ગણેશભક્તો છે કોવિડ-રડાર પર

15 September, 2021 08:20 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

કોરોનાની થર્ડ વેવને ટાળવા માટે બીએમસીનું જબરદસ્ત પ્લાનિંગ : ગણેશોત્સવ માટે જ્યાંથી મોટી સંખ્યામાં લોકો ગામ ગયા હશે ત્યાં કોવિડ ટેસ્ટિંગ કૅમ્પ્સ યોજવાની તૈયારી

ભુજ-દાદર ટ્રેનના પ્રવાસીની કોરોના ટેસ્ટ માટે તેનો સ્વૅબ લેવાયો. આશિષ રાજે

મુંબઈમાં કોરોના સંક્રમણનું પ્રમાણ નિયંત્રણમાં લાવવા મુંબઈ મહાનગરપાલિકાએ કમર કસી હતી, પરંતુ ૧૫ ઑગસ્ટ બાદ લાદેલા પ્રતિબંધોમાં અનેક પ્રકારની રાહત આપ્યા બાદ અને ગણેશત્સવમાં લોકો કોરોનાના નિયમોનું પાલન કરતા ન હોવાનું દેખાઈ આવી રહ્યું હોવાથી આ ઉત્સવ બાદ કોરોનાની ત્રીજી લહેર આવશે તો નહીંને એની ચિંતા વહીવટી તંત્રને થઈ રહી છે. એ અનુસાર ગણપતિ મંડળોના પંડાલમાં બીએમસીના અધિકારીઓ ફરી રહ્યા છે અને વધુ ભીડ ન થાય એના પર ધ્યાન રાખી રહ્યા છે. એની સાથે ગામમાં ગયેલા લોકો પાછા આવે ત્યારે એમાંથી કોઈ સંક્રમણ વધારે નહીં એ માટે તેમની ટેસ્ટ કરવા વિશેષ કૅમ્પ રાખવાની તૈયારીઓ સુધરાઈ કરી રહી છે.
    હાલમાં મુંબઈમાં કોરોના કેસ વધી રહ્યા છે એનું કારણ આપતાં બીએમસીના ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર સુરેશ કાકાણીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘હાલમાં મુંબઈમાં કોરોનાના પૉઝિટિવ કેસ વધવાનાં ચાર કારણ છે. એક તો ૧૫ ઑગસ્ટથી અનેક છૂટછાટ આપવામાં આવી છે. બીજું એ કે ગણેશત્સવ પહેલાં લોકોએ શૉપિંગ કરવા ભારે ભીડ કરી હતી. ત્રીજું, સુધરાઈએ ટેસ્ટિંગનું પ્રમાણ વધાર્યું છે અને ચોથું, ગણપતિમાં બહારથી આવનારા લોકો પણ વધ્યા છે. છતાં પણ કેસ વધે નહીં એના પર અમે બારીકાઈથી નજર રાખી રહ્યા છીએ અને પૉઝિટિવિટી રેટ એક ટકાની આસપાસ છે.’
ગણેશોત્સવ બાદ કોરોનાના પૉઝિટિવ કેસ નિયંત્રણમાં રહે એ માટે શું કરવામાં આવશે એ સવાલનો જવાબ આપતાં તેમણે ઉમેર્યું હતું કે ‘ગણપતિ મંડળોને ધ્યાનમાં રાખીને વૉર્ડ પ્રમાણે ટીમ બનાવવામાં આવી છે જે સમયાંતરે મંડળોના પંડાલમાં ભીડ ન થાય એના પર ધ્યાન રાખે છે. એટલું જ નહીં, માસ્ક ન પહેરતા મોટા પ્રમાણમાં લોકો સામે કાર્યવાહી કરીને દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે. મુંબઈથી લોકો ગણેશોત્સવ ઊજવવા તેમના ગામ કોંકણ, નાશિક, રત્નાગિરિ બાજુએ ગયા છે અને ત્યાં સંક્રમણનું પ્રમાણ થોડું વધું છે. ટ્રેનથી આવતા લોકોનું તો સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું જ છે. ગામથી આવ્યા બાદ લોકો સુધરાઈનાં ૨૬૨ ટેસ્ટિંગ સેન્ટર છે ત્યાં પહેલાં ટેસ્ટ કરાવી લે. મુંબઈના જે પરિસરમાં બહારગામથી લોકો વધુ આવ્યા છે એ ઠેકાણે બીએમસી દ્વારા વિશેષ કૅમ્પ યોજીને ટેસ્ટિંગ હાથ ધરવામાં આવશે જેથી કોરોના નિયંત્રણમાં જ રહે.’

લોકલમાં ટિકિટ નહીં મળે        
ફુલ્લી વૅક્સિનેટેડ લોકોને લોકલમાં ટિકિટ ક્યારે આપવામાં આવશે એવું પૂછતાં સુરેશ કાકાણીએ કહ્યું હતું કે ‘લોકલ ટ્રેનમાં પરવાનગી લોકોનું કામકાજ વ્યવસ્થિત ચાલતું રહે એ માટે આપવામાં આવી છે. ઑફિસ કે દુકાનથી ઘરે જવા અને ઘરેથી કામના સ્થળે જવાય એ પ્રમાણે જ અમે પરવાનગી આપી છે. ફક્ત ટિકિટ આપવાનું શરૂ કરાશે તો લોકો ફરવા લાગશે, સંબંધીઓને મળવા પણ ટ્રેનમાં પ્રવાસ કરવા લાગશે અને હજી ભીડમાં વધારો કરશે એટલે ટિકિટ આપવાનું હાલમાં તો કંઈ વિચાર્યું નથી.’

Mumbai mumbai news coronavirus covid19 covid vaccine preeti khuman-thakur