ગ્રાન્ટ રોડની ગુજરાતી મહિલા થઈ સાઇબર ફ્રૉડનો શિકાર

03 October, 2022 12:17 PM IST  |  Mumbai | Mehul Jethva

હોટેલ બુકિંગના નામે સાઇબર ગઠિયાએ ૫૪,૦૦૦ પડાવી લીધા

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

તહેવારો આવતાં સાઇબર ફ્રૉડ કરતા ગઠિયાઓ નવી-નવી રીતે લોકો સાથે છેતરપિંડી કરતા હોય છે અને તેમના લાખો રૂપિયા પડાવી લેતા હોય છે. ગ્રાન્ટ રોડમાં રહેતી ગુજરાતી મહિલા પણ સાઇબર ફ્રૉડનો શિકાર બની હતી. તે પરિવાર સાથે દિવાળીમાં ખોપોલી ફરવા જવા માગતી હતી. એટલે તેણે ઑનલાઇન મળેલા નંબર પર બંગલાની માહિતી મેળવીને ૫૪,૦૦૦ રૂપિયાનું ઑનલાઇન પેમેન્ટ કર્યું હતું. જોકે પછી તેણે હોટેલનો સાચો નંબર મેળવીને એના પર બુકિંગ વિશેની માહિતી લેતાં કોઈ બુકિંગ થયું ન હોવાનું જાણવા મળ્યું હતું. છેતરપિંડીનો શિકાર બનેલી મહિલાએ ડી. બી. માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ગ્રાન્ટ રોડ-ઈસ્ટમાં ત્રિભુવન રોડ પરની એક સોસાયટીમાં રહેતી કિંજલ મહેતાએ કરેલી ફરિયાદ અનુસાર છેલ્લા કેટલાક દિવસથી તે દિવાળીમાં બહાર ફરવા જવા માટે વિચારી રહી હતી. દરમિયાન ૨૯ સપ્ટેમ્બરે તેની નણંદ જેશલ સાથે વાત થતાં જેશલે ગૂગલ પર ખોપોલીની હોટેલનો નંબર શોધ્યો હતો. એમાં તેને ધ કેમ્પોલિયન ક્લબનો નંબર મળ્યો હતો. એમાં આપેલા નંબર પર સંપર્ક કરતાં સામેવાળા યુવકે પોતાની ઓળખ રિહાન તરીકે આપી હતી. તેણે હોટેલમાં છ રૂમ બુક કરવા માટે કિંજલના અકાઉન્ટમાંથી ત્રણ ટ્રાન્ઝૅક્શનમાં ૫૪,૦૦૦ રૂપિયા લીધા હતા. એ પછી કિંજલે હોટેલના બુકિંગની વધુ માહિતી રિહાન પાસે માગતાં તેણે કોઈ માહિતી આપી નહોતી એટલે તેના પર શંકા જતાં ધ કેમ્પોલિયન ક્લબનો સાચો નંબર મેળવીને એના પર બુકિંગ વિશે તપાસ કરતાં ત્યાં કોઈ બુકિંગ થયું ન હોવાનું જાણવા મળ્યું હતું. ત્યાર બાદ પોતે છેતરપિંડીનો શિકાર થઈ હોવાનું સમજાતાં કિંજલે ડી. બી. માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ડી. બી. માર્ગ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘લોકોને અમે વારંવાર અપીલ કરીએ છીએ કે ઑનલાઇન પૈસા મોકલતાં પહેલાં તમામ તપાસ કરી લો. એમ છતાં કેટલાક લોકો કોઈ પણ પ્રકારની તપાસ ન કરતાં સામેની વ્યક્તિને મળ્યા વગર પેમેન્ટ કરી દેતા હોય છે. આ ઘટનીના ફરિયાદ નોંધીને અમે તપાસ શરૂ કરી છે.’

mumbai mumbai news Crime News mumbai crime news cyber crime grant road mehul jethva