03 June, 2025 06:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઘાટકોપર હિન્દુ સ્મશાનભૂમિની બંધ પડેલી ગૅસ ચેમ્બર.
ઘાટકોપર-ઈસ્ટની સોમૈયા કૉલેજ પાસે આવેલી ઘાટકોપર હિન્દુ સ્મશાનભૂમિની ગૅસ ચેમ્બર શનિવારે રાતના અચાનક ટેક્નિકલ ખામી સર્જાતાં બંધ થઈ ગઈ હતી. ગૅસની આ ચેમ્બર મંગળવાર સુધીમાં શરૂ થઈ જશે એવો નિર્દેશ સંચાલકોએ આપ્યો હતો. આ ગૅસ ચેમ્બર માર્ચ ૨૦૨૪માં અચાનક ટેક્નિકલ ક્ષતિને કારણે બંધ થઈ ગઈ હતી જેને સંચાલકોની ભારે જહેમત અને લાખો રૂપિયાનો ખર્ચ કર્યા પછી છેક ઑગસ્ટ ૨૦૨૪માં શરૂ કરવામાં આવી હતી.
શનિવારે સર્જાયેલી ટેક્નિકલ ખામીની માહિતી આપતાં ઘાટકોપર હિન્દુ સ્મશાનભૂમિ કમિટીના સેક્રેટરી નિમિષ ટિમ્બડિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને શનિવારે રાતના ગૅસ ચેમ્બરમાં કોઈ ખામી સર્જાયાની જાણકારી મળી કે તરત જ અમે મહાનગર ગૅસ નિગમના ટેક્નિકલ સ્ટાફને બોલાવી લીધો હતો. તેમણે શનિવારે રાતના બે વાગ્યા સુધી ખામીનું કારણ શોધવાનો પ્રયાસ કર્યો હતો. તેમને ગઈ કાલે સવારે એ કારણ શોધવામાં સફળતા મળી હતી. કોઈ પણ કારણોસર ગૅસ ચેમ્બરનું બર્નર બળી જતાં એ બંધ થઈ ગઈ છે. આ ગૅસ ચેમ્બરને રિપેર કરવા માટે કંપનીના સ્ટાફને બોલવવામાં આવ્યો છે. જરૂરી પાર્ટ્સ મળતાં જ મંગળવાર સુધીમાં તેઓ ચેમ્બરને કાર્યરત કરી દેશે એવો તેમણે ભરોસો આપ્યો છે.’
ઘાટકોપર હિન્દુ સ્મશાનભૂમિમાં ૧૪ વર્ષ પહેલાં ૪૦ લાખ રૂપિયાનો ખર્ચ કરીને ગૅસની ચેમ્બર બેસાડવામાં આવી હતી એવી જાણકારી આપતાં નિમિષ ટિમ્બડિયાએ કહ્યું હતું કે ‘એની જાળવણી પાછળ અત્યાર સુધીમાં અંદાજે ૧૫ લાખ રૂપિયાથી વધુ ખર્ચ થઈ ચૂક્યો છે. ડેડ-બૉડી પર ઘી લગાવવાથી આ ગૅસ ચેમ્બરમાં ઉપયોગમાં લેવામાં આવતા ફાયર-બ્રિક્સ વધારે ગરમ થઈ જાય છે જેને કારણે ચેમ્બરને નુકસાન પહોંચે છે. ચેમ્બરનો જાળવણી-ખર્ચ વધતો જાય છે. જાળવણી-ખર્ચ કરતાં પણ વધુ મહત્ત્વનું એ છે કે ગૅસ ચેમ્બર જાળવણી માટે લાંબો સમય બંધ રહે છે જેનાથી લોકોને મુસીબતોનો સામનો કરવો પડે છે.’