બેફામ ટીનેજ ડ્રાઇવરે યંગ પટેલ દંપતીની બાઇકને મારી ઑલમોસ્ટ જીવલેણ ટક્કર

08 February, 2026 07:44 AM IST  |  Mumbai | Rohit Parikh

ઘાટકોપરની આંચકાજનક ઘટના : ધ્રુમિલ પટેલ વેન્ટિલેટર પર, પત્ની મીનળની હાલત પણ ગંભીર

ધ્રુમિલ પટેલ અને તેની પત્ની મીનળ, ધ્રુમિલની મોટરબાઇક અને અકસ્માત બાદ દીવાલ સાથે અથડાઈ જતાં ફુરચેફુરચા થઈને ઊડેલી ભૂષણ પરિવારની કાર.

ઘાટકોપર-વેસ્ટની એલચીવાડીમાં રહેતો ૩૩ વર્ષનો ધ્રુમિલ પટેલ અને તેની પત્ની મીનળ ગુરુવારે રાતના અંદાજે ૧૧.૪૫ વાગ્યે તિલકનગર રેલવે ટર્મિનસથી મોટરબાઇક પર ઘરે જઈ રહ્યાં હતાં ત્યારે સામેથી આવી રહેલી એક કારે બાઇકને ટક્કર મારતાં પટેલ દંપતીને માથા અને શરીર પર ગંભીર ઈજા થઈ હતી. આ દંપતી અત્યારે ઘાટકોપર-વેસ્ટની ઝાયનોવા હૉસ્પિટલમાં જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યું છે. આ ઘટનાથી ધ્રુમિલનાં પંચાવન વર્ષનાં માતા પ્રતીક્ષા પટેલ આઘાતમાં સરી પડ્યાં છે. સૌથી નવાઈની વાત તો એ છે કે અકસ્માતના ૩ દિવસ પછી પણ તિલકનગર પોલીસે હજી સુધી ટીનેજ કાર-ડ્રાઇવરની ધરપકડ કરી નથી.

આ બનાવને નજરે જોનારા વિદ્યાવિહારના સ્થાનિક રહેવાસી યુવાનોએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મોટરબાઇક પર ઘાટકોપર તરફ જઈ રહેલા આ દંપતી સામે એક કાર મોત બનીને ધસી આવી હતી. કારની સ્પીડ ૧૦૦ કિલોમીટરથી વધુ હતી. એમાં બે ટીનેજર હતા. તેમની કાર પટેલદંપતીની મોટરબાઇક સાથે એટલા જોરથી અથડાઈ હતી કે પટેલ દં‌પતી અંદાજે ૫૦ ફુટ ઊછળીને દૂર રસ્તા પડ્યું હતું. ટીનેજ કાર-ડ્રાઇવરે કન્ટ્રોલ ગુમાવતાં કાર પણ નજીકની દીવાલ સાથે જોરદાર અથડાઈ હતી અને એના આગળના ભાગના ફુરચેફુરચા ઊડી ગયા હતા. જોકે બન્ને જાણે કંઈ બન્યું જ ન હોય એમ કારમાંથી બહાર આવીને કાર પાસે પ્રેક્ષક બનીને ઊભા રહી ગયા હતા. અમે લોકોએ તે બન્નેને પકડીને પોલીસને સોંપી દીધા હતા અને પહેલાં જીવલેણ ઈજા પામેલા દંપતીને હૉસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા.’

ધ્રુમિલ તેનાં માતા-પિતાનો એકનો એક પુત્ર છે. તેના પિતાના મૃત્યુ પછી તેના પર સંપૂર્ણ ઘરની જવાબદારી છે એમ જણાવતાં ધ્રુમિલના એક રિલેટિવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ધ્રુમિલનાં મીનળ સાથે ૪ વર્ષ પહેલાં જ લગ્ન થયાં છે. તે અત્યારે લોઅર પરેલમાં પ્લાયવુડની રીટેલ શૉપ સંભાળે છે. તેના અકસ્માતથી તેની માતા પર આભ તૂટી પડ્યું છે. ધ્રુમિલ હૉસ્પિટલમાં વેન્ટિલેટર પર છે, જ્યારે તેની પત્નીની હાલત પણ અત્યંત ગંભીર છે. અમને મળેલી માહિતી પ્રમાણે ટીનેજરો તિલકનગરમાં રહે છે અને તેમના પિતા બિલ્ડર છે. પોલીસે ગઈ કાલ સુધી કોઈની ધરપકડ કરી નથી. પોલીસ કહે છે કે અમે કાયદા મુજબ કાર્યવાહી કરી રહ્યા છીએ.’

mumbai news mumbai ghatkopar road accident gujaratis of mumbai gujarati community news Crime News mumbai crime news