રામ મંદિર બ્રિજ પર ટ્રકની ટક્કર લાગી, સાઉન્ડ-બૅરિયર્સ નીચે રસ્તા પર પટકાયાં

29 August, 2026 01:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ઘટનામાં કોઈ ઘાયલ થયું હોવાના અહેવાલ નથી

ટ્રક અથડાતાં બ્રિજ પર લગાડેલાં સાઉન્ડ-બૅરિયર્સ નીચે પટકાયાં હતાં, નીચે પટકાયેલાં લોખંડનાં હેવી સાઉન્ડ-બૅરિયર્સ રસ્તાની વચ્ચેથી ઉપાડીને સાઇડ પર મૂક્યાં હતાં જેથી ટ્રાફિક સરળતાથી ચાલતો રહે

ગોરેગામ ઈસ્ટ-વેસ્ટને જોડતા મૃણાલતાઈ ગોરે (રામ મંદિર) બ્રિજ પર ગઈ કાલે બપોરે એક વાગ્યે એક ટ્રક સાઇડ-વૉલ સાથે અથડાઈ હતી. આ ઘટના રામ મંદિર સિગ્નલ પર ગોરેગામ-વેસ્ટ પાસે બની હતી. ટ્રકે મારેલી ટક્કરને લીધે ફ્લાયઓવર પર બેસાડેલાં નૉઇસ-બૅરિયર્સ તૂટીને નીચે રોડ પર પટકાયાં હતાં. આ ઘટનામાં કોઈ ઘાયલ થયું હોવાના અહેવાલ નથી. આ વિશે ગોરેગામ પોલીસ અને ફાયર-બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. તેમણે આવીને હેવી પતરાનાં નૉઇસ-બૅરિયર્સ રસ્તાની વચ્ચેથી દૂર કર્યાં હતાં અને ટ્રાફિક સરળતાથી ચાલતો રહે એ માટે તજવીજ કરી હતી.

વર્ષા ઑન વૉચ

તસવીર : આશિષ રાજે

મરાઠા અનામતની માગણી માટે મનોજ જરાંગે અંતરવાલી સરાટીમાં આજથી આમરણ ઉપવાસ પર બેસવાના છે, પણ જો સરકારે માગણીઓ ન સ્વીકારી તો તેમણે આ વખતે ડાયરેક્ટ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના બંગલા પર જ મોરચો લઈ જવાની વાત ઉચ્ચારી છે. એથી મુંબઈ પોલીસે આ વાતને ગંભીરતાથી લીધી છે. ભલે મનોજ જરાંગે અંતરવાલી સરાટીમાં હોય પણ તેમના સમર્થકો મુંબઈમાં ધમાલ મચાવી શકે છે. તેઓ મુખ્ય પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા બંગલા પર દેખાવો કરી શકે એવી શક્યતા હોવાથી મુંબઈ પોલીસે વર્ષા બંગલા પરનો બંદોબસ્ત વધારી દીધો છે. એટલું જ નહીં, ત્યાં જતા રોડ પર બૅરિકેડ્સ મૂકીને આવતાં-જતાં શંકાસ્પદ વાહનોનું અને લોકોનું ચેકિંગ ચાલુ કરી દીધું છે.

આજે રાતે વેસ્ટર્ન રેલવેમાં જમ્બો બ્લૉક

આજે શનિવારે રાતે વેસ્ટર્ન રેલવે દ્વારા વસઈથી ભાઈંદર દરમ્યાન જમ્બો બ્લૉક રાખવામાં આવ્યો છે જેને પગલે શનિવારે રાતે ૧૧.૩૦ વાગ્યાથી મધરાતે ૩ વાગ્યા સુધી અપ ફાસ્ટ લાઇન પર અને શનિવારે રાતે ૧.૧૫ વાગ્યાથી પરોઢિયે ૪.૪૫ વાગ્યા સુધી ડાઉન ફાસ્ટ લાઇન પર બ્લૉક રાખવામાં આવ્યો છે. બ્લૉક દરમ્યાન ભાઈંદર અને વિરારથી બોરીવલી વચ્ચેની બધી જ ફાસ્ટ ટ્રેનોને સ્લો લાઇન પર ડાઇવર્ટ કરવામાં આવશે. પૅસેન્જર્સ સ્ટેશન માસ્ટર્સ પાસેથી બધી જ ટ્રેનોની સર્વિસ વિશે વિગતવાર માહિતી મેળવી શકશે. 

દિલદાર દેવાભાઉ : મરાઠી શીખવાની મુદત વધારી આપી એટલે રિક્ષા અને ટૅક્સીના ડ્રાઇવરોમાં હર્ષોલ્લાસ

રિક્ષા અને ટૅક્સીના ડ્રાઇવરોને બોલચાલની મરાઠી શીખવા માટે એક વર્ષ જેટલી લાંબી મુદત મુખ્ય પ્રધાને જાહેર કરી હોવાથી ડ્રાઇવરોને હાશકારો થયો છે. તેમની રોજીરોટીને હાલપૂરતો તો વાંધો આવે એમ નથી. વળી લાંબો સમય મળી જવાથી એટલા સમયમાં મરાઠી શીખી પણ લઈ શકાય એવી ગોઠવણ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કરી આપી છે. એથી રિક્ષા અને ટૅક્સીના ડ્રાઇવરોમાં, ખાસ કરીને અન્ય રાજ્યોના હિન્દીભાષી ડ્રાઇવરોમાં આનંદ વ્યાપી ગયો છે. તેમણે દેવેન્દ્ર ફડણવીસના આ નિર્ણયનું હર્ષોલ્લાસ સાથે સ્વાગત કર્યું હતું. ગઈ કાલે કુર્લા-વેસ્ટના શીતલ સિનેમા પાસે ઢોલના તાલે નાચીને તેમણે એકબીજાનું મોતીચૂરના લાડુથી મોઢું મીઠું કરાવ્યું હતું. તસવીર : સૈયદ સમીર અબેદી 

goregaon ram mandir accident mumbai mumbai news devendra fadnavis maharashtra news mumbai auto rickshaw and taxi western railway mega block