ઘાટકોપરના ટાવરમાં હાઈ ડ્રામા

19 February, 2020 07:40 AM IST  |  Mumbai | Jaydeep Gatrana

ઘાટકોપરના ટાવરમાં હાઈ ડ્રામા

વિન્ડોમાં ફસાઈ ગઈ નોકરાણી

ઘાટકોપર-ઈસ્ટના વિક્રાન્ત સર્કલ નજીકના બહુમાળી વસુંધરા બિલ્ડિંગ નજીક ગઈ કાલે હાઈ ડ્રામા જોવા મળ્યો હતો. ૧૧મા માળની ગૅલરીનો કાચ બહારના ભાગમાં સાફ કરવા ઊતરેલી ઘરકામ કરતી યુવતી સ્લાઇડિંગ વિન્ડો લૉક થઈ જતાં ફસાઈ ગઈ હતી. બિલ્ડિંગ નજીક ભેગા થયેલા લોકોને એક સમયે તો એવું લાગ્યું કે યુવતી આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી રહી છે, પણ ત્યાર બાદ ખબર પડી કે તે પોતે જ બચવાનો પ્રયાસ કરી રહી છે. જોકે પોલીસ અને ફાયરબ્રિગેડની મદદથી યુવતીને ઉગારી લેવાઈ હતી.

પંતનગર પોલીસ-સ્ટેશનનાં પીઆઇ રેણુકા બૂવાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ઘાટકોપર-ઈસ્ટમાં કામરાજનગરમાં રહેતી અને વસુંધરા બિલ્ડિંગના ૧૧મા માળે ઘરકામ કરતી ૧૯ વર્ષની યુવતી ગઈ કાલે સવારે ૧૦ વાગ્યે કામ માટે ગઈ હતી. યુવતી ફ્લૅટની બહારના કાચને સાફ કરવા માટે ગૅલરીમાં ઊતરી હતી, પણ સાફ કરતાં-કરતાં તેનાથી સ્લાઇડિંગ વિન્ડો લૉક થઈ ગઈ હતી. ઘણી મહેનત કર્યા છતાં સ્લાઇડિંગ વિન્ડો ન ખૂલતાં તે ગભરાઈ ગઈ હતી. યુવતીએ બહાર નીકળવા માટે ઘણાં હવાતિયાં માર્યાં હતાં અને ગભરાટમાં તેણે પોતાની લેગિંગ ઉતારીને એક હૂકમાં ભરાવીને બીજા ભાગમાં આવેલા બેડરૂમના પૅસેજમાં જવાનો પ્રયાસ પણ કર્યો હતો.’

‘નોકરાણીની આવી હરકત જોઈને નીચે એકઠા થયેલા લોકોને પહેલાં તો યુવતી આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી રહી હોવાનું જણાયું હતું એટલે અમને કૉલ આવ્યો હતો. અમને ઘટનાસ્થળે ચિત્ર જુદું જ દેખાયું હતું. આત્મહત્યા નહીં, પણ પોતે બચવા માટે ફાંફાં મારી રહી હોવાનું જોવા મળતાં અમે ૧૧મા માળે પહોંચીને ગ્રિલને કટ કરીને યુવતીને હેમખેમ ઉગારી લીધી હતી.’
વસુંધરા ટાવરના ૧૧મા માળેથી ફસાયેલી યુવતીને કારણે બિલ્ડિંગ નીચે એકઠા થયેલા લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા.

આ પણ વાંચો : એવું તે શું બન્યું કે ડાયમન્ડના જૈન વેપારી ધીરેન શાહે આત્મહત્યા કરી

બચવાનો પ્રયાસ કરતી યુવતીએ જોખમ ખેડીને ફ્લૅટના જ અન્ય પૅસેજમાં જવાનો પ્રયાસ કર્યો હતો, જે અત્યંત જોખમી હતું, પણ એવું કશું બન્યું નહોતું, કારણ કે એકઠા થયેલા લોકોએ પોલીસને જાણ કરતાં પોલીસ અને ફાયરબ્રિગેડે યુવતીને સમયસૂચકતા વાપરીને બચાવી લીધી હતી.

mumbai mumbai news ghatkopar jaydeep ganatra