06 August, 2023 11:59 AM IST | Mumbai | Priti Khuman Thakur
નીતિન ગડકરી
વર્સોવા બ્રિજ પર માત્ર ત્રણ મહિનામાં જ મોટા ખાડા પડી ગયા છે એ જાણીને કેન્દ્રીય માર્ગપરિવહન પ્રધાન નીતિન ગડકરીએ ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેમણે હાઇવે ઑથોરિટીના અધિકારીઓ પાસે જવાબ માગીને સંબંધિત કૉન્ટ્રૅક્ટરને બ્લૅક લિસ્ટ કરવાનો આદેશ આપ્યો હતો.
મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર વર્સોવા ખાડી પરના બ્રિજની બાજુમાં એક નવો પુલ બનાવવામાં આવ્યો છે. ચાર રૂટના આ બ્રિજ પર પ્રથમ મુંબઈ-સુરત લેન ૨૮ માર્ચે શરૂ કરવામાં આવી હતી. જોકે મૉન્સૂન શરૂ થતાં જ માત્ર ત્રણ મહિનામાં નવા વર્સોવા બ્રિજમાં ઠેર-ઠેર ખાડા પડી ગયા છે. એટલું જ નહીં, ૬૮ જગ્યાએ બ્રિજના સળિયા પણ બહાર આવી ગયા છે. એને કારણે આ બ્રિજ પર ભારે ટ્રાફિક જૅમ થતો હોવાથી અકસ્માતની શક્યતા ઊભી થઈ છે.
પાલઘરના સાંસદ રાજેન્દ્ર ગાવિતે દિલ્હીમાં કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીને ખાડાઓ વિશે જાણકારી આપી હતી અને ફોટો દેખાડ્યા હતા. નવા બ્રિજ પર ખાડાઓ અને ખરાબ કામગીરી જોઈને નીતિન ગડકરી ગુસ્સે થયા હતા. તેમણે હાઇવે ઑથોરિટીના અધિકારીઓને ફોન કર્યા હતા અને માત્ર ત્રણ મહિનામાં ખાડા કેવી રીતે પડ્યા એ વિશે જવાબ માગ્યો હતો. આ પ્રકરણે આવું ખરાબ કામ કરનાર કૉન્ટ્રૅક્ટરને બ્લૅક લિસ્ટ કરવાનો અને આગળનું કામ ન આપવાનો આદેશ આપ્યો હતો. નીતિન ગડકરીએ અધિકારીઓને એમ પણ કહ્યું કે વિકાસકાર્યોની ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ ન થવી જોઈએ.