સાચા અર્થમાં ગરવી ગુજરાતણઃ 62 વર્ષે મેળવી બીકોમની ડિગ્રી, મુંબઇના છાયા વોરાના સપનાંઓને ન નડ્યો સંકોચ

20 December, 2021 12:05 PM IST  |  mumbai | Nirali Kalani

મુંબઈના બોરીવલીમાં રહેતા છાયાબેન વોરાએ 62 વર્ષની ઉંમરે બી.કોમ પુરુ કરી સ્નાતકની ડિગ્રી મેળવી છે.  મન હોય તો માળવે જવાય..ઉંમરને સપના સાથે કોઈ નિસ્બત નથી જેવી કહેવતોને સાર્થક કરી છાયાબહેને એક પ્રેરણાત્મક ઉદારહરણ પુરૂં પાડ્યું છે. 

62 વર્ષે સ્નાતકની ડિગ્રી મેળવનાર છાયા બેન

`જ્યારે હું પહેલી વાર કોલેજ ગઈ ત્યારે મને બહુ જ ઑકવર્ડ ફીલ થતું હતું. શરૂઆતમાં કેટલાક સહઅભ્યાસીઓ મને એક નજરે તાકી રહેતા હતા તો કેટલાક મને જોઈને હસતા હતાં. એ લોકો મારી તરફ તાકી તાકીને જોતા ત્યારે મને ખૂબ જ વિચિત્ર લાગી રહ્યું હતું. પરંતુ મારે કઈંક કરવું જ હતું. મેં દ્રઢ નિશ્ચય કરી લીધો હતો કે ગમે તે થાય હું મારુ ગ્રેજયુએશન પુરું કરીને જ રહીશ..` આ શબ્દો છે 62 વર્ષીય છાયાબહેન વોરાનાં. 

મુંબઈના બોરીવલીમાં રહેતા છાયાબેન વોરાએ 62 વર્ષની ઉંમરે બી.કોમ પુરુ કરી સ્નાતકની ડિગ્રી મેળવી છે.  મન હોય તો માળવે જવાય..ઉંમરને સપના સાથે કોઈ નિસ્બત નથી જેવી કહેવતોને સાર્થક કરી છાયાબહેને એક પ્રેરણાત્મક ઉદારહરણ પુરૂં પાડ્યું છે. 

જવાબદારીને કારણે છોડ્યો અભ્યાસ 

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરતાં છાયાબહેને કહ્યું કે, `મારા પપ્પાનું સપનું હતું કે હું ડોક્ટર બનું. તેથી મેં ઉચ્ચ માધ્યમિક શિક્ષણ માટે સાયન્સ પ્રવાહમાં પ્રવેશ મેળવ્યો હતો. પરંતુ કેટલીક જવાબદારીઓને કારણે ધોરણ 12ની પરીક્ષા પણ ના આપી શકી અને ત્યાર બાદ મારું ભણવાનું પણ અધુરું રહી ગયું. ભણતર છોડ્યા પછી હું પાર્લર ચલાવતી હતી. પાર્લરનું કામ કરી હું પૈસા કમાતી હતી. જોકે બાદમાં લગ્ન થયા, પણ પરિસ્થિતિ તો એની એ જ રહી.`

 

છાયાબહેન વોરાને એક દીકરો છે ધ્રુમિલ, જે યુએસમાં અભ્યાસ કરે છે. આ સાથે પોતાનો ખર્ચ કાઢવા માટે તે સાઈડમાં નોકરી પણ કરે છે. તેમના પતિના વ્યસનોને કારણે છાયાબહેનને હંમેશા સામાન્ય સ્થિતિ સામે પણ ઝઝમવું પડતું હતું. વર્ષ 2012 તેમનાં પતિનું અવસાન થયું. ત્યાર બાદ તો તેમના પર જ ઘરની અને દીકરાને ભણાવવાની જવાબદારી આવી. જોકે તેમના દિયર જયેશ વોરાએ તેમને તમામ સ્થિતિમાં સહકાર આપ્યો હતો. દીકરાને ભણવા માટે અમેરિકા મોકલ્યો અને આ તરફ છાયાબહેનને પણ પોતાનો અભ્યાસ પૂર્ણ કરવાની તીવ્ર ઈચ્છા થઈ. તેમને થયું તેમને દીકરો અમેરિકા ભણવા ગયો, તો તે પોતે અહીં રહીને તો ભણી જ શકે. વળી આમ કરશે તો દીકરાને પણ મમ્મી પર ગર્વ થશે. ત્યાર બાદ છાયાબહેને ફરી પોતાનો અભ્યાસ શરૂ કર્યો. પહેલા તેમણે કોર્મસમાં ધોરણ 12ની પરીક્ષા પાસ કરી અને પછી બીકોમ માટે કોલેજમાં એડમિશન લીધુ અને સ્નાતકની ડિગ્રી મેળવી.   

કોલેજનો અનુભવ

તેઓ જ્યારે પહેલી વાર કોલેજ ગયા ત્યારે તેમની ઉંમર 60 વર્ષની હતી. મતલબ કે તેમના સહઅભ્યાસીઓ કરતાં ત્રણ ગણા મોટા છાયાબહેન વોરા જ્યારે પહેલી વાર કોલેજ ગયા ત્યારે તેમને ખુબ જ ઓકવર્ડ લાગતું.  પહેલા દિવસે તમામ વિદ્યાર્થીઓને લાગતુ હતું કે તે તેમનાં પ્રોફેસર છે. પરંતુ જ્યારે તેઓ વિદ્યાર્થીઓ સાથે જ બેન્ચ પર બેસી પરીક્ષા આપતા તો કેટલાક વિદ્યાર્થીઓ તેમને જ જોઈ રહેતા તો કેટલાક તેમની પર હસતા હતાં. પરંતુ એક બે દિવસ બાદ તેમને સહઅભ્યાસીઓને સારો એવો સપોર્ટ મળવા લાગ્યો હતો. તેમની ઉંમરને કારણે વિદ્યાર્થીઓ તેમને અનેક રીતે મદદ કરતા હતાં. 

આઈલેટ્સની પણ આપી પરીક્ષા 
સાયન્સમાં પ્રેક્ટિકલ માટે રોજ કોલેજ જવું પડે, પરંતુ તેમની ઉંમરને કારણે રોજ કોલેજ જવું તેમના માટે શક્ય નહોતું, તેથી તેમણે કોમર્સ પ્રવાહમાં મુંબઈની કોલેજમાં પ્રવશ લીધો અને ગત વર્ષે કોરોનાના કપરા કાળમાં પણ છાયા બેને સ્નાતકની ડિગ્રી મેળવી. આ ઉપરાંત છાયા બેને આઈલેટ્સની પણ પરીક્ષા આપી છે. આ દરમિયાન છાયાબહેનને નોકરીની પણ તક મળી હતી. પરંતુ વધતી ઉંમર અને કેટલીક શારીરીક તકલીફને કારણે તેઓ તે નોકરી કરી ચુકયા નહીં. છાયાબહેનની ઈચ્છા છે કે હજી પણ કઈંક નવું શીખશે અને પોતાના પુત્ર પાસે જવા અને અમેરિકા જઈ નોકરી કરવા માટે અથાગ પ્રયાસો કરતા રહેશે.  

છાયાબહેન વોરાની કથની ભલભલાને માટે પ્રેરણાદાયી છે અને પુરાવો છે કે સપનાં પુરાં કરવા હોય તો સંકોચને નેવે મૂકવો જ રહ્યો. 

mumbai borivali mumbai news