મહારાષ્ટ્રના રાજકારણનું એપિસેન્ટર બન્યું ગુજરાત

22 June, 2022 09:04 AM IST  |  Mumbai | Shailesh Nayak

શિવસેનાના પ્રધાન સહિતના બળવાખોર વિધાનસભ્યોને સુરતમાં જ કેમ લવાયા? સુરતની એક હોટેલમાં આ તમામ વિધાનસભ્યોને આશરો આપવામાં આવ્યો છે જ્યાં હોટેલની આસપાસ ચકલું પણ ન ફરકે એવો સજ્જડ પોલીસ-બંદોબસ્ત ગોઠવાયો છે

મહારાષ્ટ્રના રાજકારણનું એપિસેન્ટર બન્યું ગુજરાત


મહારાષ્ટ્ર સરકારમાં સત્તામાં હોવા છતાં પણ આશ્ચર્યજનક રીતે એકનાથ શિંદે અને તેમના સમર્થનમાં શિવસેનાના કેટલાક બળવાખોર વિધાનસભ્યોએ બળવો કર્યો અને તેમને મહારાષ્ટ્રના પાડોશી રાજ્ય ગુજરાતમાં આશરો લેવો પડ્યો છે ત્યારે બીજે ક્યાંય નહીં અને શિવસેનાના પ્રધાન સહિતના આ વિધાનસભ્યોને સુરતમાં એટલા માટે લાવવામાં આવ્યા છે કેમ કે તેમના માટે સિક્યૉરિટીની દૃષ્ટિએ ગુજરાત સૌથી સેફ સ્થળ છે.
એકનાથ શિંદે ઉપરાંત મહારાષ્ટ્ર સરકારના કેટલાક પ્રધાનો સહિતના શિવસેનાના વિધાનસભ્યોએ બળવો પોકાર્યો છે ત્યારે મહારાષ્ટ્રના રાજકારણનું એપી સેન્ટર ગુજરાત બન્યું છે. સુરતની એક હોટેલમાં આ તમામ વિધાનસભ્યોને આશરો આપવામાં આવ્યો છે અને હોટેલની આસપાસ ચકલું પણ ન ફરકે એવો સજ્જડ પોલીસ-બંદોબસ્ત ગોઠવાયો છે. કહેવાય છે કે ગઈ કાલે રાતથી જ કેટલાક વિધાનસભ્યો અહીં આવી પહોંચ્યા હતા. મહારાષ્ટ્રના શિવસેનાના વિધાનસભ્યો માટે ગુજરાત સૌથી સુર​િક્ષત જગ્યા હોવાથી તેમને ગુજરાતમાં રાખવામાં આવ્યા છે.
સુરતમાં શિવસેનાના વિધાનસભ્યોને એટલા માટે રાખવામાં આવ્યા છે કારણ કે ગુજરાત બીજેપીનું હોમ સ્ટેટ જેવું છે. સુરત ગુજરાતના ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવીનું હોમગ્રાઉન્ડ છે અને ગુજરાત બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની હોમ પિચ છે. બીજું એ કે સુરત શહેરના તમામ વિધાનસભ્યો બીજેપીના છે અને અહીં મરાઠી ફૅક્ટર પણ જોવા મળે છે એટલે આ બધાં કારણોસર શિવસેનાના વિધાનસભ્યો માટે સુરત સિક્યૉરિટીની દૃષ્ટિએ સૌથી સેફ જગ્યા છે અને એટલે જ શિવસેનાના વિધાનસભ્યોને સુરત લવાયા છે.
શિવસેનાના બળવાખોર વિધાનસભ્યો અને પ્રધાનોને જે હોટેલમાં રખાયા છે એ હોટેલ અને એની આસપાસ ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હોટેલ તરફ જતા માર્ગ પરથી કોઈએ પણ જવું હોય તો પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. આ હોટેલ સુરત ઍરપોર્ટથી નજીક છે અને હોટેલ તરફ જતા રસ્તા પર પોલીસ-બંદોબસ્ત ગોઠવાયો છે.
મહારાષ્ટ્રમાં શિવસેનાની મિશ્ર સરકારમાં બળવો કરનારા શિવસેનાના પ્રધાનો અને વિધાનસભ્યોને ક્યાંક ને ક્યાંક બીજેપીનો સપોર્ટ મળી રહ્યો છે. ગુજરાતમાં ગઈ કાલે યોગ દિવસની ઠેર-ઠેર ઉજવણી થવાની હતી અને એના ભાગરૂપે ગુજરાત બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલનો ગાંધીનગર પાસે સવારે કાર્યક્રમ હતો ત્યારે આ કાર્યક્રમ રદ કરીને સોમવારે રાત્રે અચાનક સી. આર. પાટીલ સુરત દોડી ગયા હતા. મહારાષ્ટ્રથી આવેલા શિવસેનાના વિધાનસભ્યો માટે સુરતમાં આશરાની બધી જ વ્યવસ્થા ગોઠવાઈ ગઈ હતી.

mumbai news gujarat politics maharashtra