રેકૉર્ડ પર આગમાં ઘાયલ ન હોવા છતાં થયું મૃત્યુ

20 December, 2022 09:55 AM IST  |  Mumbai | Rohit Parikh

ઘાટકોપરમાં શનિવારે લાગેલી આગની આ વાત છે

માધવ અપાર્ટમેન્ટના ચોથા માળે માલદે કૅપેસિટર કંપનીમાં ઍડ‍્‍મિનિસ્ટ્રેટર તરીકે કામ કરતી અંજલિ બિવાલકર, ઘાટકોપર-ઈસ્ટના માધવ અપાર્ટમેન્ટમાં બળીને ખાખ થઈ ગયેલી મીટર-રૂમ

ઘાટકોપરમાં શનિવારે લાગેલી આગની આ વાત છે. અંજલિ બિવાલકર નામનાં મહિલા આગમાં ઘાયલ થયાં હોવાથી તેમને ઐરોલીની નૅશનલ બર્ન્સ હૉસ્પિટલમાં ઍડ્‍મિટ કરવામાં આવ્યાં હતાં, જ્યાં ગઈ કાલે તેમણે દેહ છોડ્યો હતો. જોકે, નવાઈની વાત એ છે કે પોલીસ કે સુધરાઈના ઘાયલોના લિસ્ટમાં અવસાન થયું ત્યાં સુધી તેમનું નામ જ નહોતું

ઘાટકોપર-ઈસ્ટના જવાહર રોડ પર આવેલા પાંચ માળના કમર્શિયલ બિલ્ડિંગ માધવ અપાર્ટમેન્ટમાં શનિવારે બપોરે પોણાબે વાગ્યે લાગેલી આગમાં આ જ બિલ્ડિંગના ચોથા માળે આવેલી માલદે કૅપેસિટર કંપનીની ઑફિસમાં છેલ્લાં ૩૦ વર્ષથી ઍડ્મિનિસ્ટ્રેશનનું કામ સંભાળી રહેલી અંજલિ બિવાલકરનું ૭૦ ટકા દાઝી જવાથી ગઈ કાલે નવી મુંબઈના નૅશનલ બર્ન્સ સેન્ટરમાં મૃત્યુ થયું હતું. જે દિવસે આગ લાગી એ દિવસે આ જ ઑફિસમાં અકાઉન્ટન્ટનું કામ કરતા ડોમ્બિવલીના કોરશી દેઢિયાનું ઘટનાસ્થળે જ ગૂંગળામણ થતાં મૃત્યુ થયું હતું. ભગવાનનો ખેલ જોવા જેવો છે. આ કંપનીના જે લોકો આગને લીધે ફેલાયેલા કાળા ધુમાડાને જોઈને ‘મોત આવશે તો આવશે’ વિચારીને જે ચાર જણ ઑફિસમાં જ બેઠા રહ્યા હતા તેઓ આટલી મોટી વિકરાળ આગમાં પણ બચી ગયા હતા.

આ કંપનીની બાજુમાં જ આવેલા કાલરા શુક્લા ક્લાસમાં નીટનો અભ્યાસ કરતા ૧૭થી ૨૦ વિદ્યાર્થીઓ આ આગમાંથી બચીને પાંચમા માળેથી સહીસલામત બહાર નીકળી ગયા હતા, પરંતુ આ જ ક્લાસિસની ૧૮ વર્ષની કુર્લાની રહેવાસી તાનિયા સંજય કાંબળે આગમાંથી બચીને બહાર નીકળવા જતાં ૨૦ ટકા દાઝી ગઈ છે અને તેની સાથે જ ભણતો ચેમ્બુરનો રહેવાસી ૧૮ વર્ષનો ઇદ્રિસ વિજય સાહિત્ય ૪૦ ટકા દાઝી ગયો છે. આ બન્ને વિદ્યાર્થીઓને તેમના પેરન્ટ્સે રાજાવાડી હૉસ્પિટલમાંથી નૅશનલ બર્ન્સ સેન્ટરમાં શિફ્ટ કરી દીધા છે. બન્નેની તબિયત સુધારા પર છે.

પંતનગર પોલીસના જણાવ્યા મુજબ માધવ અપાર્ટમેન્ટના શૉર્ટ સર્કિટને કારણે મીટર બૉક્સમાં આગ લાગતાં આગ વિકરાળ બનીને એની જ્વાળાઓ પાંચમા ફ્લોર સુધી ફેલાઈ હોવાથી આ બિલ્ડિંગમાં હડકંપ મચી ગયો હતો. અહીંની ઑફિસોમાં કામ કરતા લોકો અને ક્લાસિસમાં ભણવા આવેલા વિદ્યાર્થીઓમાં જબરો ફફડાટ ફેલાયો હતો. સૌકોઈ કેવી રીતે જીવ બચાવવો એની તજવીજમાં હતા. સૌને બચીને બહાર નીકળવા માટે એક જ રસ્તો હતો, ચોથે માળથી પાંચમે માળની ટેરેસમાં જઈને બાજુમાં આવેલી પરખ હૉસ્પિટલમાંથી બહાર નીકળવાનો.

આ બાબતે માહિતી આપતાં માલદે કૅપેસિટર કંપનીના હિતેશ કારાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારો ડ્રાઇવર અનિલ ઑફિસના ગેટ પાસે જ બેઠો હતો. જેવી તેને ખબર પડી કે આગ લાગી છે એટલે તેણે બૂમાબૂમ કરી મૂકી હતી. તે સૌથી પહેલાં ઑફિસમાંથી ભાગીને પાંચમા માળેથી હૉસ્પિટલના માર્ગે બહાર નીકળી ગયો હતો. તેની પાછળ કોરશી દેઢિયા અને અંજલિ ભાગ્યાં હતાં. એવી જ રીતે કાલરા શુક્લા ક્લાસિસના વિદ્યાર્થીઓ પણ જીવ બચાવવા પાંચમા માળ તરફ ભાગ્યા હતા.’

જોકે માલદે કૅપેસિટર કંપનીના માલિક ૭૫ વર્ષના શાંતિભાઈ કારાણીએ તેમની સાથે સ્ટાફમાં કામ કરતાં થાણેનાં જયશ્રીબહેન અને રમેશભાઈને કહ્યું હતું કે બહાર ખૂબ જ કાળો ધુમાડો છે. અંધારામાં કંઈ દેખાતું નથી અને રસ્તો પણ ગરમ થઈ ગયો છે. આવા સમયે આપણે ભાગવા કરતાં ઑફિસની બીજી રૂમમાં જઈને બેસી રહીએ એવું જણાવતાં હિતેશ કારાણીએ કહ્યું કે ‘હું એ દિવસે સવારથી નવી મુંબઈના રબાળે કામસર ગયો હતો. આગ ઓલવાઈ ગઈ એ પછી બપોરે ૩.૩૦ વાગ્યે હું પોલીસ અને ફાયર બ્રિગેડ સાથે જે લોકો આગને લીધે બિલ્ડિંગમાં ફસાયા હોય તેમને બચાવવા અને મકાનની બહાર કાઢવા ચોથા ફ્લોર પર ગયા હતા. ત્યારે અમને ખબર પડી કે શાંતિભાઈ, જયશ્રીબહેન અને રમેશભાઈ જવાહર રોડ તરફ પડતી બારી ખોલીને ભગવાનના નામનું સ્મરણ કરતાં ઑફિસમાં જ બેઠાં છે એટલે પહેલાં તેમને બહાર કાઢીને બાજુના પરિસરમાં મોકલી દીધાં હતાં. ત્યાર પછી પોલીસ પાંચમા માળે ગઈ તો તેમને દાદરા પર પહેલાં કોરશીભાઈની ડેડ-બૉડી મળી હતી. તેઓ ગૂંગળામણથી મૃત્યુ પામ્યા હતા. તેમની પાછળ ક્લાસિસના બે વિદ્યાર્થીઓ તાનિયા અને છેલ્લે ઇદ્રિસ દાઝેલી હાલતમાં મળી આવ્યાં હતાં. તેમની પાછળ ઠાકુર્લીનાં અંજલિબહેન ખૂબ જ દાઝી ગયેલી હાલતમાં કણસતાં મળી આવ્યાં હતાં, પણ તેમના શ્વાસ બરાબર ચાલતો હતો. પોલીસે તેમને તરત જ પરખ હૉસ્પિટલના માર્ગે નીચે ઉતારીને સીધા નવી મુંબઈના નૅશનલ બર્ન્સ સેન્ટરમાં મોકલી દીધાં હતાં, જ્યારે બન્ને વિદ્યાર્થીઓને રાજાવાડી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શાંતિભાઈની જેમ જ અમારા બિલ્ડિંગના બીજા માળે ઑફિસ ધરાવતા ૮૨ વર્ષના ગુપ્તાઅંકલે પણ તેમની ઑફિસ છોડી નહોતી. તેઓ પણ બચી ગયા હતા. આમ જે લોકો ભયભીત થયા વિના ભગવાન ભરોસે ઑફિસમાં બેસી રહ્યા તેઓ શનિવારની ભયંકર આગમાંથી બચી ગયા હતા.’

આ આખા બનાવની સૌથી નવાઈની વાત તો એ છે કે અંજલિને પોલીસે બહાર કાઢી અને હૉસ્પિટલમાં મોકલી દીધી હોવા છતાં તેનું પોલીસ કે મહાનગરપાલિકાના ઈજાગ્રસ્તના લિસ્ટમાં ક્યાંય નામ નથી. અંજલિને ૨૧ વર્ષનો દીકરો છે. અંજલિના પતિ ૫૧ વર્ષના અજય બિવાલકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અંજલિ પહેલાંથી જ ખૂબ કોમળ હતી. હું હંમેશાં તેને કોઈ શારીરિક ઈજા ન થાય એનું ધ્યાન રાખતો આવ્યો છું, પણ આગમાં અંજલિ ૭૦ ટકા દાઝી ગઈ. તેની આંખો પણ બળી ગઈ હતી. અંજલિ જવાથી અમારો પરિવાર આઘાતમાં છે. ગઈ કાલે બપોરે અમે અંજલિના અંતિમ સંસ્કાર કર્યા હતા.’

mumbai mumbai news ghatkopar rohit parikh