ઘાટકોપરની બીએમસી ઑફિસને કોરોના-લૉક

13 January, 2022 09:04 AM IST  |  Mumbai | Rohit Parikh

આમ તો સાત દિવસ માટે મુલાકાતીઓના પ્રવેશ પર છે, પણ મોટા ભાગનો સ્ટાફ સંક્રમિત હોવાથી કામકાજ બંધ જેવું જ છે

ઘાટકોપરની બીએમસી ઑફિસને કોરોના-લૉક

મુંબઈ ઃ ઘાટકોપર-ઈસ્ટના જવાહર રોડ પર ઘાટકોપરના વિસ્તારોને આવરી લેતી મહાનગરપાલિકાના ‘એન’ વૉર્ડની ઑફિસમાં અનેક સાવચેતીઓ પછી પણ મોસ્ટ ઑફ ધ સ્ટાફ કારોનાગ્રસ્ત થઈ જતાં ૭ જાન્યુઆરીથી ‘એન’ વૉર્ડ ઑફિસને સાત દિવસ માટે વિઝિટર્સ માટે બંધ રાખવામાં આવી છે. જોકે કોઈને ઇમર્જન્સી કામ હોય તો તેમને ફોન પર અપૉઇન્ટમેન્ટ લઈને જવાનું કહેવામાં આવ્યું છે. ઘાટકોપરમાં કેસ વધતાં કર્મચારીઓ અને મુલાકાતીઓની સુરક્ષાને લક્ષમાં રાખીને ‘એન’ વૉર્ડમાં ૨૯ ડિસેમ્બરથી જ કર્મચારીઓ અને મુલાકાતીઓ માટે વૅક્સિનેશન સર્ટિફિકેટ અથવા તો ઍન્જિટન ટેસ્ટ ફરજિયાત કરવામાં આવી હતી. મંગળવારે ‘એન’ વૉર્ડમાં ૩૪૩ કોવિડ પૉઝિટિવ કેસ નોંધાયા હતા, જેની સંખ્યા ૨૯ ડિસેમ્બરે ફક્ત ૩૫ જ હતી.
કોવિડના કેસ ઘાટકોપરમાં ૩૫નો આંકડો પાર કરતાં જ ‘એન’ વૉર્ડ ઑફિસમાં ૨૯ ડિસેમ્બરથી મુલાકાતીઓ પર અનેક પ્રતિબંધો મૂકવામાં આવ્યા હતા. આ પ્રતિબંધ મુજબ ૨૯ ડિસમ્બરથી ‘એન’ વૉર્ડ ઑફિસમાં પ્રવેશ માટે મહાનગરપાલિકાના કર્મચારી હોય કે મુલાકાતીઓ તેમણે ડબલ વૅક્સિનેશન સર્ટિફિકેટ સાથે રાખવું ફરજિયાત કરી દેવામાં આવ્યું હતું. જેની પાસે ડબલ વૅક્સિનેશન સર્ટિફિકેટ ન હોય એવા કર્મચારીઓ અને મુલાકાતીઓ માટે ઍન્ટિજન ટેસ્ટ કમ્પલસરી કરવામાં આવી હતી. જેની ઍન્ટિજન ટેસ્ટ નેગેટિવ હોય એવા જ સ્ટાફ અને વિઝિટરોને ઑફિસમાં પ્રવેશ આપવામાં આવતો હતો.
એ સમયે જ ‘મિડ-ડે’ સાથેની વાતચીતમાં ‘એન’ વૉર્ડ ઑફિસના અસિસ્ટન્ટ કમિશનર તાત્યા સોનાવણેએ કહ્યું હતું કે ‘ધીરે-ધીરે મુંબઈમાં અને ઘાટકોપરમાં કોવિડના કેસ પાછા વધી રહ્યા છે. આથી મહાનગરપાલિકાના જ નહીં, પણ મહાનગરપાલિકાની ઑફિસમાં મુલાકાત માટે આવતી આમ જનતાની સુરક્ષાના ઉદ્દેશથી અમે અમારા પ્રવેશના નિયમોને કડક કરી નાખ્યા છે. અમે ઑફિસમાં મુલાકાતે આવતા દરેક મુલાકાતીઓના વૅક્સિન સર્ટિફિકેટ તપાસવાનું શરૂ કર્યું છે. જેની પાસે આ સર્ટિફિકેટ હોય એ મુલાકાતીઓને અમે પ્રવેશ આપીએ છીએ, જે મુલાકાતી પાસે સર્ટિફિકેટ ન હોય તેમને અમે અમારા જ પરિસરમાં જ ફ્રીમાં ઍન્ટિજન ટેસ્ટ કરાવીએ છીએ. જો તેમનો રિપોર્ટ નૅગેટિવ આવે તો જ મુલાકાતીને અમે પ્રવેશ કરવાની છૂટ આપીએ છીએ.’
જોકે અમારો મોસ્ટ ઑફ ધ સ્ટાફ કોરાનાગ્રસ્ત બની જતાં અમારે સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમારી ઑફિસમાં મુલાકાતીઓનો પ્રવેશ સાત દિવસ બંધ કર્યો છે. એ વિશે માહિતી આપતાં તાત્યા સોનાવણેએ કહ્યું હતું કે ‘આમ છતાં, કોઈને અતિઆવશ્યક કામ હોય તો તેમને અમે ફોન પર વાત કરીને હેલ્પફુલ થઈએ છીએ. બાકી અમારા મોટા ભાગના ડિપાર્ટમેન્ટ અત્યારે બંધ છે.’

mumbai news ghatkopar