31 July, 2025 06:56 AM IST | Mumbai | Rajendra B Aklekar
ઘાટકોપરના રેલવે ફુટ ઓવર બ્રિજ પરની તૂટેલીફૂટેલી ટાઇલ્સ. તસવીરો : રાજેન્દ્ર બી. અકલેકર
ઘાટકોપર સ્ટેશન પર લોકલ અને મેટ્રો એમ બન્નેના પ્રવાસીઓની સતત અવરજવર રહેતી હોય છે. ઘાટકોપરના ફુટઓવર બ્રિજ પર ત્રણ મહિના પહેલાં લગાડવામાં આવેલી ટાઇલ્સમાંથી ઘણી ટાઇલ્સ ઊખડી જતાં, તૂટી જતાં, ઢીલી પડી જતાં પ્રવાસીઓ સામે જોખમ ઊભું થયું છે. એમાં પાછી હાલ મૉન્સૂનની સીઝન હોવાને કારણે પ્રવાસીઓએ બહુ જ ધ્યાન રાખીને ચડ-ઊતર કરવું પડે છે.
આ બ્રિજના રિનોવેશનનું કામ વર્ષની શરૂઆતમાં પૂરું થયું હતું. જોકે એમ છતાં કેટલાક ભાગમાં કામ નહોતું થયું. એથી આ બાબતે આ રિપોર્ટર દ્વારા ડિવિઝનલ રેલવે મૅનેજરની ઑફિસમાં જાણ કરાયા બાદ એ કામ પૂરું કરવામાં આવ્યું હતું.
આકાશ કોઠારી નામના પ્રવાસીએ કહ્યું હતું કે ‘ફુટઓવર બ્રિજ હાલમાં જ રિનોવેટ કરવામાં આવ્યો છે, પણ એની ડિઝાઇનમાં પણ થીગડાં મરાયાં છે અને કામ પણ સાધારણ કક્ષાનું કરાયું છે. રેલવે આટલા બધા પૈસા ખર્ચે છે, પણ એ ક્યાં જાય છે એનો કોઈ ટ્રૅક રાખે છે ખરું?’
અન્ય એક પ્રવાસીએ કહ્યું હતું કે ‘આટલી મોટી સંસ્થા (રેલવે) દ્વારા ઇન્સ્પેક્શન કે કેવું કામ થયું છે એની ક્વૉલિટી ચેક કરાવામાં નથી આવતી એ જોઈને હસવું આવે છે.’
બીજા એક પ્રવાસી જૈનમ શાહે કહ્યું હતું કે ‘આખો ફુટઓવર બ્રિજ તૂટેલો છે. બધી ટાઇલ્સ સિમેન્ટ સાથે બહાર આવી ગઈ છે. બહુ ખરાબ પરિસ્થિતિ છે.’
રેલવેનું શું કહેવું છે?
ફુટઓવર બ્રિજની આ સમસ્યા બાબતે રેલવેના ઑફિસરે કહ્યું હતું કે ‘આ ગ્રેનાઇટ બેસાડવાનું કામ રાતે ઝડપથી કરાયું હતું અને એ પછી સવારે તો પ્રવાસીઓ માટે બ્રિજ ખુલ્લો મૂકી દેવાયો હતો. એથી એ ગ્રેનાઇટ પ્રૉપર્લી સેટ થઈ શકે એટલો સમય જ મળ્યો નહોતો. અમે આ સમસ્યા હવે ટૂંક સમયમાં સુધારી લઈશું.’