19 September, 2025 07:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઘાટકોપર રેલવે-સ્ટેશનની બહાર એક પુરુષનો કચડાયેલો મૃતદેહ મળી આવતાં મુસાફરોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ગુરુવારે વહેલી સવારે ઘાટકોપર સ્ટેશન પહોંચનારા મુસાફરોએ સ્ટેશનની બહાર પડેલા મૃતદેહની જાણ ગવર્નમેન્ટ રેલવે પોલીસને કરી હતી. આ મામલે તપાસ કરતાં પોલીસને માહિતી મળી હતી કે આ વ્યક્તિનું મૃત્યુ JCB નીચે આવીને કચડાવાને કારણે થયું છે.
પોલીસે આપેલી માહિતી મુજબ બુધવારે રાતે દારૂના નશાની હાલતમાં એક પુરુષ ઘાટકોપર રેલવે-સ્ટેશનની બહાર ચાલતા કામ માટે મુકાયેલા JCB નીચે આવીને સૂઈ ગયો હતો. સવારે કામ પર આવેલા JCBના ડ્રાઇવરે આ માણસને જોયો નહીં અને ભૂલથી JCB ચાલુ કરીને ત્યાંથી નીકળ્યો ત્યારે JCB નીચે સૂતેલા માણસ પર એ ફરી વળ્યું હતું અને ગંભીર ઈજાને કારણે તેણે જીવ ગુમાવ્યો હતો. આ ઘટના બાદ JCBનો ડ્રાઇવર ડેડ-બૉડીને બાજુ પર મૂકી JCB લઈને ફરાર થઈ ગયો હતો. પોલીસે JCBના ડ્રાઇવર વિરુદ્ધ ગુનો નોંધીને તેની શોધ શરૂ કરી છે.