ગણેશજીની મૂર્તિ શેમાંથી? પીઓપીમાંથી કે માટીમાંથી?

21 June, 2022 08:48 AM IST  |  Mumbai | Sameer Surve

બીએમસીએ પ્લાસ્ટર ઑફ પૅરિસની મૂર્તિઓ બનાવવા પર પ્રતિબંધ હોવાનું તથા ફરજિયાત ઇકો-ફ્રેન્ડ્લી મૂર્તિઓ બનાવવાનું જણાવતી નોટિસ મૂર્તિ-નિર્માતાઓને મોકલી

ગણપતિદાદાની મૂર્તિ તૈયાર કરી રહેલો કારીગર (તસવીર : આશિષ રાજે)

બીએમસી પ્લાસ્ટર ઑફ પૅરિસ (પીઓપી)ની ગણપતિની મૂર્તિઓ બનાવવાની મંજૂરી ન આપવાના મુદ્દે અડગ છે ત્યારે મૂર્તિ બનાવનારાઓ હવે આ મુદ્દે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને મળવાનું વિચારી રહ્યા છે. બીએમસીએ પીઓપીની મૂર્તિઓ સંબંધે નોટિસ મોકલવાનું શરૂ કરી દીધું હોવાથી મૂર્તિ બનાવનારાઓએ પહેલેથી જ ગણપતિની પ્રતિમા બનાવવાનું બંધ કરી દીધું છે. 
તાજેતરમાં બીએમસીએ પીઓપીની મૂર્તિઓ બનાવવા પર પૂર્ણત: પ્રતિબંધ હોવાની તથા ફરજિયાત ઇકો-ફ્રેન્ડ્લી મૂર્તિઓ બનાવવાનું જણાવતી નોટિસ તમામ મૂર્તિ નિર્માતાઓને મોકલી છે.

મૂર્તિ બનાવનારા વસંત રાજેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘બીએમસીએ અમને નોટિસ મોકલી છે તથા ઑથોરિટી પાસેથી સકારાત્મક જવાબ નથી મળી રહ્યો એટલે અમે પીઓપીની મૂર્તિના ઑર્ડર લઈ શકીએ એમ ન હોવાથી મૂર્તિકારોને પીઓપીની મૂર્તિનું બુકિંગ લેવાની ના પાડી દીધી છે. આટલા ઓછા સમયમાં માટીમાંથી મૂર્તિઓ બનાવવાનું શક્ય ન હોવાને લીધે અમે આ મુદ્દે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને મળવાનું વિચારી રહ્યા છીએ.’

આ વર્ષે માટીમાંથી ૧૦૦ મૂર્તિઓ તૈયાર કરવી શક્ય નથી એમ જણાવતાં મુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ સમન્વય સમિતિના પ્રમુખ ઍડ્વોકેટ નરેશ દહીબાવકરે ઉમેર્યું હતું કે ‘અમે મુખ્ય પ્રધાનને મળવાની કોશિશ કરી રહ્યા છીએ. છેલ્લાં કેટલાંક વર્ષોમાં માટીનો વપરાશ વધ્યો છે, પરંતુ માટીમાંથી બે લાખ કરતાં વધુ મૂર્તિઓ બનાવવી શક્ય નથી.’

અન્ય એક મૂર્તિકાર સંતોષ કાંબળીએ કહ્યું હતું કે ‘અમે પીઓપીની મૂર્તિઓનું બુકિંગ લેવાનું બંધ કર્યું છે. માટીમાંથી બનતી મૂર્તિઓ પીઓપી કરતાં ચારગણી વધુ ખર્ચાળ હોય છે. વળી માટીમાંથી મૂર્તિ તૈયાર કરી શકે એવા પૂરતા કારીગરો પણ નથી. અમે અંતિમ નિર્ણયની રાહ જોઈ રહ્યા છીએ, પરંતુ માટીની મૂર્તિઓ બનાવવી શક્ય નથી.’

સેન્ટ્રલ પૉલ્યુશન બોર્ડે મે ૨૦૨૦માં જળસંસ્થાઓ કે જળાશયોમાં ગંભીર પ્રદૂષણનું કારણ બનતી પીઓપીની મૂર્તિઓ પર પ્રતિબંધ મૂકતી વિગતવાર માર્ગદર્શિકા ઇશ્યુ કરી હતી. જોકે મૂર્તિ ઉત્પાદકોએ તેમનો રોજગાર છીનવાઈ જવાની ભીતિ વ્યક્ત કરતાં આ પ્રતિબંધને એક વર્ષ માટે ઉઠાવી લેવામાં આવ્યો હતો. બે વર્ષ પછી હવે બીએમસીએ મૂર્તિકારોને પીઓપીની મૂર્તિઓ ન બનાવવાનું જણાવતી નોટિસ મોકલી છે. મહારાષ્ટ્રમાં લગભગ ૧૨,૦૦૦ સાર્વજનિક ગણેશોત્સવ છે અને બે લાખ કરતાં વધુ ઘરેલુ ગણપતિની મૂર્તિઓ બનાવાય છે. 

"અમે મુખ્ય પ્રધાનને મળવાની કોશિશ કરી રહ્યા છીએ. છેલ્લાં કેટલાંક વર્ષોમાં માટીનો વપરાશ વધ્યો છે, પરંતુ માટીમાંથી બે લાખ કરતાં વધુ મૂર્તિઓ બનાવવી શક્ય નથી." : નરેશ દહીબાવકર, મુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ સમન્વય સમિતિના પ્રમુખ 

mumbai mumbai news ganesh chaturthi ganpati