✕

વિઘ્નહર્તાની વિદાયમાં વિઘ્ન ન આવે એ માટે BMC તૈયાર

25 September, 2026 08:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) આજે અનંત ચતુર્દશીના દિવસે વિસર્જન માટે સંપૂર્ણ સજ્જ છે. 

ક્રાઉડ મૅનેજમેન્ટ માટે ગઈ કાલે મહિલા પોલીસની ટુકડી ગિરગામ ચોપાટી પહોંચી ગઈ હતી. તસવીરો ઃ આ‌શિષ રાજે

ગણેશોત્સવના આજે છેલ્લા દિવસે મુંબઈગરા એના વહાલા બાપ્પાને વાજતે-ગાજતે વિદાય આપશે. મોટા ભાગની સાર્વજનિક ગણપતિ-મૂર્તિઓનું ભાવભર્યું વિસર્જન કરવામાં આવશે. લાખોની સંખ્યામાં લોકો એ વિસર્જન જોવા અને ગણપતિની વિવિધ મૂર્તિઓનાં દર્શન કરવા તળ મુંબઈમાં એકઠા થતા હોય છે. વળી હજારોની સંખ્યામાં ગણપતિની નાની મૂર્તિઓ પણ વિસર્જન માટે આવતી હોય છે. એથી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) આજે અનંત ચતુર્દશીના દિવસે વિસર્જન માટે સંપૂર્ણ સજ્જ છે. 
ગિરગામ ચોપાટી પર થનારા વિસર્જન માટે BMCએ ઇવેન્ટ મૅનેજમેન્ટ કંપનીની મદદ લીધી છે. કંપની એ બધી જ વ્યવસ્થા સંભાળશે, જ્યારે BMC ઇમર્જન્સી સર્વિસિસ પર ધ્યાન આપશે. 

 

BMCએ કરેલી તૈયારી

 ૩૮૩ કૃત્રિમ તળાવોની વ્યવસ્થા કરવામાં આવી છે

 ૨૭૮ જગ્યાએ કૃત્રિમ ​તળાવ તૈયાર કરવામાં આવ્યાં છે

 ૬૭ નૅચરલ વિસર્જન સ્પૉટ

 ૪૪ બીચ
અને જેટી

 ૨૩ કુદરતી તળાવ

 ૧૧૩૨ લાઇફગાર્ડ્સ

 ૨૨૮ કન્ટ્રોલ-રૂમ્સ

 ૭૫ ઑબ્ઝર્વેશન ટાવર

 ૧૧૯૪ સ્ટીલ પ્લેટ

૨૩ જર્મન રાફ્ટ

 ૩૪ ક્રેન

 ૮૫ ઍમ્બ્યુલન્સ

 ૧૦ મોટરબોટ

 ૪૯૮ નિર્માલ્ય કળશ

 ૩૨૬ નિર્માલ્ય ડમ્પર

 ૪૮૯ ટેમ્પરરી ટૉઇલેટ

 ૨૫,૦૦૦ કરતાં વધુ સુધરાઈના કર્મચારીઓ વિવિધ સ્થળોએ ડિપ્લૉય કરાશે

આજે આખી રાત મેટ્રો 3 ચાલુ રહેશે
વિસર્જન માટે નીકળતા ભક્તો માટે સારા સમાચાર છે. અનંત ચતુર્દશીના અવસરે મુંબઈ મેટ્રો 3 આખી રાત દોડશે. આનાથી લોકો રાતે પણ મુસાફરી કરી શકશે. ખાસ કરીને અનંત ચતુર્દશીના દિવસે વિસર્જનયાત્રાઓ પરંપરાગત રીતે મોડી રાત અને બીજા દિવસે વહેલી સવાર સુધી ચાલતી હોય છે. એવામાં મેટ્રો 3ની રાતની સર્વિસ મુસાફરોને વધારાની કનેક્ટિવિટી પૂરી પાડશે. 

અદાણી ઇલેક્ટ્રિસિટીએ વિસર્જનનાં સ્થળો પર ૨૭૯૨થી વધુ ફ્લડલાઇટ્સ લગાવી
મુંબઈનાં પશ્ચિમ અને પૂર્વ ઉપનગરોમાં વીજપુરવઠો પૂરો પાડતી અદાણી ઇલેક્ટ્રિસિટીએ ભક્તો માટે સુરક્ષિત અને આનંદમય વિસર્જન ઉત્સવનો અનુભવ સુનિશ્ચિત કરવા માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના બાવીસ વૉર્ડનાં ૧૪૯ વિસર્જન-સ્થળો પર ૨૭૯૨થી વધુ ફ્લડલાઇટ્સ લગાવી છે.
અદાણી ઇલેક્ટ્રિસિટીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ‘આ તહેવારોની મોસમમાં અમારા ગ્રાહકો અને તમામ ભક્તો માટે વિશ્વસનીય અને અવિરત વીજપુરવઠો સુનિશ્ચિત કરવો એ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. અમારા પાવર વૉરિયર્સ તમામ જરૂરી સાધનો અને સામગ્રી સાથે સંપૂર્ણ રીતે સજ્જ છે અને વિસર્જનના દિવસો દરમ્યાન કોઈ પણ કટોકટીના સંચાલન માટે શહેરમાં વ્યૂહાત્મક સ્થળો પર તહેનાત છે.’
આયોજકો માટે પ્રક્રિયા સરળ બનાવવાના હેતુથી અદાણી ઇલેક્ટ્રિસિટીએ અસ્થાયી વીજજોડાણ મેળવવાની પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરી છે, જેથી અરજી સબમિટ કર્યાના ૪૮ કલાકની અંદર પંડાલોને વીજજોડાણ મળી રહે. આ વર્ષે લગભગ ૧૧૦૦ ગણેશ પંડાલોએ એમના સુરક્ષિત અને ભવ્ય ઉત્સવની ઉજવણીને રોશન કરવા માટે અદાણી ઇલેક્ટ્રિસિટી પર પસંદગી ઉતારી છે.

વિસર્જન વખતે ઢોલ-તાશાના અવાજની ફરિયાદ કરનાર મહિલાના સંબંધીઓને ધીબેડી નાખ્યા, ૧૨ જણ સામે ગુનો નોંધાયો
ઉલ્હાસનગરના સુભાષનગર વિસ્તારમાં ૨૦ સપ્ટેમ્બરે વિસર્જન વખતે જોરદાર ઢોલ-તાશા વગાડવા બદલ એક મહિલાએ ફરિયાદ કરી હતી અને તેમને ધીમેથી વગાડવા કહ્યું હતું. તેનું કહેવું હતું કે ઢોલ-તાશાના અવાજને કારણે તેનાં બે નાનાં બાળકો બહુ ડરી જતાં હતાં અને હેરાન થઈ રહ્યાં હતાં. તેણે ફરિયાદ કરવા છતાં ઢોલ-તાશા વગાડવાનો અવાજ ઓછો ન થયો ત્યારે મહિલાના પતિ, દિયર અને અન્ય સંબંધીઓએ એ લોકોને ટપાર્યા હતા અને અવાજ ઓછો કરવા જણાવ્યું હતું. એથી વિસર્જનયાત્રાના લોકો ભડક્યા હતા અને તે પુરુષોની મારઝૂડ કરી હતી. આ બાબતે મહિલાએ પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે વિસર્જનયાત્રાના ૧૨ જણ સામે ગેરકાયદે ભેગા થવા બદલ, રમખાણ મચાવવા બદલ, મારઝૂડ કરવા બદલ, ગુનાહિત ઇરાદો ધરાવવા બદલ અને અપમાન કરવા બદલ ગુનો નોંધીને વધુ કાર્યવાહી કરી હતી. 

ગણેશોત્સવમાં ભંડારો, અન્નક્ષેત્ર ને મહાપ્રસાદનું આયોજન કરનારાં રાજ્યનાં ગણેશમંડળો દ્વારા ૩૧૯૮ ઑનલાઇન અરજીઓ કરવામાં આવી
તહેવારોના સમયગાળામાં ભેળસેળ કરી જોખમી ખાદ્યપદાર્થો માર્કેટમાં ડમ્પ થવાની શક્યતાઓ હોય છે એ ધ્યાનમાં રાખીને ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‍મિનિસ્ટ્રેશન (FDA) દ્વારા બહાર પાડવામાં આવેલી ઍડ્વાઇઝરી મુજબ આ વર્ષે રાજ્યભરનાં ગણેશમંડળોમાંથી ભંડારા અને અન્નક્ષેત્ર માટે ૩૧૯૮ ઑનલાઇન અરજીઓ આવી હતી જેમાંથી ૩૮૩ સ્પૉટ પર જઈને ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. 

 

mumbai news mumbai visarjan ganpati mumbai police brihanmumbai municipal corporation mumbai transport