ગણેશભક્તો ત્રણ વર્ષે પણ ઠેરના ઠેર

12 August, 2022 09:32 AM IST  |  Mumbai | Prajakta Kasale

બીએમસી ૨૦૧૯ની જેમ જ ફરી આ ‍વર્ષે પણ ગણેશભક્તોને શહેરના અમુક પુલ પર ડાન્સ નહીં કરવાની સૂચના આપવાનું છે, કારણ કે એને ડર છે કે જર્જરિત પુલ તૂટી પડશે : જોકે સવાલ એ છે કે ત્રણ-ત્રણ વર્ષ બીએમસીએ કર્યું શું અને શું કામ આ બ્રિજની મરામત ન કરાવી?

ચિંચપોકલી આરઓબી પર ૨૦૧૯માં ગણેશ મંડળો માટે બીએમસીનો સંદેશ

મહાનગરનાં ગણેશ મંડળો મહામારીનાં બે વર્ષ બાદ હવે ધામધૂમથી ગણેશોત્સવ મનાવવાની તૈયારીઓ કરી રહ્યાં છે ત્યારે એમણે કેટલાક જૂના અને જર્જરિત બ્રિજ પર પોતાના હર્ષોલ્લાસ પર લગામ તાણવાની ફરજ પડશે. આ વર્ષે ફરી બીએમસી ગણપતિ મંડળો માટે આ બ્રિજ પર ડાન્સ ન કરવાનું જણાવતા સંદેશા મૂકવાનું છે. જોકે ગણેશ મંડળોનો પ્રશ્ન એ છે કે છેલ્લાં ત્રણ વર્ષમાં બીએમસીએ આ બ્રિજ પર સમારકામ કેમ ન કરાવ્યું.

ઓવરપાસ પરની જોરશોરથી થતી નાચગાનની પ્રવૃત્તિ ઘણા જૂના અને નબળા બ્રિજ પરની દુર્ઘટના માટે જવાબદાર બની શકે છે. ગણેશોત્સવ ૩૧ ઑગસ્ટથી શરૂ થશે.

૨૦૧૯માં સીએસટી ખાતેનો હિમાલયા એફઓબી અને અંધેરીનો ગોખલે બ્રિજ તૂટી પડતાં સુધરાઈને શહેરના આરઓબી અને એફઓબીની સ્થિતિ ચકાસવાની ફરજ પડી હતી. ત્યાર પછી બીએમસીએ ૨૦ પુલની યાદી તૈયાર કરી જે મધ્ય અને પશ્ચિમ રેલવેના પાટા પર હતા, જ્યાં સરઘસ એક પછી એક જઈ શકે. આ પુલ પર કોઈને નાચવાની છૂટ નહોતી. આ યાદીમાં નવા મિલાન બ્રિજનો પણ સમાવેશ થાય છે જે પછીથી પડતો મૂકવામાં આવ્યો હતો.

જોકે છેલ્લાં બે વર્ષમાં પ્રતિબંધનો કોઈ અર્થ નહોતો, કારણ કે રોગચાળાને લીધે તહેવાર મનાવાતા જ નહોતા. હવે સરકારનાં તમામ નિયંત્રણો હટાવવાના નિર્ણયે ફરી એક વાર આ પુલ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. બીએમસીના અધિકારીએ જણાવ્યું હતું કે સાવચેતીનાં પગલા તરીકે માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે.

બીએમસીના અધિકારીઓ અને પોલીસ સાથેની મીટિંગમાં વિવિધ ગણપતિ મંડળની મૅનેજિંગ કમિટીએ આ વર્ષે પણ શોભાયાત્રાનો રૂટ ૨૦૧૯નો હતો એ જ રાખવાનો નિર્ણય લીધો છે.
આમાંના અનેક બ્રિજ અત્યંત જૂના છે અને રિપેરિંગ કે પુન: બાંધકામ કરાવવા જેવા છે એથી જ ૨૦૧૯ની માર્ગદર્શિકામાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું બીએમસીના બ્રિજ ડિપાર્ટમેન્ટના ચીફ એન્જિનિયર સતીશ થોસરે કહ્યું હતું.

ગણેશોત્સવના નોડલ ઑફિસર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હર્ષદ કાળેએ કહ્યું હતું કે તેમને એ બ્રિજનું લિસ્ટ મળ્યું છે જેના પર વજનને લગતા પ્રતિબંધ લાદવામાં આવ્યા છે. સ્વતંત્રતા દિનની ઉજવણી પૂરી થયા બાદ અમે એના પરની ઍડ્વાઇઝરી જાહેર કરીશું.

અમે પાલન કરીશું, પરંતુ...ગણેશ મંડળોએ તમામ પ્રતિબંધોનું પાલન કરવાની તૈયારી દર્શાવી છે, પણ એ સાથે જ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે કે છેલ્લાં બે વર્ષમાં બ્રિજનું રિપેરિંગ કેમ ન થયું? 
ગણેશ ગલી સાર્વજનિક ગણેશોત્સવ મંડળના સેક્રેટરી સ્વપ્નિલ પરબે કહ્યું કે ‘મહામારી દરમ્યાન જ્યારે વાહનવ્યવહાર મર્યાદિત હતો ત્યારે બીએમસીએ આ બ્રિજનું સમારકામ કરાવવું જોઈતું હતું. કદાચ એ સમયે તેઓ આરોગ્યલક્ષી મુદ્દાઓ પર ધ્યાન આપી રહ્યા હતા, પરંતુ અમારા સ્વયંસેવકો એ જાણવા માગે છે કે આ બ્રિજ પરથી બીએમસી ટ્રક પસાર થવા દે છે, પરંતુ ભક્તો પર

પ્રતિબંધ મૂકી રહી છે, એમ કેમ?
ચિંચપોકલી સાર્વજનિક ગણેશોત્સવ મંડળના સેક્રેટરી વાસુદેવ સાવંત જણાવે છે કે ‘ચિંચપોકલી બ્રિજ ૧૮ ટન કરતાં વધુ ભાર વહન કરી શકે એમ નથી. આથી બીએમસી એને બંધ કરવાનું વિચારી રહી હતી. જોકે અમારા વિરોધ પછી તેમણે ગણેશમૂર્તિ સાથે ૫૦ સ્વયંસેવકોને જવાની પરવાનગી આપી છે. બ્રિજનું સમારકામ ચાલી રહ્યું છે. તેમની ચિંતા અમે સમજીએ છીએ, પણ તેઓ ડમ્પર અને અન્ય ભારે વાહનો પર પ્રતિબંધ કેમ નથી મૂકતા? આ ભારે વાહનો બ્રિજ પરથી પસાર થતાં હોય ત્યારે થતું કંપન અમે અનુભવીએ છીએ. અમે બીએમસીની મીટિંગમાં પણ આની સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.’

બીએમસીએ મહારાષ્ટ્ર રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કૉર્પોરેશન (મહારેલ)ને મુંબઈ અને ઉપનગરોમાં ૧૦ આરઓબી અને એક રોડ અન્ડર બ્રિજના પુનર્નિર્માણની જવાબદારી સોંપી છે. સૂત્રોએ જણાવ્યા અનુસાર બીએમસી અને સેન્ટ્રલ રેલવેના અધિકારીઓ ચિંચપોકલીનો બ્રિજ ફરી બાંધવાની મહારેલની દરખાસ્ત પર વિચારણા કરી રહ્યાં છે. 

મહારેલ આ બ્રિજ ફરી બનાવશે
ઓલિવન્ટ આરઓબી, માઝગાવ
આર્થર આરઓબી
ઘાટકોપર આરઓબી
લોઅર પરેલ આરઓબી
બેલાસિસ આરઓબી
ગાર્ડન આરઓબી, એસ બ્રિજ
ટિળક આરઓબી, દાદર
રે રોડ આરઓબી
કરી રોડ આરઓબી 

જોખમી બ્રિજ કયા?
ભાયખલા આરઓબી
ચિંચપોકલી આરઓબી
કરી રોડ આરઓબી
મરીનલાઇન્સ
ગ્રાન્ટ રોડ
સૅન્ડહર્સ્ટ
ચારણી રોડ પાસેનો ફ્રૅન્ચ બ્રિજ
ગ્રાન્ટ રોડ પાસે કૅનેડી
માઝગાવ નજીક ફોકલૅન્ડ
મુંબઈ સેન્ટ્રલ નજીક બેલાસિસ
મહાલક્ષ્મી
પ્રભાદેવી
દાદરનો ટિળક આરઓબી
વીર સાવરકર, ગોરેગામ
સુધીર ફડકે, બોરીવલી
દહિસર આરઓબી
વિલે પાર્લે આરઓબી ગોખલે અંધેરી
ઘાટકોપર આરઓબી 
(રાજેન્દ્ર અકલેકરના ઇન્પુટ્સ સાથે)

mumbai mumbai news ganesh chaturthi ganpati brihanmumbai municipal corporation prajakta kasale