23 June, 2026 02:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઘાટકોપર પોલીસ-સ્ટેશનમાં અપર્ણાને દાગીના પાછા આપવામાં આવ્યા હતા.
ઘાટકોપર પોલીસે એક સતર્ક અને ત્વરિત કાર્યવાહી દ્વારા પ્રામાણિકતા અને ફરજનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. અંધેરીથી ઘાટકોપર રિક્ષામાં આવતી વખતે ઘાટકોપરમાં રહેતાં અપર્ણા નિકમ પોતાના ૮ લાખ રૂપિયાની કિંમતના સોનાના દાગીના શનિવારે સાંજે રિક્ષામાં ભૂલી ગયાં હતાં. એની માહિતી ઘાટકોપર પોલીસને મળતાં CCTV કૅમેરાનાં ફુટેજ તપાસીને તેમ જ ટેક્નિકલ તપાસના આધારે રિક્ષા-ડ્રાઇવરને રવિવારે શોધી કાઢીને તમામ દાગીના મહિલાને હેમખેમ પાછા આપ્યા હતા. વર્ષોની મહેનત અને કમાણીમાંથી ખરીદેલા દાગીના પાછા મળતાં નિકમ પરિવારે પોલીસનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. ઘાટકોપર પોલીસની આ શાનદાર કામગીરીની સોશ્યલ મીડિયા પર પ્રશંસા થઈ હતી.
ઘાટકોપર પોલીસ-સ્ટેશનનાં અસિસ્ટન્ટ પોલીસ-ઇન્સ્પેક્ટર રીના લોહારે
‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શનિવારે સાંજે અપર્ણા નિકમ નામનાં મહિલા અંધેરીથી રિક્ષામાં ઘાટકોપરના જાગૃતિનગર મેટ્રો સ્ટેશન આવ્યાં હતાં. પ્રોગ્રામમાં જઈને પાછાં આવતાં હોવાથી તેમણે દાગીના ચોરાઈ જશે એવા ડરથી આશરે ૮ લાખ રૂપિયાની કિંમતના ૬ તોલા દાગીના પોતાની બૅગની અંદર રાખ્યા હતા. જોકે જાગૃતિનગર ખાતે ઉતાવળમાં ઊતરતી વખતે તેઓ દાગીના ભરેલી બૅગ રિક્ષામાં જ ભૂલી ગયાં હતાં. ઘરે પહોંચ્યા પછી તેમને ભાન થયું કે બૅગ રિક્ષામાં જ રહી ગઈ છે. જીવનભરની મૂડી આ રીતે ગુમાવવાને કારણે અપર્ણા અને તેમનો પરિવાર ભારે આઘાતમાં સરી પડ્યાં હતાં. તેમણે તાત્કાલિક અમારી પાસે આવીને સમગ્ર ઘટનાની વિગતવાર માહિતી આપી હતી. એના આધારે ઘટનાની ગંભીરતાને સમજીને અમે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. ફરિયાદી મહિલા રિક્ષામાંથી જ્યાં નીચે ઊતર્યાં હતાં એ વિસ્તારમાં તો CCTV કૅમેરા નહોતા એટલે અમે અંધેરીથી ઘાટકોપરના રૂટ પરના તમામ CCTV કૅમેરાનાં ફુટેજ ખૂબ જ બારીકાઈથી તપાસ્યાં હતાં. પ્રાથમિક તપાસમાં CCTV કૅમેરાના ફુટેજમાં રિક્ષાનો નંબર ઘણો અસ્પષ્ટ દેખાતો હતો. એમ છતાં આખરે રવિવારે સવારે તે રિક્ષામાલિકનો પત્તો મેળવી લીધો હતો. જોકે તેની રિક્ષા તેણે ભાડા પર એક ડ્રાઇવરને આપી હોવાનું માલૂમ પડતાં અમે અંધેરીમાં રહેતા ડ્રાઇવર સુધી પહોંચ્યા હતા અને તમામ દાગીના તેની પાસેથી પાછા મેળી લીધા હતા. આ કેસમાં તમામ ગુમ થયેલા દાગીના અપર્ણાને પાછા આપી દીધા છે.’