હાર્ટ-અટૅક આવ્યા પછી અંગદાન અને દેહદાનની ઇચ્છા જાહેર કરી અને થોડી વારમાં અવસાન પામ્યાં

27 July, 2026 09:12 AM IST  |  Mumbai | Rohit Parikh

ઘાટકોપરનાં સિનિયર સિટિઝન સીતા ભદ્રા મૃત્યુ પછીયે માનવસેવા કરતાં ગયાં

સીતા ભદ્રા (ભાનુશાલી)

ઘાટકોપરના અસલ્ફા વિલેજમાં રહેતાં ૬૭ વર્ષનાં સીતા ભદ્રાએ મૃત્યુના થોડા સમય પહેલાં જ તેમનાં પુત્ર, પુત્રી અને પરિવારજનો સમક્ષ તેમના દેહના અંતિમ સંસ્કાર કરવાને બદલે મૃત્યુ બાદ તેમનો દેહ લોકકલ્યાણ માટે ઉપયોગમાં આવે અને સમગ્ર ગુજરાતી અને કચ્છી ભાનુશાલી સમાજમાં દેહદાન વિશે જાગૃતિ ફેલાય તેમ જ વધુ ને વધુ લોકોને એમાંથી પ્રેરણા મળે એવી ઇચ્છા વ્યક્ત કરી હતી. એને પરિણામે તેમના પરિવારના સભ્યોએ સીતાબહેનની અંતિમ ઇચ્છા મુજબ તેમની માંસપેશીઓ, હાડકાં, ત્વચા, ચક્ષુ તેમ જ દેહદાન કરીને માનવસેવાનું સર્વોચ્ચ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

મૂળ કચ્છના અબડાસા તાલુકાના રવા ગામનાં વતની સીતાબહેનને ગુરુવારે સવારે ૮.૩૦ વાગ્યાની આસપાસ તેમના ઘરે જ અચાનક હાર્ટ-અટૅક આવ્યો હતો. તરત જ તેમનાં પુત્રી જાગૃતિબહેન, પુત્ર પરેશ અને પૌત્ર દેવ સહિત બધા જ પરિવારજનો અને સ્વજનો તેમની સેવામાં હાજર થઈ ગયાં હતાં. બધા એ સમયે અંગદાન અને દેહદાનની ચર્ચા કરી રહ્યા હતા. તરત જ સીતાબહેને સૌની સમક્ષ અંગદાન અને દેહદાનની ઇચ્છા વ્યક્ત કરી હતી. એની થોડી જ વારમાં તેઓ અવસાન પામ્યાં હતાં.

આ માહિતી આપતાં સીતાબહેનના જમાઈ મુકેશ ભાનુશાલીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે તરત જ પરિવારના સભ્યોની સહમતીથી મુલુંડના સુ-મતિ ગ્રુપના સક્રિય કાર્યકર ભરત મેંગારનો સંપર્ક કરીને મમ્મીની અંતિમ ઇચ્છાની જાણ કરી હતી. તેઓ ડૉક્ટરોની ટીમ સાથે તરત જ મારાં સાસુના ઘરે આવી ગયા હતા. તેમણે માંસપેશીઓ, હાડકાં, ત્વચા, નેત્ર અને દેહદાનની પ્રક્રિયા શરૂ કરી હતી. ત્યાર પછી તેમની પુત્રી, પુત્ર અને પૌત્રે સાથે મળીને મુંબઈની નાયર હૉસ્પિટલમાં મમ્મીની અંતિમ ઇચ્છાનું સન્માન કરીને તેમના અવસાન બાદ દેહદાન કર્યું હતું. આમ મમ્મીનો દેહદાન વિશે જાગૃતિ લાવવાનો સંકલ્પ અનેક લોકો માટે પ્રેરણાસ્રોત બન્યો છે. શનિવારે ઘાટકોપર-વેસ્ટના અસલ્ફા વિલેજમાં આવેલા ભાનુશાલી બૅન્ક્વેટ હૉલમાં સેંકડો લોકોની હાજરીમાં મમ્મીની પ્રાર્થનાસભા યોજવામાં આવી હતી. આ સભામાં સમાજના અગ્રણીઓએ હાજરી આપીને મમ્મીની જેમ લોકકલ્યાણાર્થે અંગદાન અને દેહદાનને પ્રોત્સાહિત કરવાની અપીલ કરી હતી.’

ghatkopar organ donation kutchi community gujarati community news mumbai mumbai news rohit parikh