ગુજરાતીઓને રીઝવવા બીજેપીનું ડૅમેજ કન્ટ્રોલ

07 October, 2019 11:43 AM IST  |  મુંબઈ | મયૂર પરીખ

ગુજરાતીઓને રીઝવવા બીજેપીનું ડૅમેજ કન્ટ્રોલ

ગોરધન ઝડફિયા મુંબઈ

ગુજરાતી નેતાઓની છડેચોક ટિકિટ કાપીને આખેઆખા સમાજની ખફગી વહોરી લેનાર  ભારતીય જનતા પાર્ટી (બીજેપી) હવે પૂરેપૂરી રીતે ડૅમેજ કન્ટ્રોલ મોડમાં એવી ગઈ છે. સૌથી પહેલાં ગુજરાતી સમાજને પોતાની અસ્કયામત સમજી લઈને આ આખેઆખો સમુદાય ક્યાં જશે  એવું માનીને બીજેપીએ બીજેપીનું ડૅમેજ કન્ટ્રોલગુજરાતી નેતાગીરીને વિધાનસભાની ચૂંટણીમાં વેતરી નાખી. હવે જ્યારે ફૉર્મ ભરવાનો અને પાછાં ખેંચવાનો સમય પત્યો છે ત્યારે ગુજરાતી સમાજના આગેવાનોને સમજાવવાની પ્રક્રિયા પુરજોશમાં ચાલુ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિશ્વાસુ અને ઉત્તર પ્રદેશમાં લોકસભાની ચૂંટણી દરમ્યાન મહતત્ત્વપૂર્ણ જવાબદારી નિભાવનાર ગોરધન ઝડફિયાને મુંબઈના ગુજરાતી સમુદાયને સમજાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. 

ગોરધન ઝડફિયા અત્યારે મુંબઈમાં છે અને મુંબઈ સહિત આસપાસના વિસ્તારો તેમ જ નંદુરબાર, સોલાપુર, કોંકણ અને અન્ય વિસ્તારોમાં ગુજરાતી આગેવાનો સાથે ચર્ચા કરવાના છે. મુંબઈ આગમનના પહેલા જ દિવસે ગોરધન ઝડફિયા બીજેપીના નારાજ ધારાસભ્ય અને ભૂતપૂર્વ ગૃહનિર્માણ પ્રધાન પ્રકાશ મહેતાના નિવાસસ્થાને પહોંચી ગયા હતા. ત્યાં તેમણે પ્રકાશ મહેતા સાથે ચર્ચા કરીને તેમને બીજેપી માટે પ્રચાર કરવાનો આગ્રહ કર્યો હતો. બેઠક દરમ્યાન પ્રકાશ મહેતાએ તેમની ઓળખાણ ઘાટકોપરના ગુજરાતી સમાજના આગેવાનો સાથે કરાવી હતી. આ બેઠક બાદ ઘાટકોપરમાં તેમણે એક સમાજની બંધબારણે બેઠક યોજી હતી જેમાં મંચ પરથી ભાષણ પણ આપ્યું હતું. ગોરધન ઝડફિયાનો ટાર્ગેટ માત્ર ને માત્ર ગુજરાતી સમુદાય છે એથી આગામી દિવસો દરમ્યાન તેઓ દરેક સમાજના આગેવાનો સાથે અને સમાજમાં પ્રભુત્વ ધરાવતી મહત્ત્વની વ્યક્તિઓ સાથે બંધબારણાની મીટિંગોમાં તેમ જ સામાજિક મેળાવડાઓમાં વ્યસ્ત રહેવાના છે. 

ઘાટકોપર ઉપરાંત તેઓ ઉત્તર મુંબઈ પણ જવાના છે. બીજેપીના આ ડૅમેજ કન્ટ્રોલ પ્લાન વિશે જ્યારે બીજેપીના પ્રવક્તા ભાલચંદ્ર શિરસાટને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે ચૂંટણી નજીક આવતાં આસપાસનાં રાજ્યોના મોટા નેતાઓ સ્વાભાવિક રીતે  પ્રચાર માટે આવે છે. આ પ્રકારની બેઠકો દરેક ચૂંટણી વખતે થતી જ હોય છે. અમને અપેક્ષા છે કે ગોરધન ઝડફિયા આવવાથી માહોલ સુધરશે. પોતાની મીટિંગો સંદર્ભે ગોરધન ઝડફિયાએ જણાવ્યું હતું કે ‘બધું જ સલામત છે. બીજેપીએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી.’  જોકે આખા મામલામાં પ્રકાશ મહેતા સાથે વાતચીત નહોતી થઈ શકી. 

આ પણ જુઓઃ જુઓ કેટરિના કૈફ જેવી દેખાય છે આ બિગ-બૉસ 13ની કન્ટેસ્ટન્ટ

ઉલ્લેખનીય છે કે ગુજરાતી સમુદાયના વોટ પર દારોમદાર રાખતી બીજેપીએ આ વિધાનસભાની ચૂંટણીમાં ઘાટકોપરથી પ્રકાશ મહેતાને ટિકિટ આપી નથી, જ્યારે બોરીવલી અને દહિસર જેવા ગુજરાતી બહુમતી વિસ્તારોમાં મરાઠી માણૂસને ટિકિટ આપી છે એને કારણે ગુજરાતી સમુદાયમાં ઉપેક્ષાની લાગણી પ્રસરી છે. હવે જોવાનું એ રહે છે કે બીજેપીનું ડૅમેજ કન્ટ્રોલ કેટલું કામ આવે છે.

mumbai bharatiya janata party congress