25 June, 2025 07:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘સરદારજી 3’ ફિલ્મનું પોસ્ટર
સિંગર-ઍક્ટર દિલજિત દોસાંઝની ૨૭ જૂને રિલીઝ થનારી આગામી ફિલ્મ ‘સરદારજી 3’નું ટ્રેલર રિલીઝ થયા બાદથી જ આ ફિલ્મ વિવાદોમાં ફસાઈ ગઈ છે. દિલજિત દોસાંઝને પાકિસ્તાની ઍક્ટ્રેસ હાનિયા આમિરને ફિલ્મમાં કાસ્ટ કરવાને કારણે ઘણી ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે દિલજિત અને ફિલ્મના નિર્માતાઓએ સ્પષ્ટ કર્યું છે કે આ ફિલ્મ ભારતમાં રિલીઝ નહીં થાય, ફક્ત વિદેશોમાં જ રિલીઝ કરવામાં આવશે; પરંતુ ભારત-પાકિસ્તાન વચ્ચેના તનાવને કારણે પાકિસ્તાની અભિનેત્રીને ફિલ્મમાં લેવાનો નિર્ણય લોકોને ગળે નથી ઊતરી રહ્યો.
આ સંજોગોમાં ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લૉઈઝ (FWICE)એ પણ હાનિયા આમિરને ફિલ્મમાં લેવાને કારણે ભારે નારાજગી વ્યક્ત કરી છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફિલ્મના સ્ટાર દિલજિત દોસાંઝ સામે સખત અને તાત્કાલિક કાર્યવાહી કરવાની અપીલ કરી છે.
રિપોર્ટ પ્રમાણે FWICEએ નરેન્દ્ર મોદીને પત્ર લખીને ‘સરદારજી 3’ના ઍક્ટર દિલજિત દોસાંઝ ઉપરાંત નિર્માતા ગુનબીર સિંહ સિધુ, મનમોર્ડ સિધુ અને દિગ્દર્શક અમર હુન્ડલની નિંદા કરી છે. FWICEએ વડા પ્રધાન ઉપરાંત ગૃહપ્રધાન અમિત શાહ, વિદેશપ્રધાન એસ. જયશંકર તેમ જ સૂચના અને પ્રસારણપ્રધાન અશ્વિની વૈષ્ણવને દિલજિત, ગુનબીર, મનમોર્ડ અને અમર સામે સખત અને તાત્કાલિક કાર્યવાહી કરવાની અપીલ કરી છે. FWICEએ જણાવ્યું કે હાનિયા આમિરને ફિલ્મમાં લેવાનું કૃત્ય માત્ર દેશના કાયદાઓ અને નિર્દેશોનું ઉલ્લંઘન જ નથી, દેશની આત્માનું અપમાન પણ છે.
FWICEએ લખેલા પત્રમાં આગળ લખવામાં આવ્યું છે, ‘અમે આદરપૂર્વક વિનંતી કરીએ છીએ કે દિલજિત, ગુનબીર, મનમોર્ડ અને અમરના પાસપોર્ટ તાત્કાલિક રદ કરવામાં આવે અને તેમને ભારતીય નાગરિકતા અને રાષ્ટ્રીય ઓળખ સાથે જોડાયેલા કોઈ પણ હક, વિશેષાધિકાર કે પ્રતિનિધિત્વનો લાભ લેવાથી કાયમ માટે રોકવામાં આવે. તેમનાં કૃત્યો સ્પષ્ટપણે દર્શાવે છે કે તેમની નિષ્ઠા ક્યાં છે. તેમની નિષ્ઠા ન તો ભારત પ્રત્યે છે કે ન તો ભારતીય સિનેમા પ્રત્યે... અને ચોક્કસપણે આ દેશના લોકો પ્રત્યે તો નથી જ.’
FWICEએ સૂચના અને પ્રસારણ મંત્રાલય તેમ જ સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)નો સંપર્ક કરીને ભારતમાં ફિલ્મની રિલીઝ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાડવા અને સેન્સર પ્રમાણપત્ર આપવાનો ઇનકાર કરવાની માગણી કરી છે.