06 September, 2025 09:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગિરગામ ચોપાટી પર ડ્રોન ન ઉડાડવાની ચેતવણી આપતો પોલીસનો મેસેજ. તસવીરો : સૈયદ સમીર અબેદી
ગણેશોત્સવના છેલ્લા દિવસે હજારો મૂર્તિઓનું વિસર્જન થશે અને લાખો લોકો વિસર્જનમાં જોડાશે ત્યારે મુંબઈમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે મુંબઈ પોલીસ સતર્ક બની છે. ટ્રાફિક અપડેટ અને રૂટ-મૅનેજમેન્ટ માટે પહેલી વાર આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ની મદદ લેવામાં આવશે. ૨૧,૦૦૦ પોલીસકર્મીઓ મુંબઈનું સુરક્ષા-કવચ બનશે.
કાયદો અને વ્યવસ્થા વિભાગના જૉઇન્ટ કમિશનર સત્યનારાયણ ચૌધરીએ માહિતી આપતાં કહ્યું હતું કે ‘૧૨ ઍડિશનલ પોલીસ-કમિશનર, ૪૦ ડેપ્યુટી કમિશનર, ૬૧ અસિસ્ટન્ટ કમિશનર, ૩૦૦૦ ઑફિસર અને ૧૮,૦૦૦ પોલીસકર્મીઓ ખાસ વિસર્જનની ડ્યુટી સંભાળશે. ઉપરાંત સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સની ૧૧૪ કંપની, સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સની ૪ ટુકડી, ક્વિક રિસ્પૉન્સ ટીમ, બૉમ્બ ડિટેક્શન ઍન્ડ ડિસ્પોઝલ ટીમ (BDDS) પણ તહેનાત રહેશે. પોલીસના અંદાજ મુજબ આજે સાર્વજનિક મંડળોની સાતેક હજાર મૂર્તિઓ અને ઘરના ગણપતિની ૧.૭૫ લાખ મૂર્તિઓનું કુદરતી અને કૃત્રિમ જળાશયોમાં વિસર્જન થશે. ૧૦,૦૦૦ ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા અને ડ્રોનની મદદથી ભીડ પર નજર રાખવામાં આવશે.’
અમુક વિસ્તારમાં ટ્રાફિકનું ડાઇવર્ઝન રહેશે અને વધારાના ટ્રાફિક-પોલીસો શહેરના ટ્રાફિકનું નિયમન કરશે એમ ટ્રાફિક-પોલીસના જૉઇન્ટ કમિશનર અનિલ કુંભારેએ જણાવ્યું હતું.