ગુજરાતી વેપારીએ પત્ની સાથેના બોલ્ડ ફોટો વાઇરલ થતા અટકાવવા ૩૦ લાખ ચૂકવ્યા

01 October, 2022 10:28 AM IST  |  Mumbai | Mehul Jethva

એક યુવકે શિવડીમાં રહેતા વેપારીના આ ફોટો વાઇરલ કરવાની અને ૧૩ વર્ષની પુત્રીને મારી નાખવાની ધમકી આપીને છેલ્લા એક વર્ષમાં આટલા પૈસા પડાવી લીધા : વેપારીની પત્નીને આ વાતની જાણ થતાં પોલીસમાં નોંધાવી ફરિયાદ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

શિવડીમાં રહેતા અને કપડાંનો વ્યવસાય કરતા ગુજરાતી વેપારીના પત્ની સાથેના બોલ્ડ ફોટો વાઇરલ કરવાની અને વેપારીની ૧૩ વર્ષની પુત્રીને મારી નાખવાની ધમકી આપીને એક યુવકે છેલ્લા એક વર્ષમાં વેપારી પાસેથી આશરે ૩૦ લાખ રૂપિયા પડાવ્યા હતા. છેલ્લા કેટલાક વખતથી વેપારી ચિંતામાં રહેતા હોવાનું તેમની પત્નીને જણાતાં તેણે વેપારીને વિશ્વાસમાં લઈને તમામ માહિતી મેળવી હતી અને ત્યાર બાદ તેમણે રફી અહેમદ કિડવાઈ માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાને ગંભીરતાથી લઈને પોલીસે ફરિયાદ નોંધીને આરોપીની તપાસ શરૂ કરી છે.

શિવડીના આચાર્ય દોંદે માર્ગ પર રહેતાં રશ્મિ શાહ (નામ બદલ્યું છે)એ કરેલી ફરિયાદ અનુસાર છેલ્લા કેટલાક વખતથી તેમનો પતિ રમેશ (નામ બદલ્યું છે) પરેશાન અને ટેન્શનમાં રહેતો હતો. એ વિશે વારંવાર પૂછવા છતાં તેમણે કોઈ માહિતી આપી નહોતી. ગયા અઠવાડિયે તે કબાટ જોઈ રહી હતી ત્યારે તેના હાથમાં એક બુક આવી હતી. એમાં તેણે જોયું કે પતિ રમેશે ૨૦૨૧થી અત્યાર સુધીમાં ૨૫,૦૦૦, ૧૦,૦૦૦, ૫,૦૦૦ જેવી રકમો એક યુવકના બૅન્ક-ખાતામાં ટ્રાન્સફર કરી હતી. એની વધુ તપાસ કરતાં આશરે ૩૦ લાખ રૂપિયાની અમાઉન્ટ હોવાનું જાણવા મળ્યું હતું. એ પછી રશ્મિએ પતિ રમેશને વિશ્વાસમાં લઈને તમામ માહિતી પૂછતાં પતિએ કહ્યું હતું કે ‘આપણા બંનેના કિસ કરતા ફોટો જે આપણે મોબાઇલમાં પાડ્યા હતા એ વાઇરલ કરવાની ધમકી આપીને એક યુવકે તેની પૈસાથી લીધા હતા. એની સાથે આપણી ૧૩ વર્ષની પુત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એનાથી ડરી જઈને મેં તમામ પૈસા તેને ટ્રાન્સફર કર્યા હતા.’
એ પછી આ ઘટનાની ફરિયાદ રશ્મિએ રફી અહેમદ કિડવાઈ માર્ગ પોલીસ સ્ટેશનમાં નોધાવી હતી.

રફી અહેમદ કિડવાઈ માર્ગ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર કુમુદ કદમે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટનાની ફરિયાદ નોંધીને અમે તપાસ શરૂ કરી છે. આ ઘટના ગંભીર હોવાથી અમે આરોપીને પકડવા એક ટીમ તૈયાર કરી છે. આરોપી પાસે આ ફોટો ક્યાંથી અને કઈ રીતે આવ્યા એની અમે તપાસ કરી રહ્યા છીએ.’ 

mumbai mumbai news navi mumbai mehul jethva