હવે રાત્રે લોકલમાં સ્ત્રીઓની સલામતી ભગવાન ભરોસે

04 July, 2021 08:07 AM IST  |  Mumbai | Prakash Bambhrolia

લેડીઝ સાથે ત્રણ અણબનાવ બન્યા હોવા છતાં સરકારે ગ્રાન્ટ ન ફાળવતાં ૧ જુલાઈથી ૧૧૦૦ હોમગાર્ડ્સની સર્વિસ પાછી ખેંચાઈ

લોકલ ટ્રેનના લેડીઝ કોચમાં તહેનાત હોમગાર્ડની ફાઇલ તસવીર.

મુંબઈની લોકલ ટ્રેનોમાં અત્યારે એસેન્શિયલ સર્વિસિસ સાથે સંકળાયેલા હોય એવા લોકોને જ પ્રવાસ કરવા દેવાય છે. દરરોજ હજારોની સંખ્યામાં મહિલાઓ અને પુરુષો પ્રવાસ કરી રહ્યાં છે. લોકલ ટ્રેનોમાં મહિલાઓ પણ મોટા પ્રમાણમાં મુસાફરી કરતી હોવાથી તેમની સુરક્ષા માટે ગવર્નમેન્ટ રેલવે પોલીસ (જીઆરપી) અને રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ)ની સાથે હોમગાર્ડ્સ તહેનાત કરાય છે. રાત્રે લેડીઝ કોચમાં પ્રવાસ કરતી મહિલાઓ માટે રાજ્ય સરકાર દ્વારા ૧૧૦૦ હોમગાર્ડ્સ જીઆરપીને ફાળવવામાં આવ્યા છે. ૧ જુલાઈથી આ તમામ હોમગાર્ડ્સને અચાનક જીઆરપી પાસેથી પાછા ખેંચી લેવામાં આવ્યા હોવાથી મહિલાઓની સુરક્ષા સામે પ્રશ્ન ઊભા થયા છે. જીઆરપીનું માનવું છે કે અત્યારે એસેન્શિયલ સર્વિસ સાથે સંકળાયેલી મહિલાઓ જ ટ્રેનમાં પ્રવાસ કરતી હોવાથી જૂજ પ્રવાસીઓ હોય છે ત્યારે ગુનેગારો દ્વારા રાતના સમયે તેમને નિશાન બનાવવાની શક્યતા વધી છે એટલે હોમગાર્ડ્સની સેવા પાછી ખેંચી લેવી યોગ્ય નથી.
૨૦૧૮માં લોકલ ટ્રેનમાં પ્રવાસ કરતી મહિલાઓ પર હુમલા થવાની કેટલીક ઘટનાઓ સામે આવ્યા બાદ બૉમ્બે હાઈ કોર્ટે તેમની સુરક્ષામાં વધારો કરવાના નિર્દેશ સંબંધિત વિભાગને આપ્યા હતા. આથી જીઆરપીએ વધુ ૨૦૦૦ હોમગાર્ડ્સની માગણી કરી હતી, જે અત્યાર સુધી પૂરી નથી કરાઈ. આની સામે જે હોમગાર્ડ્સ ફાળવાયા છે તેમને પણ પાછા ખેંચી લેવામાં આવ્યા છે.
૧ જુલાઈથી મુંબઈ ડિવિઝનના તમામ ૧૧૦૦ હોમગાર્ડ્સને મહિલા કોચની સુરક્ષામાંથી પાછા ખેંચી લેવાનો ઉપરથી આદેશ અપાયો હોવાથી તેઓ ચાર દિવસથી ફરજ પર હાજર નથી થઈ રહ્યા. નવો આદેશ ન આવે ત્યાં સુધી તેમને કામ પર હાજર ન થવાનું કહેવામાં આવ્યું છે. હોમગાર્ડ્સને રાજ્ય સરકાર તરફથી ફાળવાતી ગ્રાન્ટમાંથી પગાર ચૂકવવામાં આવે છે.
૩૦ મેએ ડોમ્બિવલીમાં રહેતી ૩૫ વર્ષની વિદ્યા પાટીલ લોકલ ટ્રેનમાં પ્રવાસ કરતી હતી ત્યારે કલવા અને મુમ્બ્રા રેલવે સ્ટેશન વચ્ચે ૩૧ વર્ષના ફૈસલ શેખ નામના યુવકે તેનો મોબાઇલ આંચકી લીધો હતો. મોબાઇલ બચાવવા માટે વિદ્યાની આરોપી ફૈસલ સાથે ઝપાઝપી થઈ હતી એમાં તે ચાલતી ટ્રેનમાંથી નીચે પટકાઈ હતી. ગંભીર રીતે ઘવાયેલી વિદ્યાનું બાદમાં મૃત્યુ થયું હતું. આ ઘટના બન્યા બાદ લોકલ ટ્રેનમાં મહિલાઓની સુરક્ષા માટે ૨૦૧૮થી જીઆરપી દ્વારા વધુ ૨૦૦૦ હોમગાર્ડ્સ ફાળવવાની કરાયેલી માગણીને ઝડપથી પૂરી કરવાની અપીલ રાજ્ય સરકારને કરવામાં આવી હતી, પરંતુ હજી સુધી કોઈ નિર્ણય લેવાયો નથી.
આ બનાવ બાદ વસઈ અને નાયગાંવ રેલવે સ્ટેશનની વચ્ચે એક મહિલાનો મોબાઇલ આંચકવાનો પ્રયાસ કરાયો હતો. દસેક દિવસ પછી દિવા-વસઈ વચ્ચે દોડતી મેમુ ટ્રેનમાં પણ અન્ય એક યુવતીના હાથમાંથી મોબાઇલ આંચકવાની ઘટના બની હતી. લેડીઝ કોચમાં પ્રવાસ કરતી મહિલાઓ અવારનવાર મોબાઇલ, પાકીટ કે સોનાની ચેઇન આંચકનારાઓના નિશાના પર રહેતી હોય છે. આ તમામ બનાવ રાતના સમયે બન્યા હતા.
જીઆરપીના એક ઉચ્ચ પોલીસ અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને હોમગાર્ડના અધિકારીઓએ મેસેજ મોકલ્યો છે કે હોમગાર્ડ્ઍસને અપાતા વળતર માટે તેમની પાસે ફન્ડ ઉપલબ્ધ ન હોવાથી તેઓ જીઆરપીને હોમગાર્ડ્સ ફાળવી નહીં શકે. આથી ૧ જુલાઈથી મુંબઈની બન્ને સેન્ટ્રલ અને વેસ્ટર્ન રેલવેમાં જીઆરપી સાથે કાર્યરત હોમગાર્ડ્ઍસ હાજર નથી થયા. બૉમ્બે હાઈ કોર્ટે ૨૦૧૯માં લોકલ ટ્રેનોમાં મહિલાઓની સલામતી માટે સિક્યૉરિટી વધારવાનો આદેશ આપ્યો હોવા છતાં હજી સુધી કંઈ કરાયું નથી. એની સામે અત્યારે જે સિક્યૉરિટી છે એમાં કાપ મૂકવાથી મહિલાઓની સલામતી જોખમાશે.’
જીઆરપીના અન્ય એક ઑફિસરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અત્યારે વહેલી સવારે અને રાત્રે લેડીઝ ટ્રેનમાં જૂજ મહિલાઓ પ્રવાસ કરે છે. વેસ્ટર્ન રેલવેમાં મીરા રોડ કે ભાઈંદર ખાલી થતી ટ્રેનોમાં અત્યારે મલાડથી બોરીવલીમાં પણ એકલદોકલ મહિલાઓ જ કોચમાં હોય છે. સિક્યૉરિટી ગાર્ડ ન હોય તો ગુનેગારો આવી મહિલાઓને આસાનીથી નિશાન બનાવી શકે છે. આવી જ રીતે સેન્ટ્રલ રેલવેમાં મોટા ભાગે થાણે ખાલી થતી ટ્રેનોમાં વચ્ચેનાં સ્ટેશનો પર પણ કોચમાં ઓછી મહિલાઓ હોય છે. મહિલાઓની સિક્યૉરિટીની વધારે જરૂર છે ત્યારે એ પાછી ખેંચી લેવાથી તેઓ મુશ્કેલીમાં મુકાઈ શકે છે.’
જીઆરપીને હોમગાર્ડ્સ પૂરા પાડતા મુંબઈ વિભાગના સેન્ટ્રલ કમાન્ડન્ટ રાજુ સાંબરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા ઉચ્ચ અધિકારીના આદેશથી ૧ જુલાઈથી જીઆરપી સાથે કાર્યરત ૧૧૦૦ હોમગાર્ડ્સને પાછા ખેંચી લેવામાં આવ્યા છે. નવો આદેશ નહીં આવે ત્યાં સુધી તેમને રેલવેમાં તહેનાત નહીં કરાય. કયા કારણે આવું કરાયું છે એ આદેશમાં કહેવાયું નથી.’
સેન્ટ્રલ રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર શિવાજી સુતારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હોમગાર્ડ્સ પાછા ખેંચી લેવાની અમને જાણ નથી. આ મામલો જીઆરપીનો છે એટલે તેઓ માહિતી આપી શકશે. આરપીએફના જવાનો ડ્યુટી કરી રહ્યા છે.’
ચોંકાવનારી વાત એ છે કે હોમગાર્ડ્સ ૧ જુલાઈથી ફરજ પર આવતા ન હોવાનું વેસ્ટર્ન રેલવેના અધિકારીને ખબર જ નથી. વેસ્ટર્ન રેલવેના પબ્લિક રિલેશન્સ ઑફિસર નીતિન ડેવિડે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હોમગાર્ડ્સ પહેલાંની જેમ જ કામ કરી રહ્યા છે. મહિલાઓના કોચમાં સુરક્ષામાં કોઈ ઘટાડો નથી કરાયો.’

 અમારા ઉચ્ચ અધિકારીના આદેશથી ૧ જુલાઈથી જીઆરપી સાથે કાર્યરત ૧૧૦૦ હોમગાર્ડ્સને પાછા ખેંચી લેવામાં આવ્યા છે. નવો આદેશ નહીં આવે ત્યાં સુધી તેમને રેલવેમાં તહેનાત નહીં કરાય. કયા કારણે આવું કરાયું છે એ આદેશમાં કહેવાયું નથી.
રાજુ સાંબરે, સેન્ટ્રલ કમાન્ડન્ટ

Mumbai Mumbai News prakash bambhrolia mumbai railways