ગોલ્ડની ચમક ઊડી જ જશે

02 July, 2022 10:00 AM IST  |  Mumbai | Rohit Parikh

સરકારે સોના પરની આયાત ડ્યુટી ૭.૫ ટકાથી વધારીને ૧૨.૫ ટકા કરતાં જેમ્સ ઍન્ડ જ્વેલરી ઉદ્યોગને લાગ્યો મોટો આંચકો : વેપારીઓનું કહેવું છે કે સરકારના આ નિર્ણયથી ભાવમાં વધારો તો થશે જ, પણ સાથે-સાથે માર્કેટમાંય મંદી ફેલાશે

પ્રતીકાત્મક તસવીર

ભારતની સોનાની આયાતને પ્રતિબંધિત કરવા અને છેવટે ડૉલરની ઉપલબ્ધતામાં સુધારો કરવાના હેતુથી ભારત સરકારે સોના પરની ઇમ્પોર્ટ ડ્યુટી ૭.૫ ટકાથી વધારીને ૧૨.૫ ટકા કરી દીધી છે. ઇમ્પોર્ટ ડ્યુટીમાં વધારાથી ભારતના જેમ્સ ઍન્ડ જ્વેલરી ઉદ્યોગને આશ્ચર્યજનક બહુ મોટો આંચકો લાગ્યો છે, કારણ કે આવાં કોઈ પગલાંની સરકાર પાસેથી અપેક્ષા નહોતી. સરકારના આ નિર્ણયથી સોનાના ભાવમાં વધારો થશે અને માર્કેટમાં મંદી ફેલાશે.

હકીકતમાં સરકારે થોડા મહિના પહેલાં સોના પરની આયાત ડ્યુટી ૨.૫ ટકા ઘટાડીને ૧૦ ટકામાંથી ૭.૫ ટકા કરી હતી. એનાથી ખરીદદારોને પ્રોત્સાહિત થયા હતા અને કોરાના વાઇરસ રોગચાળા દરમિયાન બે વર્ષના નીરસ વેચાણ પછી એકંદર ખરીદીની ભાવનાને સોનાની જ્વેલરીના વેપારીઓમાં પુનર્જીવિત કરી હતી. એટલું જ નહીં, સરકારે સોના પર હવે ૩ ટકા જીએસટી પણ લાદ્યો છે. ગયા મહિનામાં દેશની વેપારખાધ વિક્રમી ઊંચી સપાટીએ પહોંચી ગઈ હતી અને રૂપિયો તૂટ્યો હતો. એ પછી કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો હતો. જોકે કેન્દ્ર સરકારના આ નિર્ણયથી સોનાના વેપારીઓમાં હડકંપ મચી ગયો છે. સોનાના વેપારીઓ કહે છે કે ગોલ્ડ ઇન્ડસ્ટ્રી પહેલાંથી જ મંદીનો માર સહન કરી રહી છે. ઈમાનદાર વ્યાપારીની સામે સૌથી મોટી ચુનૌતી ભાવ-ફર્કની આવશે, જેનાથી ડિજિટલ લેણદેણમાં ઝટકો લાગશે. સરકારે પહેલાંથી જ સોનાના જ્વેલરીની નિર્યાત પર આયકરની છૂટ આપવી જોઈતી હતી જેથી વિદેશી કરન્સી દેશમાં આવી શકે અને ભારતીય કરન્સી મજબૂત થઈ શકે. સરકારના આ નિર્ણયથી સ્થાનિક બજારોમાં સોનાના ભાવમાં વધારો થશે.

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર ભારતની વેપારખાધ એક વર્ષમાં ૬.૫૩ બિલ્યન ડૉલરથી વધીને ૨૪.૨૯ બિલ્યન ડૉલર થઈ ગઈ છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ બે મહિનામાં વેપારખાધ વધીને ૪૪.૬૯ અબજ ડૉલર થઈ હતી જે ગયા વર્ષના સમાન સમયગાળામાં ૨૧.૮૨ અબજ ડૉલર હતી. ટ્રેડ ગૅપ અને વિદેશી ભંડોળના સતત આઉટફ્લોને કારણે ગઈ કાલે યુએસ ડૉલર સામે રૂપિયો ૭૯.૧૨ની નીચી સપાટીએ પહોંચ્યો હતો.

સરકારના આ પગલાથી મંદીનો માર સહી રહેલી ગોલ્ડ ઇન્ડસ્ટ્રીને વધુ મોટો ફટકો પડશે એમ જણાવતાં ધ બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન - દિલ્હીના ચૅરમૅન યોગેશ સિંઘલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દેશમાં પહેલી વાર કદાચ ચાંદીને છોડીને ફક્ત સોના પરની આયાતશુલ્ક વધારવામાં આવી છે. સરકારે પહેલી જુલાઈથી સોનાની આયાતશુલ્ક ૭.૫૦ ટકાથી વધારીને ૧૨.૫૦ ટકા કરી છે અને ૨.૫ ટકા સેસ અને ૩ ટકા જીએસટી મળીને કુલ ૧૮ ટકા સરકારી કર (૧૦૦ રૂપિયામાંથી ૧૮ રૂપિયા) વસૂલ કરવામાં આવશે, જે પહેલાં ૧૦.૭૫ ટકા અને ૩ ટકા જીએસટી સાથે ૧૩.૭૫ ટકા હતો.’

સોનાની ઇમ્પોર્ટ ડ્યુટીમાં અચાનક વધારાથી અમને આશ્ચર્ય થયું છે એમ જણાવતાં ઑલ ઇન્ડિયા જેમ્સ ઍન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલના ચૅરમૅન આશિષ પેઠેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે ડૉલર સામે ભારતીય રૂપિયાના સંદર્ભમાં સરકારની સ્થિતિને સમજીએ છીએ, પરંતુ આ વધારો દાણચોરીને પ્રોત્સાહન આપી શકે છે. સ્થાનિક ઉદ્યોગની તરફેણમાં પરિસ્થિતિનો ઉકેલ લાવવા માટે અમે સરકાર સાથે વાતચીત શરૂ કરીશું. હાલમાં સમગ્ર જ્વેલરી સેક્ટર રૂપિયાના ઘટાડા અને ચુકવણીના સંતુલનથી ભારે દબાણનો સામનો કરી રહ્યું છે. અસરકારક આયાત ડ્યુટીમાં વધારો આખરે ૨૦૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ સ્થાનિક સોનાના ભાવમાં વધારો કરશે. જૂન-જુલાઈ સીઝનમાં વેચાણ હંમેશાં ધીમું રહે છે. આ આયાત ડ્યુટીમાં વધારો થવાથી બજાર થોડા સમય માટે મંદીમાં જઈ શકે છે.’

આયાત ડ્યુટીમાં વધારો ભારતની સોનાની જ્વેલરીની નિકાસને પણ અસર કરી શકે છે એમ જણાવીને આશિષ પેઠેએ કહ્યું હતું કે ‘એનું મુખ્ય કારણ એ છે કે ભારતીય નિકાસકારો શરૂઆતમાં ડ્યુટી ચૂકવે છે અને પછીથી રીફન્ડ મેળવે છે. જોકે આ સમયગાળા દરમિયાન તેમની કાર્યકારી મૂડી બ્લૉકેજની રકમ પ્રમાણસર વધશે. આયાત ડ્યુટીમાં વધારો ભારતમાં સોનાની એકંદર આયાત ઘટાડવા માટે સુયોજિત છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા અનુસાર મે મહિનામાં ભારતની સત્તાવાર સોનાની આયાત ૯૮ ટન પર મજબૂત રહી, જે આ વર્ષે એપ્રિલમાં ૨૭.૧ ટન અને મે ૨૦૨૧માં ૧૧.૪ ટનની આયાત કરતાં નોંધપાત્ર રીતે વધારે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે નોંધ્યું છે કે રોગચાળા દરમિયાન ખરીદીમાં ઘટાડો થયા બાદ છેલ્લા કેટલાક મહિનામાં ભારતની સોનાની ખરીદી વધી રહી છે.’

mumbai mumbai news rohit parikh