આવતા વર્ષે આવે છે પ્લાસ્ટર ઑફ પૅરિસથી મુક્ત ગણપતિની મૂર્તિઓ

04 October, 2021 02:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જો મૂર્તિ ઇકો-ફ્રેન્ડ્લી નહીં હોય તો ડિપોઝિટ જપ્ત થશે અને રજિસ્ટ્રેશન બે વર્ષ માટે રદ થશે

ફાઈલ તસવીર

આખરે બીએમસી પ્લાસ્ટર ઑફ પૅરિસ (પીઓપી)થી મુક્ત હોય એવા ગણેશોત્સવ તથા અન્ય તહેવારો માટે સજ્જ થઈ રહ્યું છે. આમ તો પીઓપીના વપરાશ પર વર્ષોથી પ્રતિબંધ છે, પરંતુ શિલ્પકારોની સ્થિતિને ધ્યાનમાં રાખીને એનો અમલ કરાયો નહોતો.

બીએમસીએ પ્લાનનો અમલ કરવા માટે વિવિધ હિતધારકો સાથે બેઠક યોજી હતી. નિયમો લાગુ થયા બાદ જો મૂર્તિ ઇકો-ફ્રેન્ડ્લી નહીં હોય તો ડિપોઝિટ જપ્ત થશે અને રજિસ્ટ્રેશન બે વર્ષ માટે રદ થશે.

બીએમસીના ઍડિશનલ કમિશનર અશ્વિની ભિડે અને ડેપ્યુટી કમિશનર હર્ષદ કાળેની દેખરેખ હેઠળ હાથ ધરાયેલી બેઠકમાં શિલ્પકારોના પ્રતિનિધિઓ, સાર્વજનિક ગણેશોત્સવની કો-ઑર્ડિનેટિંગ સમિતિઓ, મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, મુંબઈ પોલીસ અને ‘નીરી’ના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (સીપીસીબી)એ તહેવારો માટે ઇકો-ફ્રેન્ડ્લી માર્ગદર્શિકાઓ પ્રસિદ્ધ કરી હતી જેમાં મૂર્તિ બનાવનારા કારીગરો, પૂજા આયોજન સમિતિઓ અને શહેરી સ્થાનિક સંસ્થાઓ માટેની સૂચનાઓનો સમાવેશ થાય છે. માર્ગદર્શિકામાં પ્રદૂષણમુક્ત વિસર્જનનો પણ સમાવેશ થાય છે. શિલ્પકારોના સંગઠનના સભ્યોએ જણાવ્યું હતું કે માટીનાં ઇકો-ફ્રેન્ડ્લી શિલ્પો બનાવવામાં વધુ સમય અને જગ્યાની જરૂર પડે છે. તેમણે બીએમસીને મૂર્તિની વર્કશૉપ્સ માટે વધુ જગ્યા અને સમય પૂરાં પાડવાની માગણી કરી હતી.

બીએમસી આગામી વર્ષથી ઇકો-ફ્રેન્ડ્લી રીતે તહેવારોની ઉજવણી કરવા માટે શક્ય એટલી સૂચનાઓનો અમલ કરવાની કોશિશ કરી રહ્યું છે. શિલ્પકારો તથા સાર્વજનિક ગણેશોત્સવ સમિતિઓનો સકારાત્મક પ્રતિસાદ મળે એવી અમને અપેક્ષા છે એમ બીએમસીના એક અધિકારીએ જણાવ્યું હતું.

ઇકો-ફ્રેન્ડ્લી મૂર્તિઓ

મૂર્તિઓ સીપીસીબીની માર્ગદર્શિકા અનુસાર માત્ર નૈસર્ગિક, જમીનમાં ભળી જાય એવી અને ઇકો-ફ્રેન્ડ્લી સામગ્રીની બનેલી હોવી જોઈએ.

શણગાર માટે પાંદડાં, ફૂલો અને વસ્ત્રોનો ઉપયોગ કરવો જોઈએ. સિંગલ-યુઝ પ્લાસ્ટિક પર કડક પ્રતિબંધ છે.

મૂર્તિ પર કલરકામ કરવા માટેના રંગો તથા સુશોભન ઇકો-ફ્રેન્ડ્લી હોવાં જોઈએ.

શિલ્પકારોની સ્થાનિક સેલ્ફ-ગવર્નિંગ સંસ્થામાં નોંધણી થયેલી હોવી જોઈએ.

નદી, તળાવો, દરિયા વગેરેમાં મૂર્તિઓના વિસર્જન માટે અલાયદી સૂચના હોવી જોઈએ.

દરિયામાં વિસર્જન માટે સ્થાનિક કોસ્ટલ મૅનેજમેન્ટ ઑથોરિટીની પરવાનગી હોવી જરૂરી છે.

રહેવાસીઓએ તેમની મૂર્તિઓનું ઘરે વિસર્જન કરવું જોઈએ.

mumbai mumbai news ganesh chaturthi