ગણેશોત્સવ વખતે કાયદો-વ્યવસ્થાની સમસ્યા થાય તો એ માટે માત્ર મુખ્ય પ્રધાન જવાબદાર

02 August, 2021 02:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગણેશોત્સવ સમન્વય સમિતિએ લખેલા કેટલીક માગણીઓ કરતા પત્રોનો સીએમએ જવાબ ન આપતાં મંડળો થઈ ગયાં નારાજ

કોરોનાને કારણે આ વખતે પણ લોકોને ગણપતિબાપ્પાની આવી જોરદાર ઉજવણી જોવા નહીં મળે

ગણેશોત્સવને માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગણેશોત્સવ સમન્વય સમિતિએ કેટલીક માગણીઓ કરતા પાંચ પત્રો મુખ્ય પ્રધાનને લખ્યા હતા. એમાંના એક પણ પત્રનો જવાબ આપવો મુખ્ય પ્રધાને જરૂરી ન સમજતાં ગણેશોત્સવ સમન્વય સમિતિએ મંડળોને ગણેશોત્સવની તૈયારીઓ હાલની ગાઇડલાઇન્સ અનુસાર કરવા કહ્યું હતું. એની સાથે મુખ્ય પ્રધાન પ્રત્યે પોતાની નારાજગી દેખાડીને તેમણે કહ્યું હતું કે ગણેશોત્સવ દરમિયાન જો લૉ ઍન્ડ ઑર્ડરની સમસ્યા થાય તો એ માટે માત્ર મુખ્ય પ્રધાન જવાબદાર હશે.

રાજ્ય સરકારે ગણેશોત્સવ અંગેની માર્ગદર્શિકા દોઢ મહિના અગાઉ જાહેર કરી હતી. એમાં આપેલી કેટલીક માર્ગદર્શિકા ગણેશોત્સવ સમન્વય સમિતિએ અને મૂર્તિકારોએ અમાન્ય કરીને મુખ્ય પ્રધાન પાસે કેટલીક માગણી કરી હતી અને એક વાર મંડળો સાથે બેઠક કરવાની માગણી કરતા પાંચ પત્ર લખવામાં આવ્યા હતા. એમાંના એક પણ પત્રનો મુખ્ય પ્રધાને જવાબ આપ્યો નહોતો. એ સાથે કેટલાંક મંડળોએ ઇલેક્શનમાં વોટિંગ ન કરવાની પણ ચીમકી મુખ્ય પ્રધાનને આપી હતી. એના પર પણ કોઈ ઉત્તર ન આવતાં ગણેશોત્સવ સમન્વય સમિતિએ મંડળોને ગણેશોત્સવની તૈયારીમાં લાગવા કહ્યું હતું. જોકે કેટલાંક મંડળોની હજી પણ નારાજગી જોતાં ગણપતિ વખતે લૉ ઍન્ડ ઑર્ડરની જો કોઈ મોટી સમસ્યા ઊભી થાય તો એ માટે જવાબદાર મુખ્ય પ્રધાન હશે એવો ઇશારો પણ આપવામાં આવ્યો હતો.

બૃહન્મુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ સમન્વય સમિતિના અધ્યક્ષ નરેશ દહીબાવકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે દરેક રીતે મુખ્ય પ્રધાનને સહકાર આપવા તૈયાર છીએ. તેમની એક હાકલ પર અમે ચિપલુણ અને કોંકણ સાઇડમાં મદદ કરી હતી. હવે તેમણે અમારી પરિસ્થિતિ સમજવાની જરૂર છે. છેલ્લો જે પત્ર અમે તેમને લખ્યો છે એમાં કહ્યું છે કે ભલે તમે અમને મળો નહીં, પણ અમારા પત્રનો ઉત્તર તો આપો. જો અમારા પત્રનો હજી પણ ઉત્તર આપવામાં નહીં આવે તો ગણેશોત્સવમાં લૉ ઍન્ડ ઑર્ડરની સમસ્યા ઊભી થાય તો એ માટે માત્ર તેઓ જવાબદાર હશે. છેલ્લા પત્રમાં અમે બીજા મુદ્દા પણ લખ્યા છે.’

mumbai mumbai news ganesh chaturthi