મોદીના નામે ચૂંટાયેલાં ગીતા જૈન શિવસેનામાં

25 October, 2020 11:27 AM IST  |  Mumbai | Mumbai correspondent

મોદીના નામે ચૂંટાયેલાં ગીતા જૈન શિવસેનામાં

માતોશ્રીમાં ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં શિવસેનામાં પ્રવેશ કરનારા વિધાનસભ્ય ગીતા જૈન, ગિલ્બર્ટ મેન્ડોન્સા અને પ્રતાપ સરનાઈક.

મીરા-ભાઈંદરનાં અપક્ષ વિધાનસભ્ય ગીતા જૈને ગઈ કાલે માતોશ્રીમાં જઈને ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં શિવસેનામાં પ્રવેશ કર્યો હતો. ૨૦૧૯માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીનાં નગરસેવિકા હોવા છતાં પક્ષ સામે બળવો કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. નરેન્દ્ર મોદી અને બીજેપીને નામે મત માગતા લોકોએ તેમને ખોબલે ખોબલે મત આપીને વિજયી બનાવ્યાં હતાં. વિજયી થયા બાદ ગીતા જૈને કાયમ બીજેપીમાં રહીને કામ કરવાનું કહ્યું હતું, પરંતુ તેમણે અચાનક શિવસેનામાં સામેલ થઈને વિશ્વાસઘાત કર્યો હોવાનું લોકો કહી રહ્યા છે.
ગીતા જૈન કૉન્ગ્રેસમાંથી બીજેપીમાં પ્રવેશ કરીને ૨૦૧૨માં મીરા-ભાઈંદરનાં મેયર બન્યાં હતાં. બાદમાં બીજેપીના ટોચના નેતા અને વિધાનસભ્ય નરેન્દ્ર મહેતા સાથે મતભેદ થતાં તેમણે પક્ષમાં રહીને બળવો કરીને ૨૦૧૯ની વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીના સત્તાવાર ઉમેદવાર નરેન્દ્ર મહેતા સામે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. સ્થાનિક રહેવાસીઓ ભ્રષ્ટાચાર સહિતના કેટલાક કારણથી નરેન્દ્ર મહેતાથી નારાજ હતા અને ગીતા જૈને કાયમ બીજેપીમાં રહેવાનું કહેવાની સાથે નરેન્દ્ર મોદી મારા નેતા છે એમ કહીને મત માગ્યા હતા. લોકો તેની વાતમાં આવી ગયા હતા અને વિજયી બનાવ્યા હતા.
શુક્રવારે જ્યારે ગીતા જૈન શિવસેનામાં જોડાઈ રહ્યા હોવાના સમાચાર વહેતા થયા હતા ત્યારે મીરા-ભાઈંદરમાં ચર્ચા જામી હતી કે નરેન્દ્ર મોદી અને બીજેપીને નામે ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ તેઓ શિવસેનામાં જોડાઈ રહ્યાં હોય તો તે લોકો સાથેનો વિશ્વાસઘાત છે. સોશ્યલ મીડિયામાં તેમના આ નિર્ણય સામે ભારે નારાજગીના મૅસેજ વહેતા થયા હતા.
શિવસેનામાં પ્રવેશ કર્યા બાદ ગીતા જૈને પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે અપક્ષ ચૂંટાયા બાદ મેં બીજેપીના સ્થાનિક નેતાઓ સાથે મળીને કામ કરવાની એકથી વધુ વખત ઑફર આપી હતી, પરંતુ તેમના કે રાજ્યના વરિષ્ઠ નેતાઓ તરફથી યોગ્ય જવાબ નહોતો મળ્યો. બીજી તરફ, આદિત્ય ઠાકરે, સંસદસભ્ય રાજન વિચારે, એકનાથ શિંદે વગેરેએ આગ્રહ કરતા શહેરના હિત માટે મેં શિવસેનામાં પ્રવેશ કરવાનો નિર્ણય લીધો છે.

bharatiya janata party shiv sena