મુંબઈ : ગણેશભક્તો નિયમો ભૂલ્યા, દાદર માર્કેટમાં ભારે ભીડ

22 August, 2020 07:59 AM IST  |  Mumbai | Agencies

મુંબઈ : ગણેશભક્તો નિયમો ભૂલ્યા, દાદર માર્કેટમાં ભારે ભીડ

કોરોનાની ઐસી કી તૈસી - આજથી ગણેશોત્સવની શરૂઆત થઈ રહી છે ત્યારે ગણેશ સ્થાપના માટેનાં મકર, ફૂલ સહિતના શણગારની સામગ્રી લેવા માટે દાદરમાં મોટી સંખ્યામાં લોકો ઊમટ્યા હતા. મુંબઈમાં દરરોજ હજારથી વધારે કોરોનાના નવા કેસ આવતા હોવા છતાં આવી રીતે લોકો ઘરોની બહાર નીકળીને પોતાની સાથે બીજાઓને પણ જોખમમાં મૂકી રહ્યા હોવા છતાં પાલિકા અને સરકારનું તેમના પર કોઈ નિયંત્રણ નથી. ગઈ કાલે દાદર-વેસ્ટના રાનડે રોડ પર લોકોની ભીડનાં આવા દૃશ્યો જોવા મળ્યાં હતાં.

આજથી શરૂ થઈ રહેલા ૧૧ દિવસના ગણેશોત્સવમાં તમામ મંડળોએ સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાની ગણેશ મંડળોના અસોસિએશને ગઈ કાલે અપીલ કરી હતી. દાદર માર્કેટમાં મોટી સંખ્યામાં લોકો ગણપતિના ડેકોરેશન માટેની ખરીદી કરવા ઊમટ્યા હોવાના ફોટા અને વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થતાં બૃહદ મુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ સમન્વય સમિતિએ તમામ ગણેશ મંડળોને નિયમોનું પાલન કરવાનું કહ્યું હતું.

બૃહદ મુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ સમન્વય સમિતિના અધ્યક્ષ નરેશ દહિબાવકરે કહ્યું હતું કે લોકોની ભગવાનમાં શ્રદ્ધા હોવી જોઈએ, પણ કોરોના વાઇરસને દૂર રાખવા માટેની સાવચેતી પણ તેમણે રાખવી જોઈએ. જોકે દુ:ખની વાત છે કે લોકો ગણેશોત્સવની ખરીદી માટે સાવધાની રાખવાને બદલે ખુલ્લેઆમ મોટી સંખ્યામાં માર્કેટમાં આવી રહ્યા છે. પોતાની સાથે બીજાના જીવ જોખમમાં મુકાય એવું તેમણે ન કરવું જોઈએ. છેલ્લા ચાર-પાંચ દિવસથી લોકો સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમ ભૂલી જઈને શહેરની ફૂલ, શાક બજારમાં ઊમટી રહ્યા છે.’

નરેશ દહિબાવકરે વધુમાં જણાવ્યું હતું કે ‘તમામ ગણેશભક્તોએ કોરોનાને ધ્યાનમાં રાખીને સરકારે જાહેર કરેલા નિયમોનું પૂર્ણપણે પાલન કરવું જોઈએ અને સરકારને સહયોગ આપવો જોઈએ. બદનસીબે આમ નથી થઈ રહ્યું. ગણેશોત્સવમાં સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન થાય એ માટેના નિયમોનું સંપૂર્ણપણે પાલન કરવાનો શહેરના ગણેશ મંડળોએ હકાર ભણ્યો છે.’

ઉલ્લેખનીય છે કે મુંબઈમાં માત્ર મરાઠીઓ જ નહીં તમામ જ્ઞાતિ-સમાજના લોકો ગણેશની મૂર્તિની સ્થાપના કરીને તેમની પૂજા-અર્ચના કરતાં હોવાથી દર વર્ષે આ તહેવારની મોટા પાયે ઉજવણી કરાય છે, જેમાં લાખો લોકો જોડાય છે. જોકે અત્યારે શહેરમાં કોરોનાની દહેશત કાયમ હોવાથી આ મહારોગ વધુ ન ફેલાય તે માટેના નિયમો સરકારે બનાવ્યા છે. ગઈ કાલ સુધી મહારાષ્ટ્રમાં કોરોનાના ૧,૩૨,૮૧૭ કેસ નોંધાયા હતા, જેમાં ૭૩૧૧ લોકોએ તેમના જીવ ગુમાવ્યા છે.

dadar ganesh chaturthi mumbai mumbai news coronavirus covid19 lockdown borivali brihanmumbai municipal corporation