પોતાની દુકાનના નામની જાહેરાતનું ગ્લો સાઇન બોર્ડ જાહેરાત નથી

02 August, 2022 10:21 AM IST  |  Mumbai | Rohit Parikh

મૅજિસ્ટ્રેટ કોર્ટે આવો આદેશ આપીને વર્ષોથી વેપારીઓ અને સુધરાઈ વચ્ચે લાઇસન્સ ફીને લઈને ચાલી રહેલા ઝઘડાનો અંત આણ્યો

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ-દાદરની શિંદેવાડી મેટ્રોપૉલિટન મૅજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા ગુરુવાર ૨૮ જુલાઈઅે તાડદેવના તાડદેવ લંચ હોમ (ચાઇના લૅન્ડ હોટેલ)ના માલિક ભાસ્કર શેટ્ટીને મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન ઍકટ, ૧૮૮૮ની કલમ ૩૨૮(અ)ની જોગવાઈઓના ઉલ્લંઘન કરવાના ગુનામાંથી મુક્ત કરવામાં આવતાં મુંબઈના હોટેલો અને દુકાનદારોને મહાનગરપાલિકાના લાઇસન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવતી કનડગતમાંથી બહુ મોટી રાહત મળી છે. કોર્ટના આ આદેશ પ્રમાણે હવે દુકાનદારો કે હોટેલોને તેમની દુકાન પર લગાડવામાં આવતા ગ્લો સાઇન બોર્ડ માટે મુંબઈ મહાનગરપાલિકાના લાઇસન્સની જરૂર રહેતી નથી.

આ મામલો એવો બન્યો હતો કે તાડદેવની ચાઇના લૅન્ડ હોટેલ પર લગાડવામાં આવેલા હોટેલના નામના ૧૨x૪ ફીટના ગ્લો સાઇન બોર્ડને મુંબઈ મહાનગરપાલિકાના ડી વૉર્ડના લાઇસન્સ ડિપાર્ટમેન્ટે નામના બોર્ડને જાહેરાતનું બોર્ડ કહીને હોટેલના માલિક ભાસ્કર શેટ્ટી પર કાયદાકીય કાર્યવાહી કરી હતી. આ બાબતને ભાસ્કર શેટ્ટીઅે કોર્ટમાં પડકારી હતી. પાંચ વર્ષની લાંબી લડત બાદ ભાસ્કર શેટ્ટીને દાદરની શિંદેવાડી મેટ્રોપૉલિટન મૅજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા ગુરુવાર, ૨૮ જુલાઈઅે તાડદેવના તાડદેવ લંચ હોમ (ચાઇના લૅન્ડ હોટેલ)ના માલિક ભાસ્કર શેટ્ટીને મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન ઍક્ટ, ૧૮૮૮ની કલમ ૩૨૮(અ)ની જોગવાઈઓના ઉલ્લંઘન કરવાના ગુનામાંથી મુક્ત કરવામાં આવ્યો હતો અને મહાનગરપાલિકાઅે તેની સામે કરેલા બધા આક્ષેપો પાછા ખેંચવામાં આવ્યા હતા.

મૅજિસ્ટ્રેટ કોર્ટના આ આદેશ તમામ શંકાઓને દૂર કરે છે અને આનાથી સાડાપાંચ લાખ દુકાનદારો/ ઑફિસો/ રેસ્ટોરન્ટ્સ/ થિયેટર/ મૉલ અને મૉલની અંદરની દુકાનોને અને તમામ મહાનગરપાલિકાના લાઇસન્સધારકોને ફાયદો થશે કે જેઓ તેમના નામનું ગ્લો સાઇન બોર્ડ મુંબઈમાં મૂકે છે. આ માહિતી આપતાં ફેડરેશન ઑફ રીટેલ ટ્રેડર્સ વેલ્ફેર અસોસિએશનના અધ્યક્ષ વિરેન શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે મહાનગરપાલિકાના લાઇસન્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓથી લઈને મહાનગરપાલિકાના કમિશનર સુધી આ મુદ્દે ઘણાં વર્ષોથી બેઠકો કરી રહ્યા છીઅે. અમારી સાથેની દરેક મીટિંગમાં અમને સંબંધિત અધિકારીઓ તરફથી વચન આપવામાં આવ્યાં છે અને તેઓ સંમત થયા છે કે દુકાનો પર લગાડવામાં આવતા નામના ગ્લો સાઇન બોર્ડને જાહેરાત તરીકે ગણી શકાય નહીં અને એના પર મહાનગરપાલિકાની કલમ ૩૨૮(અ) હેઠળ લાઇસન્સ ફી વસૂલવી જોઈઅે નહીં. પરંતુ લાઇસન્સ વિભાગના અધિકારીઓએ હંમેશાં આનું ખોટું અર્થઘટન કર્યું છે. તેઓ હંમેશાં આઇસીઆઇસીઆઇ બૅન્ક અને મુંબઈ મહાનગરપાલિકા વચ્ચે આપવામાં આવેલા સુપ્રીમ કોર્ટના આદેશનું ઉદાહરણ આપીને દુકાનદારોને હેરાન કરતા હોય છે. જ્યારે કોર્ટનો આદેશ બૅન્કના અેટીઅેમ સંબંધિત હતો. કોર્ટે તેમના આદેશમાં એ પણ સ્પષ્ટ કર્યું હતું કે નામ ઓળખવા માટેનું એક બોર્ડ કે જે ઇલ્યુમિનેટેડ નેમ બોર્ડને જાહેરાત તરીકે ગણવામાં આવવું જોઈએ, પરંતુ એ બાબત એટીએમ બોર્ડ માટે હતી. આમ છતાં મહાનગરપાલિકાના અધિકારીઓે આ આદેશનું તેમની રીતે જ અર્થઘટન કરતા રહ્યા છે. મહાનગરપાલિકા હંમેશાં ખોટું અર્થઘટન કરતી આવી છે અને કલમ ૩૨૮(અ) હેઠળ અત્યાર સુધીમાં દુકાનદારો સામે હજારો ફોજદારી કેસ દાખલ કર્યા છે  અને દુકાનના માલિકોને મૅજિસ્ટ્રેટ કોર્ટમાં લઈ ગયા છે. ઘણી વખત દુકાનદારો ફોજદારી કેસોને ટાળવા માટે લાંચ આપીને મામલાને સેટલ કરતા હોય છે. આથી મહાનગરપાલિકાનો લાઇસન્સ ડિપાર્ટમેન્ટ દુકાનદારોમાં કોર્ટનો, ફોજદારી કલમનો અને દંડાત્મક કાર્યવાહીનો ડર પેદા કરીને દુકાનદારો પાસેથી પૈસા ઓકાવતા રહ્યા છે.’

અમારું અસોસિઅેશન ઘણાં વર્ષોથી આ મુદ્દે લડી રહ્યું છે. અે જાણકારી આપતાં વીરેન શાહે કહ્યું હતું કે ‘અમારી સાથે લેખિતમાં સ્પષ્ટતા અને અધિકારીઓ સાથે વ્યક્તિગત મીટિંગ પછી પણ લાઇસન્સ વિભાગના અધિકારીઓ કોર્ટના આદેશનું ખોટું અર્થઘટન કરીને દુકાનદારોને હેરાન કરવાનું ચાલુ રાખે છે. હવે દાદરની શિંદેવાડી કોર્ટે એના આદેશમાં તમામ શંકાઓને દૂર કરીને દુકાનદારોને ગ્લો સાઇન બોર્ડના મુદ્દે બહુ મોટી રાહત આપી છે, જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે વેપાર સંબંધિત દુકાન/વ્યવસાયમાં ગ્લો સાઇન બોર્ડ માટે મહાનગરપાલિકાના લાઇસન્સની જરૂર નથી.’

સુધરાઈનો શું નિયમ છે?
મહાનગરપાલિકાનો નિયમ કહે છે કે ૨૫ વૉટથી વધુનો બલ્બ અથવા ટ્યુબલાઇટ ધરાવતાં કોઈ પણ સાઇન બોર્ડ પર લાઇસન્સ ફી વસૂલવી જોઈએ, કારણ કે એ જાહેરાતની શ્રેણી હેઠળ આવે છે. કોઈ પણ ગ્લો વગરનાં બોર્ડ આ કૅટેગરીમાં આવતાં નથી. મહાનગરપાલિકાઅે જાન્યુઆરી ૨૦૦૪ની સાલમાં આ બાબતનો ઠરાવ પસાર કર્યો હતો. આ ઠરાવ મુજબ વધુમાં વધુ ત્રણ મીટર બાય એક મીટરનાં ગ્લો સાઇન બોર્ડ ધરાવતી દુકાનોને લાઇસન્સ ફીમાંથી મુક્તિ મળવી જોઈએ જેનો દુકાનદારો અને વેપારી સંગઠનોઅે સખત વિરોધ કર્યો હતો.    

mumbai mumbai news rohit parikh