ રૂપિયા મેળવવા માટે ૨૦૧૯ની ૧૪ માર્ચે કેસ દાખલ કર્યો હતો. આ કોર્ટમાં દોઢ વર્ષ સુધી સુનાવણી થઈ ત્યારે જૈન ઈન્ટરનૅશનલ ઑર્ગેનાઈઝેશન કંપની તરફથી એક પણ વખત કોઈ પ્રતિનિધિ હાજર ન રહેતાં ૨૦૨૦ની ૩૦ સપ્ટેમ્બરે જસ્ટિસ ડી. એસ. પરાડકર અને જસ્ટિસ સ્નેહા મ્હાત્રેએ જૈન ઈન્ટરનૅશનલ ઑર્ગેનાઈઝેશન જેએસી ઇન્ટરનૅશનલ ઑર્ગેનાઇઝેશનની વિરુદ્ધ ચુકાદો આપ્યો હતો અને કેસ દાખલ કરનારા સચિન કામદારને ૪,૦૬,૧૬૩ રૂપિયા ઉપરાંત માનસિક ત્રાસ થવા અને કોર્ટના ખર્ચપેટે ૭,૦૦૦ રૂપિયા અને ૩,૦૦૦ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો. એટલું જ નહીં, કંપની ૪૫ દિવસમાં આ વળતર કોર્ટમાં જમા નહીં કરાવે તો એની સામે આકરી કાર્યવાહી કરવાનું આદેશમાં ખંડપીઠે કહ્યું હતું.

ડિસ્ટ્રિક્ટ કોર્ટના આદેશ બાદ જૈન ઈન્ટરનૅશનલ ઑર્ગેનાઈઝેશન જેએસી ઇન્ટરનૅશનલ ઑર્ગેનાઇઝેશને કોર્ટમાં રકમ જમા કરાવી હતી અને ચુકાદાને મહારાષ્ટ્ર સ્ટેટ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશનમાં પડકારીને વચગાળાનો સ્ટે મેળવ્યો છે. અહીં બન્ને પક્ષની સુનાવણી ક્યારનીય પૂરી થઈ ગઈ છે, પણ મહિનાઓથી ચુકાદો નથી અપાતો એવો દાવો સચિન કામદારે કર્યો છે.

પસ્તાવો થઈ રહ્યો છે
જૈન પરિવારોને મદદરૂપ થવાને ઇરાદે શરૂ કરવામાં આવેલી જૈન ઈન્ટરનૅશનલ ઑર્ગેનાઈઝેશન સુરક્ષા યોજનામાં મેડિકલ વીમો લઈને પસ્તાવો થઈ રહ્યો હોવાનું બોરીવલીનો જૈન પરિવાર કહે છે. સચિન કામદારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આપણે મેડિકલ ઇન્શ્યૉરન્સ સંકટના સમયે કામ આવે એ માટે લઈએ છીએ. જીતો દ્વારા રાહદદરે મેડિકલ વીમો આપવાની યોજના શરૂ કરી ત્યારે ૨૦૧૪માં અમે જિયો શ્રાવક આરોગ્યમ ગોલ્ડ પ્લાન ફેશ ૧ ફૅમિલી ફ્લોટર પૉલિસી લીધી હતી. પહેલા વર્ષે પપ્પા, મમ્મી અને પત્ની સહિત પાંચ લોકોના પરિવાર માટે મેં ૧૩,૧૦૭ રૂપિયાનું પ્રીમિયમ ભરીને પાંચ લાખ રૂપિયાનું ઇન્શ્યૉરન્સ લીધું હતું. પત્નીની ડિલિવરી અને માતાની સારવારમાં આ મેડિકલ વીમો કોઈ કામ નથી આવ્યો એટલે હવે આ મેડિકલ વીમો લઈને પસ્તાવો થઈ રહ્યો છે. કંપનીએ માત્ર ૩૧ હજારનો ક્લેમ મંજૂર કર્યો હતો અને એમાંથી અમને માત્ર ૬,૩૯૫ રૂપિયા જ આપવામાં આવ્યા છે.’

મમ્મી ગુમાવ્યાં, ક્લેમ ન મળ્યો
સચિન કામદારે કહ્યું હતું કે ‘મેડિકલ ઇન્શ્યૉરન્સ હોવા છતાં મમ્મીની સારવારમાં એ કામ નહોતો આવ્યો. ચાર મહિનાની બીમારી બાદ માતાનું અવસાન થયું હતું, પરંતુ અમે ત્રણ વર્ષથી વળતર મેળવવાની રાહ જોઈ રહ્યા છીએ. ડિસ્ટ્રિક્ટ કમિશનની કોર્ટે ન્યાય આપ્યો, પણ સ્ટેટ કમિશનમાં મહિનાઓથી કેસ અટવાયો છે. બન્ને પક્ષની સુનાવણી થઈ ગઈ હોવા છતાં મહિનાઓથી ચુકાદો અટકી પડ્યો છે. અમે ડિસ્ટ્રિક્ટ કોર્ટે આપેલા ચુકાદા બાદ કંપનીએ જમા કરાવેલી રકમ ઉપાડવા માટે અરજી કરી છે, એમાં પણ કંઈ નથી થયું. સ્ટેટ કમિશનમાં ૨૬ ઑક્ટોબરે આગામી સુનાવણી છે. જોઈએ શું થાય છે.’

મજબૂરીથી ઇન્શ્યૉરન્સ કાયમ રાખ્યો
સચિન કામદારને જૈન ઈન્ટરનૅશનલ ઑર્ગેનાઈઝેશન જેએસી કંપનીએ પત્ની અને માતાની ક્લેમની રકમની ચુકવણી ન કરી હોવા છતાં તેમણે પૉલિસી ચાલુ રાખી છે. એપ્રિલ મહિનામાં તેમણે ૪૫ હજાર રૂપિયાનું પ્રીમિયમ ભર્યું છે. આ વિશે સચિન કામદારે કહ્યું હતું કે ‘પપ્પા અત્યારે ૭૦ વર્ષના છે અને અમારો મેડિકલ વીમો ૨૦૧૪થી ચાલુ છે એટલે અમે ક્લેમ સેટલ ન થયો હોવા છતાં વીમો કાયમ રાખ્યો છે. સિત્તેર વર્ષની ઉંમરે બીજી કોઈ કંપનીની નવી પૉલિસી લઈએ તો ત્રણ વર્ષ વેઇટિંગ કરવું પડે. મોટી ઉંમરે આવું રિસ્ક ન લઈ શકાય એટલે અમે જિયો જેએસીનો વીમો કાયમ રાખ્યો છે.’

સ્ટેટ કમિશનમાં મામલો કેમ અટક્યો?
જૈન ઈન્ટરનૅશનલ ઑર્ગેનાઈઝેશન જેએસી ઇન્ટરનૅશનલ ઑર્ગેનાઇઝેશન વતી સ્ટેટ કમિશનમાં પ્રતિનિધિત્વ કરી રહેલા ઍડ્વોકેટ મોહિત ભણસાળીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ડિસ્ટ્રિક્ટ કમિશનની કોર્ટના ચુકાદાને અમે પડકારતાં સ્ટેટ કમિશને એના પર સ્ટે મૂક્યો છે. આ મામલામાં બન્ને પક્ષની સુનાવણી ક્યારનીય પૂરી થઈ ગઈ છે, પણ કમિશનમાં નિયુક્તિ લાંબા સમયથી અટકી પડી છે એટલે અત્યારે ચુકાદો આપવામાં સમય લાગી રહ્યો છે.’

jain community borivali consumer court mumbai mumbai news prakash bambhrolia