ઘાટકોપરના સિનિયર સિટિઝનને એમટીએનએલનો વરવો અનુભવ

10 February, 2020 12:30 PM IST  |  Mumbai Desk

ઘાટકોપરના સિનિયર સિટિઝનને એમટીએનએલનો વરવો અનુભવ

પ્રવીણ ગડા બિલ, ફોર્મ અને ચેક સાથે

એમટીએનલમાં સ્ટાફની અછતના કારણે અનેક મુશ્કેલીઓ સર્જાઈ રહી છે, જેનો વરવો અનુભવ ઘાટકોપરના કચ્છી સિનિયર સિટિઝન પ્રવીણ ગડાને થયો છે.

ઘાટકોપર-ઈસ્ટમાં સ્ટેશન પાસેના પટેલ ચોક પાસેની શિવશક્તિ હાઇટસમાં રહેતા ૬૮ વર્ષના પ્રવીણ ગડા ઉંમરને કારણે દર મહિને એમટીએનએલનું બિલ ભરવા ન જવું પડે એ માટે એમટીએનએલની જ વૉલેન્ટરી ડિપોઝિટ સ્કીમ હેઠળ એકસાથે ૨૫૦૦ રૂપિયા ભરવાના ઇરાદે ઘાટકોપરની જ હિંગવાલા લેનમાં આવેલી એમટીએનએલની ઑફિસેથી શનિવારે ૧ ફેબ્રુઆરીએ ફોર્મ લઈ આવ્યા હતા. તેમના અનુભવ વિશે ‘મિડ-ડે’ને જણાવતા તેમણે કહ્યું હતું કે સોમવારે એ ફોર્મ ભરી સાથે ૨૫૦૦ રૂપિયાનો ચેક લઈ જ્યારે એમટીએનએલની ઑફિસે પહોંચ્યો તો મને આંચકો લાગ્યો હતો, કારણકે ત્યાંના સ્ટાફે તેમનો વૉલેન્ટરી ડિપોઝિટની સ્કીમ હેઠળ ચેક સ્વીકારવાની ના પાડી દીધી હતી. તેમને હાજર સ્ટાફે કહ્યું હતું કે હાલ અમારી પાસે એ સ્કીમ માટે કમ્પ્યુટરમાં લોગ ઇન કરે એ સ્ટાફ નથી. હજી આઠેક દિવસ એ સ્ટાફ આવે કે કેમ એ પણ નક્કી નથી. અમને એનો પાસવર્ડ જ અપાતો નથી એથી અમે તમને કોઈ મદદ નહીં કરી શકીએ. એથી તેમની સાથે જીભાજોડી થઈ હતી, પણ સ્ટાફે તેમને કહ્યું કે સાહેબ અમે આમાં કાંઈ ન કરી શકીએ, તમારે જેને ફરિયાદ કરવી હોય તેને કરો. પ્રવીણ ગડાનું કહેવું હતું કે એક તો એમટીએનએલ પાસે ધંધો નથી. હું સામેથી તેમને ડિપોઝિટ આપવા માગું છું તો આ લોકો લેતા નથી, મારે શું કરવું?

આ બાબતે જ્યારે ‘મિડ-ડે’ દ્વારા હિંગવાલા લેનની એમટીએનલની ઑફિસમાં જઈને જાણવાનો પ્રયાસ કરાયો ત્યારે ત્યાંના ક્લર્કે કહ્યું હતું કે ડે ટુ ડે એક્ટિવિટી એટલે કે બિલ પેમેન્ટ અમે ઑનલાઇન સ્વીકારી રહ્યા છીએ, પરંતુ વૉલેન્ટરી ડિપોઝિટ સ્કીમ માટે અમારી પાસે પાસવર્ડ નથી, કારણ કે એનો પાસવર્ડ ચોક્કસ સ્ટાફને જ અપાય છે. ૩૧મીએ મોટાભાગનો સ્ટાફ નિવૃત્ત થઈ ગયો છે. નવા સ્ટાફની અહીં નિમણૂકમાં વાર લાગશે, પણ કેટલી વાર લાગશે એ વિશે અમે કશું કહી ન શકીએ, અમે પણ જાણીએ છીએ કે સિનિયર સિટિઝનોને તેનાથી હાડમારી ઉઠાવવી પડે છે, પણ અમે અમારા બનતા પ્રયાસ કરીએ છીએ, પણ જ્યાં અમને ઑથોરિટી જ ન હોય તો એ કામ કઈ રીતે કરી શકીએ? લોકો અમારી પણ મુસીબત સમજે.

ghatkopar mumbai mumbai news mtnl