ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાન ૧૯૯૫માં જ બનવાના હતા

05 May, 2025 10:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શિવસેનાના ભૂતપૂર્વ નેતા અને BJPના વિધાનસભ્ય ગણેશ નાઈકે કહ્યું સીક્રેટ

ગણેશ નાઈક

નવી મુંબઈના દિગ્ગજ નેતા, શિવસેનાના ભૂતપૂર્વ નેતા અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના વિધાનસભ્ય ગણેશ નાઈકે ગઈ કાલે એક ન્યુઝચૅનલની મુલાકાતમાં બાળાસાહેબ ઠાકરે, પ્રમોદ મહાજન, ધીરુભાઈ અંબાણી અને ઉદ્ધવ ઠાકરે વિશે કેટલીક ચોંકાવનારી વાતો કરી હતી.

નવી મુંબઈની ઐરોલી બેઠકના વિધાનસભ્ય અને રાજ્યના વનપ્રધાન ગણેશ નાઈકે કહ્યું હતું કે ‘ધીરુભાઈ અંબાણી, પ્રમોદ મહાજન અને બાળાસાહેબ ઠાકરે સારા મિત્રો હતા. તેઓ ધીરુભાઈ અંબાણીના કફ પરેડમાં આવેલા સીવિન્ડના ઘરે આઠ-દસ દિવસે મળીને ગપ્પાં મારતા. એ સમયે ધીરુભાઈ અંબાણીએ મને મુખ્ય પ્રધાન બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ધીરુભાઈ અંબાણીની કંપનીમાં મારું યુનિયન હતું એટલે બાળાસાહેબ ઠાકરે સાથે મારા મતભેદ હોવાની ચર્ચા થતી. બાળાસાહેબ ઠાકરે દિલદાર વ્યક્તિ હતા. કોઈએ બાળાસાહેબને મારા વિશે ખોટી માહિતી આપતાં ગેરસમજ થઈ હતી. બાદમાં તેમને આ બાબતનો ખ્યાલ આવતાં તેમણે દિલસોજી વ્યક્ત કરી હતી. બાળાસાહેબ ઠાકરે, ઉદ્ધવ ઠાકરે અને તત્કાલીન મુખ્ય પ્રધાન મનોહર જોશી વચ્ચે એક બેઠકમાં ચર્ચા થઈ રહી હતી ત્યારે હું અચાનક ત્યાં પહોંચ્યો હતો. મનોહર જોશી કંઈક લખી રહ્યા હતા. એ સમયે બાળાસાહેબે મને પ્રેસમાં આપવા માટે એક ચિઠ્ઠી આપી હતી. હું કારમાં બેઠો અને ચિઠ્ઠી મારી સાથેના વિકાસ મહાડિકને વાંચવા આપી. ચિઠ્ઠીની વિગતો જાણ્યા બાદ મેં બાળાસાહેબને ફોન કરીને કહ્યું કે મને આ પસંદ નથી અને હું આ ચિઠ્ઠી પ્રેસમાં નહીં આપું. બાળાસાહેબે મને કહ્યું કે તને જે યોગ્ય લાગે એ કર. ૧૯૯૫માં મને મુખ્ય પ્રધાન બનવા વિશે બાળાસાહેબે પૂછ્યું હતું. ત્યારે મેં કહ્યું હતું કે ૧૪૫થી વધુ બેઠક આવશે તો ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાન બનશે, ૧૪૪થી ઓછી બેઠક મળશે તો સુધીર જોશી અને એનાથી પણ ઓછી બેઠક વિધાનસભાની ચૂંટણીમાં BJP સાથેની યુતિમાં શિવસેનાને મળશે તો મનોહર જોશી મુખ્ય પ્રધાન બનશે. ૧૯૯૫ની વિધાનસભાની ચૂંટણીમાં BJP-શિવસેનાના મુખ્ય પ્રધાન મનોહર જોશી બન્યા હતા. આથી ઉદ્ધવ ઠાકરેના હાથમાંથી તક જતી રહી હતી.’

navi mumbai bharatiya janata party shiv sena uddhav thackeray bal thackeray political news maharasthtra maharashtra news news mumbai mumbai news