જૂના ઝઘડાનો ખાર રાખીને સાસુએ કરી પુત્રવધૂની હત્યા

19 August, 2026 07:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઘાટકોપરની ઘટના : પહેલાં કહ્યું કે બાથરૂમમાં લપસી પડી, પણ પોસ્ટમૉર્ટમે જુઠ્ઠાણું પકડી પાડ્યું

પ્રતીકાત્મક તસવીર

ઘાટકોપર-ઈસ્ટના લક્ષ્મીનગર વિસ્તારમાં ત્રિવેણી અપાર્ટમેન્ટમાં રહેતી ૩૫ વર્ષની પુત્રવધૂ સપના ગંજીની નિર્મમ હત્યા કરવાના આરોપમાં પંતનગર પોલીસે તેની ૬૦ વર્ષની સાસુ ધનલક્ષ્મી ગંજીની સોમવારે સાંજે ધરપકડ કરી હતી. રવિવારે રાતે બનેલી આ ઘટનાને અકસ્માતનું રૂપ આપવા માટે સાસુ ધનલક્ષ્મીએ શરૂઆતમાં એવો દાવો કર્યો હતો કે સપના બાથરૂમમાં પગ લપસી જવાથી પડી ગઈ હતી અને તેને ઈજા થઈ હતી. જોકે સપનાની મમ્મીની એક શંકા અને પોલીસની ઊંડી પૂછપરછ દરમ્યાન સપનાના શરીર પર ઈજાનાં નિશાનોને કારણે સાસુનું આ નાટક ખુલ્લું પડી ગયું હતું. પોલીસ આ કેસમાં શું બન્યું હતું એ જાણવા માટે હાલમાં સામે આવેલા પુરાવાના આધારે વધુ 

તપાસ કરી રહી છે તેમ જ સપનાનાં મમ્મી-પપ્પાનાં સ્ટેટમેન્ટ્સ નોંધવામાં આવ્યાં છે. પંતનગર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રવિવારે રાતે ૧૦ વાગ્યે સાસુ ધનલક્ષ્મીએ આજુબાજુના લોકોની મદદ માગી હતી અને દાવો કર્યો હતો કે સપના બાથરૂમમાં પડી જતાં બેભાન થઈ ગઈ છે. ત્યાર બાદ પાડોશીઓની મદદથી સપનાને રાજાવાડી હૉસ્પિટલ લાવવામાં આવી હતી, પરંતુ ત્યાં પહોંચતાં જ ડૉક્ટરે તેને મૃત જાહેર કરી હતી. આ દરમ્યાન સપનાના પપ્પા રાજેન્દ્ર અને મમ્મી અંબિકા રાજાવાડી ખાતે સપનાના મૃતદેહ નજીક પહોંચ્યાં ત્યારે તેમણે સપનાના માથાના પાછળના ભાગમાં થયેલી ગંભીર ઈજા તેમ જ શરીરના અન્ય ભાગો પરનાં નિશાનો વિશે અમને જાણ કરી હતી, જેના આધારે અમે વધુ તપાસ શરૂ કરી હતી. એની સાથે જ બીજા દિવસે સવારે થયેલા પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાંથી પણ મહત્ત્વની માહિતી સામે આવતાં આ હત્યા જ હોવાની ખાતરી થઈ હતી.’

શું બન્યું હતું રવિવારે રાતે?
પંતનગર પોલીસ-સ્ટેશનનાં સિનિયર ઇન્સ્પેક્ટર લતા સુથારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હત્યા થઈ હોવાની ખાતરી થતાં અમે ઊંડાણપૂર્વક તપાસ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે સાંજે ૭ વાગ્યે સપના અને તેની સાસુ ધનલક્ષ્મી વચ્ચે ઘરકંકાસને કારણે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બોલાચાલી દરમ્યાન આવેશમાં આવીને ધનલક્ષ્મીએ સપનાને થપ્પડો મારીને ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાના ઇરાદાથી તેને જોરથી ધક્કો માર્યો હતો. ધક્કો વાગવાથી સપના બાથરૂમમાં પટકાઈ હતી અને તેના માથાના પાછળના ભાગમાં ગંભીર ઈજા થઈ હતી. આ ઘટના બાદ સાસુ તેને એ જ હાલતમાં છોડીને જતી રહી હતી અને રાત્રે ૧૦ વાગ્યે પાછી આવીને પાડોશીઓની મદદથી તેને હૉસ્પિટલમાં લઈ ગઈ હતી, જ્યાં ડૉક્ટરોએ સપનાને મૃત જાહેર કરી હતી. આ હત્યા પાછળ જૂની કૌટુંબિક અદાવત જવાબદાર હતી. ૨૦૨૪માં સપનાએ તેનાં સાસરિયાં સામે નાલાસોપારા પોલીસ-સ્ટેશનમાં શારીરિક અને માનસિક ત્રાસ તેમ જ ઘરેલુ હિંસાનો કેસ નોંધાવ્યો હતો. આ ફરિયાદનો ગુસો સાસુના મનમાં હતો. બાદમાં સમાધાન થતાં સપના ફરી સાસરે રહેવા આવી હતી, પરંતુ સાસુના મનમાં રહેલી અદાવત ઓછી થઈ નહોતી. સપનાના પિતા રાજેન્દ્ર વલ્લાલની ફરિયાદના આધારે સાસુ ધનલક્ષ્મી ગંજીની ધરપકડ કરવામાં આવી છે.’

mumbai news mumbai ghatkopar murder case Crime News mumbai crime news mumbai police