Ganesh Chaturthi 2023: BESTની 2000 લાઇટ્સથી મુંબઈ થશે ઝળાહળ

31 August, 2023 11:51 AM IST  |  Mumbai | Chirantana Bhatt

કૂલ 71 રૂટ્સ અને 20 વિસર્જન સ્થળો ઉપરાંત 39 કૃત્રિમ તળાવો જે વિસર્જન માટે ખાસ બનાવવામાં આવશે તે તમામને ગણતરીમાં લઈને આ જાહેરાત કરવામાં આવી છે.

તસવીર - સતેજ શિંદે

ગણેશ ચતુર્થીને (Ganesh Chaturthi) હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે બ્રિહ્નમુંબઈ ઇલેક્ટ્રિસીટી સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ અંડર ટેકિંગે (BEST) બુધવાર 30 ઑગસ્ટના રોજ જાહેરાત કરી છે કે બાપ્પાના આગમનને વધાવવા શહેર આખામાં 2000 લાઇટ્સ લગાડવામાં આવશે.


આ લાઇટ્સનો ઉપયોગ એવા સ્થળોએ થશે જ્યાંથી બાપ્પાની સવારી પસાર થવાની હશે. કૂલ 71 રૂટ્સ અને 20 વિસર્જન સ્થળો ઉપરાંત 39 કૃત્રિમ તળાવો જે વિસર્જન માટે ખાસ બનાવવામાં આવશે તે તમામને ગણતરીમાં લઈને આ જાહેરાત કરવામાં આવી છે. આ બધું ધ્યાનમાં રાખીને 2000 લાઇટ્સનો ઝળહળતો પ્રકાશ ભક્તોને માટે સુવિધા સાબિત થશે તે સ્વાભાવિક છે. 

નિયમ અનુસાર બૃહ્ન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના આદેશ અનુસાર ઇલેક્ટ્રિસીટી સપ્લાય વિભાગ જાહેર સરઘસોના રૂટ અને વિસર્જન સ્થળો પર લાઇટ્સની જવાબદારી બેસ્ટની રહેશે. આ વાત પણ બેસ્ટે કરેલી જાહેરાત સાથે ખાસ કહેવામાં આવી હતી.


તેમાં જણાવ્યા અનુસાર વિસર્જન સ્થળો પર 15 કાયમી લેમ્પ્સ લગાડવામાં આવશે અને કૂલ આઠ ડિઝલ જનરેટર સેટની વ્યવસ્થા પણ કરાશે જેથી જરૂર પડ્યે વૈકલ્પિક પાવર સપ્લાય તરીકે વિસર્જન સ્થળો પર તેનો ઉપયોગ થઇ શખે જેથી કટોકટીના સંજોગો ખડાં થાય તો ટોળાઓને સંભાળી શકાય તે રીતે વિજળીની વ્યવસ્થા તરત ઉપલબ્ધ થઇ શકે. 

BESTની પહેલમાં કૂલ 71 રૂટ્સ જ્યાંથી બાપ્પાનું સરઘસ કે સવારી પસાર થવાના છે ત્યાં 2296 લેમ્પ્સ, 20 લેમ્પ્સ વિસર્જનના સ્થળે અને ગણેશ ભક્તો માટે આખા શહેરમાં કૂલ 39 કૃત્રિમ તળાવો પણ બનાવવામાં આવશે જેથી તેમને વિસર્જનમાં સરળતા રહે. આ ઉપરાંત BEST દ્વારા 19 હાઇ ઇન્ટેન્સિટી સર્ચલાઇટ્સ પણ ઉપલબ્ધ કરાશે જેથી લાઇફ ગાર્ડ્ઝને જરૂર પડ્યે દરિયામાં ઉંડે  સુધી જવું પડે તો તેમને મદદ મળી રહે. 
ઑફિસર્સ અને સ્ટાફ પણ વિસર્જન સ્થળોએ તૈનાત કરાશે જેથી વિજળીના પુરવઠામાં કોઈ અડચણ ન આવે તેની તેઓ તકેદારી રાખી શકે.

દર વર્ષે BESTનો ઇલેક્ટ્રિસિટી સપ્લાય ડિપાર્ટમેન્ટ ગણેશોત્સવ દરમિયાન થતી સવારીઓને ધ્યાનમાં રાખીને લાઇટિંગ પ્લાન રજુ કરે છે જે BMCના આદેશને અનુસાર હોય છે અને ગણેશ ચતૂર્થી ઉજવતા મંડળોને તેમની માંગ અનુસાર પાવર સપ્લાય પુરો પાડે છે. આ વિજ પુરવઠો હંગામી ધોરણે પુરો પાડવામાં આવે છે.

ગણેશ ચતુર્થીની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને ભક્તો પણ મોજમાં છે. ગણેશ ચતુર્થી દરમિયાન વરસાદ પડવાની પણ વકી છે પણ મુંબઈમાં ગણેશ ચતુર્થી જેવો તહેવાર હોય ત્યારે ટ્રાફિક કે વરસાદ કે પછી બીજી કોઈપણ અડચણ ભક્તોને વિઘ્નહર્તાના આગમન કે વિદાયમાં વિધ્ન નથી જ લાગતી અને તહેવાર ખૂબ જ ઉત્સાહથી રંગચંગે મનાવવામાં આવે છે.

ganesh chaturthi mumbai news maharashtra news brihanmumbai municipal corporation brihanmumbai electricity supply and transport